વળી નિશ્ચયનય તેને જ યથાવત્ નિરૂપણ કરે છે, તથા કોઈને કોઈમાં મેળવતો નથી તેથી એવા જ શ્રદ્ધાનથી સમ્યક્ત્વ થાય છે માટે તેનું શ્રદ્ધાન કરવું.” ભાઈ, વસ્તુ જેવી છે તેવો જ્ઞાનમાં સમ્યક્ નિર્ધાર-નિર્ણય કરવો જોઈએ. અહીં નિર્ણય કરનાર સમકિતીની પર્યાયની વાત ચાલે છે.
અહાહા...! ધર્મી પુરુષની વર્તમાન નિર્મળ રત્નત્રયની, આનંદની વિદ્યમાન દશા છે તે વ્યયરૂપ થઈ બીજે સમયે અપૂર્વ અપૂર્વ દશા પ્રગટ થાય છે ત્યાં વર્તમાન દશાના વ્યયનું કારણ શું? તો કહે છે-આત્મામાં વર્તમાન દશાના વ્યય થવારૂપ એક ભાવ-અભાવ સ્વભાવ-શક્તિ છે. સમજાય છે કાંઈ...? સમજાય એટલું સમજવું બાપુ! આ તો કેવળીનાં કહેણ આચાર્ય લઈને આવ્યાં છે. જેણે અંતરમાં સ્વીકાર કર્યો એ ન્યાલ થઈ જાય એવી વાત એમાં છે. શું? કે પર્યાયની સ્થિતિ એક સમયની છે, તે લંબાઈને બીજે સમયે રહે એમ કદીય સંભવિત નથી, કેમ? કેમકે એવો જ વર્તમાન પર્યાયનો અભાવ થવારૂપ આત્માનો ભાવ-અભાવ સ્વભાવ છે.
પ્રશ્નઃ– હા, પણ તે પર્યાય વ્યય થઈને જાય છે કયાં? ઉત્તરઃ– જળના તરંગ જળમાં સમાય છે તેમ પર્યાય દ્રવ્યમાં સમાય છે. પછી તે પર્યાયરૂપ ન રહી, પણ પારિણામિકભાવરૂપ થઈ જાય છે. પર્યાય તો ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિકભાવરૂપ છે, તે બીજે સમયે વ્યય પામતાં- દ્રવ્યમાં વિલીન થતાં પારિણામિકભાવરૂપ થઈ જાય છે. દયા, દાન આદિ ભાવ છે તે ઉદયભાવ છે. બીજા સમયે તે વ્યય પામતાં દ્રવ્યમાં વિલીન થઈને પારિણામિકભાવરૂપ થઈ જાય છે.
મોક્ષમાર્ગ પ્રકાશકમાં બે જગ્યાએ આવે છે કે શુદ્ધ-અશુદ્ધ પર્યાયોનો પિંડ તે આત્મા છે. એ તો જે ભૂતકાળની અશુદ્ધતાને માનતો નથી તેને સમજાવવા માટે એ વાત કરી છે; અશુદ્ધતા એટલે અંદર દ્રવ્યમાં અશુદ્ધતા છે એમ નહિ. દ્રવ્ય તો શુદ્ધ પારિણામિકભાવરૂપ જ છે. આ પ્રમાણે ઉદયભાવરૂપ અશુદ્ધ પર્યાય, ને ઉપશમાદિ શુદ્ધ પર્યાય વ્યય પામીને અંદર જતાં શુદ્ધ-અશુદ્ધ પર્યાયરૂપ રહેતી નથી, પણ પારિણામિકભાવરૂપ થઈ જાય છે. અહા! તારા સત્નું સ્વરૂપ જો તો ખરો!
વર્તમાનમાં જીવને સંસારદશાનો સદ્ભાવ છે; પણ તે ‘ભાવ’નો ‘અભાવ’ કરી નાખે એવું સામર્થ્ય અંદર એના દ્રવ્યમાં પડયું છે. ધર્મી પુરુષ તેને પ્રતીતિમાં લઈ દ્રવ્યના આશ્રયે અપૂર્વ અપૂર્વ નિર્મળ દશાઓને પ્રાપ્ત થઈ સંસારનો અભાવ કરી ક્રમે મોક્ષદશાને પ્રાપ્ત થાય છે. આવો મારગ છે. લોકો તો, દિગંબરમાં જન્મ્યા છે તેય, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ રાગ કરવામાં ધર્મ માને છે, પણ એ માર્ગ નથી. ભગવાનનો કહેલો સત્ય પંથ અહીં દિગંબર આચાર્યોએ સ્પષ્ટ કર્યો છે.
અહીં શક્તિની વ્યાખ્યા કરતાં કહે છેઃ भवत्पर्यायव्ययरूपा भावाभावशक्तिः ભવતા પર્યાયના વ્યયરૂપ ભાવાભાવ-શક્તિ છે. આમાં તો અનંત પર્યાયોનો ખુલાસો કરી દીધો છે. આત્મામાં અનંત શક્તિઓ છે. તેની નિર્મળ પર્યાયો સમ્યગ્દ્રષ્ટિને પ્રગટ વર્તમાન વિદ્યમાન હોય છે. તે પર્યાયોનો વ્યય થવો તે ભાવાભાવશક્તિનું કાર્ય છે. તેને કરવું પડતું નથી; હું એને કરું એ તો વિકલ્પ છે, ને વિકલ્પથી કાંઈ સાધ્ય થતું નથી. એ તો ચૈતન્યચિંતામણિ એવો પોતે શક્તિવાન દ્રવ્ય છે. તેને અંતર્મુખ દ્રષ્ટિમાં લેતાં દરેક શક્તિની પર્યાયમાં તેનું કાર્ય થાય છે. સાધકને સંસારદશાનો અભાવ થઈને પૂર્ણ દશાની પ્રાપ્તિના પુરુષાર્થનો આવો અલૌકિક માર્ગ છે. ભાઈ! આ સમજવામાં જેને ઉલ્લસિત વીર્ય હોય તેના માટે આ વાત છે. બાકી તો બધી રઝળપટ્ટી છે.
અહા! પર્યાયમાં સંસાર છે તેનો અભાવ કરી પૂર્ણ દશાને પહોંચવું છે; પણ તે કેમ થાય? સંસારનો અભાવ થઈ પૂર્ણતા કેમ થાય? તો કહે છે-તારા દ્રવ્યમાં પૂર્ણતા ભરી છે. તેના આલંબને પર્યાયમાં પણ પૂર્ણતા પ્રગટી જશે, ને અપૂર્ણતાનો અભાવ થશે. સાધકની દ્રષ્ટિમાં દ્રવ્યનું જ આલંબન છે. અહા! નિજ દ્રવ્યની સન્મુખ થઈને તેની સેવના- ઉપાસના-લીનતા રમણતા કરીને તે પૂર્ણ દર્શન-જ્ઞાન-ચારિત્રને પ્રાપ્ત થઈ સિદ્ધદશાને પામે છે. આ માર્ગ છે, બાકી બધું (વ્રતાદિના વિકલ્પ) થોથાં છે.
લોકોને થાય કે એકલા નિશ્ચયની વાત કરે છે. ભાઈ, નિશ્ચય જ સત્ય છે, વ્યવહાર તો આરોપિત છે, ઉપચાર છે, કથનમાત્ર છે, લૌકિક છે.
આ પ્રમાણે અહીં ભાવ-અભાવશક્તિનું વર્ણન પૂરું થયું.