૧૬૨ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧ વિદ્યમાન હોય છે, આ વર્તમાન વિદ્યમાન નિર્મળ દશામાં વ્યવહારનો-રાગનો અભાવ છે. આનું નામ અનેકાન્ત છે. અરે, લોકો તો વ્રત, તપ આદિ વ્યવહાર રત્નત્રયના વિકલ્પથી ધર્મ થવાનું માને છે, પણ તે માન્યતા એકાન્ત છે; તેઓ એકાન્તવાદી મિથ્યાદ્રષ્ટિ છે, તેમને અનેકાન્તના સ્વરૂપની ખબર નથી.
પોતાના દ્રવ્યમાં જે અનંત શક્તિઓ છે તેની વર્તમાન વિદ્યમાન અવસ્થા હોય જ છે. તે અવસ્થા પરનું કારણ થાય કે પરનું કાર્ય થાય એમ છે નહિ. અજ્ઞાનીઓ ખાલી બહારમાં ધમાધમ કરે છે. મંદિર બનાવો, ને પ્રતિષ્ઠા કરાવો ને રથયાત્રા કાઢો-ઇત્યાદિ બહારમાં અજ્ઞાની ખૂબ ધમાધમ કરે છે. ઘણા લોકો કહે છે કે અહીં જંગલમાં આ પરમાગમ મંદિર, ને સમોસરણ મંદિર ને પ્રવચન મંડપ ઇત્યાદિ કરોડોના ખર્ચે રચના થઈ છે તે તમારા (કાનજી સ્વામીના) કારણે થઈ છે.
અરે ભાઈ! એ બધું કોણ કરે? શું જીવ કરે? એ તો પરમાણુઓની રચના એની સ્વતંત્ર યોગ્યતાથી થઈ છે. અમે તો વારંવાર કહીએ છીએ કે એ પરમાણુઓની દશા તેના સ્વકાળે તેનાથી થઈ છે, અમારા કે બીજા કોઈના કારણે તે થઈ છે એમ નથી. આ તો વસ્તુસ્વરૂપ છે બાપુ! દુનિયાલોક તો અજ્ઞાનમાં પડયા છે, તે ગમે તે માને-કહે તેથી શું? જુઓને, આ શાસ્ત્રની ટીકાના છેલ્લા કળશમાં આચાર્ય અમૃતચંદ્રસૂરિ શું કહે છે? કે આ ટીકા મેં બનાવી નથી. તેના શબ્દો આ પ્રમાણે છેઃ
“પોતાની શક્તિથી જેમણે વસ્તુનું તત્ત્વ (-યથાર્થ સ્વરૂપ) સારી રીતે કહ્યું છે એવા શબ્દોએ આ સમયની વ્યાખ્યા (-આત્મવસ્તુનું વ્યાખ્યાન અથવા સમયપ્રાભૃત શાસ્ત્રની ટીકા) કરી છે; સ્વરૂપગુપ્ત (-અમૂર્તિક જ્ઞાનમાત્ર સ્વરૂપમાં ગુપ્ત) અમૃતચંદ્રસૂરિનું (તેમાં) કાંઈ જ કર્તવ્ય નથી.”
ભાઈ! આ શાસ્ત્રની વાત કાને પડે માટે શિષ્યને જ્ઞાન થાય છે એમ નથી. શાસ્ત્રના શબ્દોના કારણે જ્ઞાન થાય છે એમ, હે જનો! મોહથી મા નાચો; કેમકે શબ્દ તો જડની દશા છે, ને જ્ઞાનની દશા તો જ્ઞાનથી ભાવશક્તિના કારણે વર્તમાન વિદ્યમાન થાય છે.
અરે! લોકોને પરમાં કાર્ય કરવાનું અભિમાન છૂટવું કઠણ થઈ પડયું છે. પણ ભાઈ! તે અભિમાન તારા અનંત સંસારનું કારણ છે. જુઓ, સમ્યગ્દ્રષ્ટિ જીવો ભગવાનની વાણી સાંભળવા આવે છે. એકાવતારી ઇન્દ્ર ક્ષાયિક સમકિતી છે તે ભગવાનની વાણી સાંભળવા આવે છે. પણ તેને જ્ઞાનની દશા જે પ્રગટ થઈ છે તે જ્ઞાનગુણ પરિણમીને થઈ છે, વાણીથી નહિ. જે સમયે, જ્ઞાનની જે પર્યાય થવા યોગ્ય હોય તે સમયે તે પોતાથી પ્રગટ થાય જ છે, તે પર્યાય પરથી કે શબ્દથી ઉત્પન્ન થતી નથી. અહા! જૈનદર્શન કોઈ અલૌકિક ચીજ છે બાપુ! તેનો લૌકિક વ્યવહાર સાથે મેળ થઈ શકે એમ નથી.
અહીં ભાવ-અભાવશક્તિની વાત ચાલે છે. અનંત ગુણની પ્રવર્તમાન-વિદ્યમાન પર્યાયનો બીજે સમયે અભાવ થાય તે-રૂપ ભાવ-અભાવશક્તિ છે. વર્તમાન પર્યાયનો અભાવ કેમ થાય? કોઈ પરથી-નિમિત્તથી થાય એમ નહિ, ને વ્યવહારના વિકલ્પથીય નહિ. કેટલાક કહે છે કે-પરિણમનમાં કાળ નિમિત્ત છે તો કાળથી થાય છે. પણ એમ નથી. પરિણમનમાં કાળનું નિમિત્તપણું કહ્યું એ તો કાળદ્રવ્યની સિદ્ધિ કરવા માટે છે. વર્તમાન પર્યાયનો બીજા સમયે અભાવ થાય છે એ તો આત્મદ્રવ્યનો પોતાનો સહજ જ ભાવ-અભાવ સ્વભાવ છે, એમાં પરનું-નિમિત્તનું રંચમાત્ર કારણપણું નથી.
હવે કેટલાકે તો દ્રવ્ય શું? ગુણ શું? પર્યાય શું?-કદીય સાંભળ્યું ન હોય. ત્રિકાળી શક્તિનો પિંડ તે દ્રવ્ય છે, તેમાં જે શક્તિઓ છે તે ગુણ છે, ને તેની જે અવસ્થા બદલે છે તે પર્યાય છે, ત્યાં વર્તમાન વર્તતી પર્યાયનો વ્યય થાય છે તે કયા કારણથી? તો કહે છે-ભાવ-અભાવશક્તિના કારણથી. વર્તમાન પર્યાયના વ્યય થવારૂપ આ ભાવ- અભાવશક્તિ છે. અહીં નિર્મળ પર્યાયની વાત છે. સાધકને નિર્મળ વર્તમાન પર્યાયનો વ્યય થઈ નવી નવી અપૂર્વ નિર્મળ દશા પ્રગટે છે, ત્યાં વર્તમાન પર્યાયનો વ્યય થાય જ, તે લંબાઈને બીજા સમયે ન રહે એવો આત્માનો આ ભાવ-અભાવ સ્વભાવ છે. સિદ્ધને વર્તમાનમાં કેવળજ્ઞાન છે, તે વ્યય પામી બીજે સમયે નવી કેવળજ્ઞાનની દશા થાય છે. અહા! આવો અદ્ભુત ચમત્કારી દ્રવ્યનો સ્વભાવ છે. હવે આમ છે ત્યાં કર્મના અભાવથી નિર્મળ દશા થઈ, ને કેવળજ્ઞાન થયું એમ વાત કયાં રહે છે? એ તો નિમિત્તની મુખ્યતાથી વ્યવહારનયથી પ્રરૂપણા કરી છે એમ યથાર્થ સમજવું જોઈએ.
મોક્ષમાર્ગ પ્રકાશકના સાતમા અધિકારમાં સ્પષ્ટીકરણ કર્યું છે કે-“વ્યવહારનય સ્વદ્રવ્ય-પરદ્રવ્યને વા તેના ભાવોને વા કારણ-કાર્યાદિને કોઈના કોઈમાં મેળવી નિરૂપણ કરે છે માટે એવા જ શ્રદ્ધાનથી મિથ્યાત્વ છે તેથી તેનો ત્યાગ કરવો,