‘નહિ ભવતા (નહિ વર્તતા) પર્યાયના ઉદયરૂપ અભાવભાવશક્તિ.’ જુઓ, પહેલાં વર્તમાન વિદ્યમાન અવસ્થાનો બીજે સમયે અભાવ થાય છે એવી ભાવઅભાવશક્તિ કહી. તો બીજે સમયે પર્યાય રહી નહિ? લ્યો, આ પ્રશ્નના સમાધાનરૂપ કહે છે- ‘નહિ ભવતા પર્યાયના ઉદયરૂપ અભાવભાવશક્તિ’ છે. બીજે સમયે જે વર્તમાન પર્યાયમાં અભાવરૂપ છે તે પર્યાયનો ઉદય થાય તે રૂપ આત્મામાં અભાવભાવશક્તિ છે. આ તો ભગવાન આત્માની ભાગવત કથા છે બાપુ! આ બહુ ધીરજ ને ઉલ્લાસથી સાંભળવી. પદ્મનંદી પંચવિશતિકામાં એક શ્લોક દ્વારા શ્રી પદ્મનંદી સ્વામી કહે છે-
निश्चित्तं स भवेद्भव्यो, भाविनिर्वाण भाजनम्।।
અહા! જેણે પ્રસન્ન ચિત્તથી, ઉલ્લસિત વીર્યથી નિજ અંતઃતત્ત્વની વાત સાંભળી છે, તે કહે છે, અવશ્ય ભવિષ્યની મુક્તિનું ભાજન છે, ભવ્ય છે.
આ પદ્મનંદી સ્વામીએ બ્રહ્મચર્યનો એક અધિકાર લખ્યો છે. શરીરથી બ્રહ્મચર્ય પાળે તે બ્રહ્મચર્ય નહિ, ને બ્રહ્મચર્યનો વિકલ્પે ય રાગ છે. પરંતુ ભગવાન આત્મા બ્રહ્મ નામ નિત્યાનંદસ્વરૂપ આનંદકંદ પ્રભુ છે તેમાં લીન થવું તે બ્રહ્મચર્ય છે. પછી છેલ્લે કહ્યું છે કે-હે યુવાનો! આ બ્રહ્મચર્યનો અમારો ઉપદેશ તમને ઠીક ન લાગે તો ક્ષમા કરજો, અમે તો મુનિ છીએ. (એમ કે અમારી પાસે આ સિવાય બીજી વાત ન હોય). વિષયભોગમાં લીન એવા તમને અમારી આ વાત ન રુચે તો માફ કરજો. અરે, બ્રહ્મચર્ય એટલે શું? બ્રહ્મ નામ શુદ્ધ ચિદાનંદ પ્રભુ આત્મા-તેમાં ચરવું, રમવું, ઠરવું એનું નામ બ્રહ્મચર્ય છે ને એ ચારિત્ર છે. સમજાણું કાંઈ...?
સમયસારમાં અનેકાન્તનું વર્ણન કર્યું છે. ત્યાં ચૌદ બોલમાં એકાંતવાદી મિથ્યાદ્રષ્ટિને પશુ કહ્યો છે. રાગથી લાભ થવાનું માને તે એકાંત છે; તેવું માનનારને પશુ કહ્યો છે. કેમ પશુ કહ્યો છે? ‘पश्पति, बध्यति इति पशुः’ મિથ્યાત્વથી બંધ પામે છે, નાશ પામે છે માટે અજ્ઞાની એકાંતવાદીને પશુ કહ્યો છે. જીવ મિથ્યાત્વના ફળમાં ક્રમે કરીને નિગોદમાં જાય છે માટે એકાન્તવાદી અજ્ઞાની જીવને શાસ્ત્રમાં પશુ કહ્યો છે.
આચાર્ય કુંદકુંદસ્વામીએ શાસ્ત્રમાં (અષ્ટપાહુડમાં) એમ કહ્યું છે કે-વસ્ત્રનો એક ટુકડો રાખી જે પોતાને મુનિપણું માનશે-મનાવશે તે નિગોદમાં ચાલ્યો જશે. એમ કેમ કહ્યું? કેમકે વસ્ત્રનો ટુકડો પણ રાખી મુનિપણું ત્રણકાળમાં હોઈ શકે નહિ. વસ્ત્ર રાખવાનો વિકલ્પ શરીર પ્રત્યેની મમતા-મૂર્ચ્છા વિના હોય નહિ, અને મમતા-મૂર્ચ્છા હોય ત્યાં ચારિત્ર કેવું? એને ચારિત્ર માનવું એ તો મિથ્યાત્વભાવ છે, ને મિથ્યાત્વનું ફળ પરંપરા નિગોદ છે. શુભભાવ હોય તો સ્વર્ગ મળી જાય, ને તીવ્ર અશુભભાવ હોય તો જીવ નરકે જાય, પણ તત્ત્વની વિરાધનાનું ફળ તો નિગોદ છે. અહા! તત્ત્વની આરાધનાનું ફળ અનંતસુખધામ એવું મોક્ષ છે, ને તત્ત્વની વિરાધનાનું ફળ અનંત દુઃખમય નિગોદ છે. આવી વાત! સમજાય છે કાંઈ...?
અહીં કહે છે-ભવિષ્યની પર્યાય જે વર્તમાનમાં નથી, બીજા સમયે જે થવાની છે તેનો બીજા સમયે ઉદય થાય એવી આત્મામાં અભાવભાવશક્તિ છે. વર્તમાનમાં જે ઉદયરૂપ નથી, અભાવરૂપ છે તે પર્યાયનો બીજે સમયે ભાવ- ઉત્પાદ થઈ જાય તેરૂપ અભાવભાવશક્તિ જીવમાં ત્રિકાળ છે. આમ વર્તમાનભાવનો બીજે સમયે અભાવ થતાં, જેનો વર્તમાન અભાવ છે તેનો તે સમયે ભાવ-ઉત્પાદ થઈ જાય છે, એવો આત્માનો ત્રિકાળી અભાવભાવ સ્વભાવ છે.
જેમ વર્તમાન ક્ષયોપશમ સમકિત છે, તેમાં ક્ષાયિક સમકિતનો અભાવ છે. તો કહે છે-ભલે વર્તમાન ક્ષાયિકનો અભાવ હોય, પણ ક્ષયોપશમ સમકિતનો અભાવ થઈને પછી જે અભાવરૂપ છે તે ક્ષાયિકનો ભાવ-ઉત્પાદ થઈ જશે.
હા, પણ કેવળી-શ્રુતકેવળીની સમીપતામાં ક્ષાયિક સમકિત થાય ને? કેવળી શ્રુતકેવળીની સમીપતામાં ક્ષાયિક સમકિત થાય એ તો નિમિત્તનું વ્યવહારનયથી કથન છે. શાસ્ત્રમાં આવાં બધાં કથનો નિમિત્તનું ને વ્યવહારનું જ્ઞાન કરાવવા માટે હોય છે. બાકી કેવળી-શ્રુતકેવળીની સમીપતાથી જ જીવને ક્ષાયિક થઈ જાય છે એમ વસ્તુ નથી. ખરેખર તો વર્તમાન પર્યાયમાં જે ક્ષાયિક સમકિતનો અભાવ છે, તેનો ભાવ-ઉત્પાદ થશે તે અભાવભાવશક્તિના કારણથી થશે. વર્તમાન જે