અહા! જડકર્મ અને ભાવકર્મની દશાનો તો વર્તમાન વિદ્યમાન દશામાં અભાવ છે, ને ભૂત-ભવિષ્યની પોતાની અવસ્થાઓનો પણ તેમાં પ્રાગભાવ ને પ્રધ્વંસાભાવ છે. જો તેમ ન હોય ને ભૂત-ભવિષ્યની પર્યાયો પણ વર્તમાનમાં વિદ્યમાન હોય તો વર્તમાન સાધક પર્યાયમાં ભૂતકાળની અજ્ઞાનદશા પણ વર્ત્યા કરે, તથા વર્તમાન સાધકપર્યાયમાં કેવળજ્ઞાન દશા પણ હમણાં જ થઈ જાય. આમ થતાં સાધકદશા વગેરે એકેય પર્યાય સિદ્ધ ન થાય, અને પર્યાય સિદ્ધ ન થતાં, દ્રવ્ય પણ સિદ્ધ ન થાય, અર્થાત્ અજ્ઞાન જ રહે. માટે વર્તમાન સાધકદશાનું વિદ્યમાન સ્વભાવવાળાપણું છે તેમાં અન્ય (આગળ-પાછળની ને વર્તમાન વિકારની) અવસ્થાઓનો અભાવ જ છે એમ જાણી શુદ્ધ ચૈતન્યના લક્ષમાં દક્ષ થા, કેમકે ચૈતન્યના લક્ષમાં દક્ષ થતાં આત્મા પોતાની નિર્મળ અવસ્થાપણે વિદ્યમાન વર્તે છે. આવો વીતરાગનો મારગ છે.
આ પ્રમાણે અહીં અભાવશક્તિનું વર્ણન પૂરું થયું.
‘ભવતા (-વર્તતા, થતા, પરિણમતા) પર્યાયના વ્યયરૂપ ભાવાભાવશક્તિ’. અહા! આત્મામાં એક એવી શક્તિ છે જે વડે વર્તમાનમાં જે પર્યાય વિદ્યમાન-ભાવરૂપ છે તેનો નિયમથી બીજે સમયે અભાવ થાય. ભાવ-અભાવનો એવો અર્થ છે કે વર્તમાન પવિત્રતાની જે વિદ્યમાન-ભાવરૂપ અવસ્થા છે તેનો બીજા સમયે અભાવ થાય છે. જરા શાંતિથી સાંભળવું બાપુ! આ તો ભગવાન કેવળીનો મારગ કોઈ અલૌકિક છે. અહા! ભગવાન કેવળીએ આત્મામાં જેવાં નિધાન પ્રત્યક્ષ જોયાં છે તેવાં, ભગવાન! તને અજ્ઞાન મટીને જ્ઞાનમાં ભાસિત થાય એવી તારી ચીજ છે.
અહા! અનંત ગુણની જે નિર્મળ પર્યાય વર્તમાન વિદ્યમાન છે તે ભવતા ભાવનો-પરિણામનો બીજે સમયે વ્યય થાય એવી આત્માની ભાવ-અભાવશક્તિ છે. આ પર્યાય છે તેનો હું અભાવ કરું એમ નથી, ને તેને હું પકડી રાખું એમ પણ નથી, કારણ કે વર્તમાન ભાવનો બીજે સમયે અભાવ થાય જ એવો આત્માનો ભાવ-અભાવ સ્વભાવ છે.
અરે ભાઈ! તું મુંઝાઈશ મા... , અરેરે! ઘણા લાંબા કાળથી સેવેલું અજ્ઞાન હવે કેમ ટળશે, ને સમ્યગ્જ્ઞાન કેમ થશે?-આમ તું મુંઝાઈશ મા; કેમકે અનાદિથી જે અજ્ઞાન સેવ્યું તે અજ્ઞાન સદાય ટકી જ રહે-એમ નથી. અનાદિથી સમયે સમયે વિદ્યમાન એવા અજ્ઞાનનો અભાવ થઈને, અપૂર્વ સમ્યગ્જ્ઞાનનો ભાવ થાય એવી શક્તિઓ તારામાં ત્રિકાળ ભરી છે. બસ તું સ્વ સન્મુખ થા, ને તારી બધી જ મુંઝવણ મટી જશે.
જુઓ, આ અનેકાન્તનો અધિકાર છે. આચાર્યદેવ અહીં અનેકાન્તને વિશેષ ચર્ચે છે. શિષ્યે પ્રશ્ન કર્યો હતો- પ્રશ્નઃ– આત્મા અનેકાન્તમય હોવા છતાં પણ અહીં તેનો જ્ઞાનમાત્રપણે કેમ વ્યપદેશ કરવામાં આવે છે? (આત્મા અનંત ધર્મોવાળો હોવા છતાં તેને જ્ઞાનમાત્રપણે કેમ કહેવામાં આવે છે? જ્ઞાનમાત્ર કહેવાથી તો અન્ય ધર્મોનો નિષેધ સમજાય છે.) તેનો આચાર્યદેવ ઉત્તર કરે છે-
ઉત્તરઃ– લક્ષણની પ્રસિદ્ધિ વડે લક્ષ્યની પ્રસિદ્ધિ કરવા માટે આત્માનો જ્ઞાનમાત્રપણે વ્યપદેશ કરવામાં આવે છે. આત્માનું જ્ઞાન લક્ષણ છે, કારણ કે જ્ઞાન આત્માનો અસાધારણ ગુણ છે. (-અન્ય દ્રવ્યોમાં જ્ઞાનગુણ નથી). માટે જ્ઞાનની પ્રસિદ્ધિ વડે તેના લક્ષ્યની-આત્માની-પ્રસિદ્ધિ થાય છે.
જ્ઞાનમાત્ર ચેતનસ્વરૂપ આત્મા છે, તેની પરિણતિરૂપ જ્ઞાનની પર્યાય છે તેની સાથે અનંત ગુણોની પર્યાય ઉત્પન્ન થાય છે. જ્ઞાનમાત્ર કહેતાં તેમાં અનંત શક્તિઓ આવી જાય છે, તેમાં રાગ-પુણ્ય-પાપ ભાવોનો નિષેધ છે, કાંઈ શક્તિઓનો નિષેધ નથી. આત્માની પર્યાયમાં વર્તમાન જ્ઞાનની દશા વિદ્યમાન હોય છે; આ ભાવ છે ને તેમાં રાગનો-વ્યવહારનો અભાવ છે. આ અનેકાન્ત છે. લોકો વ્યવહારથી નિશ્ચય થાય એમ માને છે, તેમની આ વિપરીત માન્યતાનો અનેકાન્તની ચર્ચા દ્વારા આચાર્યદેવે નિષેધ કર્યો છે.
આત્માની અનંત શક્તિઓ છે. તેમાં ભાવશક્તિનું રૂપ છે. તેથી તેની પ્રત્યેક શક્તિની વર્તમાન નિર્મળ અવસ્થા