ક્ષયોપશમ સમકિત છે તેનો અભાવ થાય તે ભાવનો અભાવ છે, ને વર્તમાન જે ક્ષાયિક સમકિત નથી તેનો બીજે સમયે ભાવ થાય તે અભાવનો ભાવ છે. આ રીતે ભાવ-અભાવ અને અભાવ-ભાવ એ આત્માની બન્ને શક્તિઓ એક સમયમાં એકસાથે વર્તે છે.
વર્તમાન સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ છે, તેમાં વિશેષ સ્થિરતાની દશાનો અભાવ છે; પણ તેનો પછીના સમયે ભાવ થઈ જશે એવું આત્માનું અભાવ-ભાવશક્તિરૂપ સામર્થ્ય છે. અહીં (વ્યાખ્યામાં) ‘ઉદય’ શબ્દ વાપર્યો છે. ‘ઉદય’ એટલે ઉત્પાદ થવો, પ્રગટ થવું એમ અર્થ છે. શ્રીમદે પણ ‘ઉદય’ શબ્દ વાપર્યો છે.
અહાહા...! શક્તિનો અર્થ છે દ્રવ્યનું સામર્થ્ય. જીવની અનંત શક્તિઓમાં એક અભાવભાવશક્તિ છે. તેનાથી વર્તમાન નહિ ભવતા ભાવનો ઉદય થાય છે. વર્તમાન જ્ઞાનદશામાં ક્ષયોપશમ જ્ઞાન-કમીવાળું જ્ઞાન છે તેનો અભાવ થઈને બીજે સમયે પૂર્ણ કેવળજ્ઞાન પ્રગટ થાય છે. અહા! આવો ચમત્કારિક આત્મસ્વભાવ છે. ચાર કર્મનો નાશ થઈને કેવળજ્ઞાન પ્રગટ થયું એમ તત્ત્વાર્થસૂત્રમાં આવે છે એ નિમિત્તનું વ્યવહારનયથી કથન છે.
અહા! આત્માનો આ એવો ગુણ છે કે વર્તમાન પર્યાયમાં જેનો અભાવ છે તેનો બીજે સમયે ઉદય થાય છે. લ્યો, આમાં નિમિત્તના કારણે નૈમિત્તિક દશા થાય એવી માન્યતાનો નિષેધ છે.
તો શું નિમિત્ત કાંઈ જ નથી? નિમિત્ત છે, હો; પણ તેનાથી કાર્ય નીપજે છે એમ નથી. ખાનિયા ચર્ચામાં આ વિષય ચર્ચાયો હતો. શંકાકાર પક્ષની દલીલ હતી કે ચાર ઘાતીકર્મનો નાશ થવાથી કેવળજ્ઞાન આદિ અનંત ચતુષ્ટય પ્રગટ થાય છે. પં. ફૂલચંદજીએ તેનું સમાધાન કરતાં કહ્યું છે કે-ચાર ઘાતીકર્મરૂપ પર્યાયનો નાશ થઈને ત્યાં તેની અકર્મરૂપ દશા થાય છે. કર્મની પર્યાયનો વ્યય થઈને ‘ભાવ’ શું થયો? કે અકર્મરૂપ દશા થઈ. માટે તેમાંથી (કર્મના અભાવમાંથી) કેવળજ્ઞાન આદિ જીવની પર્યાય પ્રગટ થઈ એમ નથી. ભાઈ, વિશેષ ચિંતન-મનન કરી યથાર્થ નિર્ણય કરવો જોઈએ. નિમિત્ત છે, હોય છે, પણ ઉપાદાનનું કાર્ય કરવામાં નિમિત્ત કાંઈ જ નથી. આવી ગંભીર સૂક્ષ્મ વાત છે.
જ્ઞાનની પર્યાયમાં હાનિ કે વૃદ્ધિ થાય તે પોતાની તત્કાલીન પર્યાયની યોગ્યતાથી થાય છે, તેમાં જ્ઞાનાવરણીય કર્મનું નિમિત્ત ભલે હો, પણ નિમિત્તથી જ્ઞાનની પર્યાય થાય છે એમ નથી. દ્રવ્યની શક્તિમાં જ એવું સામર્થ્ય છે કે નવી (અપૂર્વ) પર્યાય પ્રગટ થાય. કર્મના અભાવથી થાય એમ છે જ નહિ. આગમ, યુક્તિ અને અનુભવ-ત્રણે પ્રકારે આમ જ સિદ્ધ થાય છે.
પોતાની પર્યાય પર-નિમિત્ત વડે થતી નથી, કેમકે નિમિત્ત છે તે નિમિત્તની પોતાની પર્યાય કરે છે, તો પછી બીજાની પર્યાય તે કેવી રીતે કરે? નિમિત્તનો-પરનો તો પોતામાં (આત્મદ્રવ્યમાં) અત્યંત અભાવ છે. આ યુક્તિ છે. વળી વર્તમાન અલ્પજ્ઞાનની દશામાં વિશેષજ્ઞાન અભાવ છે તે અભાવ-ભાવશક્તિના સામર્થ્યથી પછીના બીજા સમયે ભાવ-ઉત્પાદરૂપ થશે; અભાવનો ભાવ થશે. આવો વસ્તુ-સ્વભાવ છે, તેથી નિમિત્તથી કે ગુરુગમથી વિશેષ જ્ઞાન થાય એમ છે નહિ. ભગવાન! આ સત્ય વાત છે, ને આ હિતની વાત છે.
પણ આમાં કરવાનું શું? અહા! ચિદાનંદ ચિદ્રૂપ પ્રભુ પોતે છે તેનો અંતર્મુખ થઈ સ્વીકાર કરવો, ને તદ્રૂપસ્વરૂપ પરિણમવુંઃ બસ આટલું કરવાનું છે. ભાઈ, આ સમજીને આટલું કરે તેને નિમિત્તથી થાય, ને વ્યવહારથી થાય-એ બધા ગોટા ઊડી જશે. એક વાત પણ જો યથાર્થ સમજે તો બધા ગોટા ઊડી જાય. આવી વાત! સમજાણું કાંઈ...?
અત્યારે તો આ વિષયમાં મોટી ગરબડ ચાલે છે. જુઓ, ઇંદોરવાળા પંડિત દેવકીનંદન અહીં વિદ્વત્ પરિષદમાં આવ્યા હતા. તેમણે પંચાધ્યાયીનું સંપાદન કર્યું છે. તેમાં એક જગ્યાએ તેમણે જે અર્થ લખ્યો હતો તે ભૂલવાળો હતો. તેમાં આમ છપાયું હતું કે-છઠ્ઠા ગુણસ્થાનમાં બુદ્ધિપૂર્વકનો રાગ હોય છે, અને સાતમા ગુણસ્થાને અબુદ્ધિપૂર્વકનો રાગ હોય છે. તેમને અમે કહેલું, -પંડિતજી, આમાં ભૂલ છે. ખરેખર એમ છે કે -છઠ્ઠા ગુણસ્થાનમાં બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વક-એમ બન્ને પ્રકારના રાગ હોય છે, જ્યારે સાતમા ગુણસ્થાનમાં એકલો અબુદ્ધિપૂર્વકનો રાગ હોય છે. ચોથા ગુણસ્થાને પણ ખ્યાલમાં આવે એવો બુદ્ધિપૂર્વકનો, ને ખ્યાલમાં ન આવે એવો અબુદ્ધિપૂર્વકનો પણ રાગ હોય છે. અહીં