‘નહિ ભવતા (નહિ વર્તતા) પર્યાયના અભવનરૂપ (નહિ વર્તવારૂપ) અભાવાભાવશક્તિ.’ સમયસારનો આ શક્તિ-અધિકાર છે. આત્મામાં સંખ્યાએ અનંત શક્તિઓ છે. તેનું કથન ક્રમથી થાય છે, પણ તે બધી ભગવાન આત્મામાં એકસાથે ત્રિકાળ વ્યાપેલી છે. અહાહા...! ચૈતન્યસ્વરૂપી આત્મામાં અનંત શક્તિઓ છે તે તેનો સ્વભાવ છે. ‘શુદ્ધ એક ચૈતન્યમાત્ર જ્ઞાયકસ્વરૂપી હું છું’ -એમ જેને અંતરમાં દ્રષ્ટિ થાય તેને તે દ્રષ્ટિમાં અનંત શક્તિઓની પ્રતીતિ સમાઈ જાય છે. સમજાય છે કાંઈ...? અહીં છ બોલમાં-
• પ્રથમ કહ્યું કે-આત્મામાં વર્તમાન નિર્મળ વિદ્યમાન અવસ્થા હોય છે તે -રૂપ ભાવશક્તિ છે.
• પછી કહ્યું કે-આત્મામાં વર્તમાન વિદ્યમાન અવસ્થા છે તેમાં પૂર્વોત્તર અવસ્થાઓ અવિદ્યમાન છે, તથા
• વળી ત્રીજી ભાવ અભાવશક્તિ છે તેના કારણે વર્તમાન જે નિર્મળ અવસ્થા વિદ્યમાન છે તેનો વ્યય થઈને
• ચોથી અભાવભાવશક્તિને લીધે વર્તમાન વિદ્યમાન અવસ્થા છે તેમાં પછીની વિશેષ નિર્મળ અવસ્થાનો
• પાંચમા બોલમાં ભાવભાવશક્તિ કહી. ભાવભાવશક્તિના કારણે પ્રત્યેક ગુણની વર્તમાન પર્યાય જે નિર્મળ
હવે અહીં અભાવ-અભાવશક્તિની વાત છે. અહા! ધર્મીને વર્તમાન વિકારના અભાવરૂપ જે પરિણમન થયું છે તે વિકારના અભાવરૂપ જ રહેશે એમ કહે છે. કહ્યું ને કે-‘નહિ ભવતા પર્યાયના અભવનરૂપ અભાવાભાવ શક્તિ છે.’ વ્યવહારરત્નત્રય રાગ-વિકાર છે, તેના અભાવસ્વભાવરૂપ ધર્મીનું વર્તમાન પરિણમન છે તે તેના અભાવસ્વભાવરૂપ જ રહેશે એમ કહેવું છે.
પહેલાં અભાવશક્તિમાં એટલી જ વાત હતી કે ધર્મીને વર્તમાન વ્યવહારના-રાગના અભાવરૂપ પરિણમન છે; અહીં અભાવ-અભાવશક્તિમાં એમ કહે છે કે વર્તમાન વ્યવહારના-રાગના અભાવરૂપ પરિણમન છે તે હવે પછી પણ અભાવરૂપ રહેશે. વર્તમાન છે એવું ભવિષ્યમાં રહેશે.
ધર્મીને વર્તમાન પર્યાયમાં ઉદયભાવના અભાવરૂપ પરિણમન છે. ઉદયભાવનો તેની વર્તમાન પર્યાયમાં અભાવ છે. અભાવશક્તિના કારણે ઉદયભાવ તેની પર્યાયમાં છે જ નહિ. દ્રવ્ય-ગુણમાં ઉદયભાવ નથી, ને ધર્મીની પર્યાયમાં પણ તેનો અભાવ છે. અહીં કહે છે-તે ઉદયભાવના અભાવરૂપ જે તેનું પરિણમન છે તે હવે પછી પણ ઉદયભાવના અભાવરૂપ રહેશે. આ અભાવ-અભાવશક્તિ છે. અહા! મુનિરાજ-ભાવલિંગી સંતને ચારિત્રના પરિણમનમાં વર્તમાન નિર્મળ રત્નત્રયની પરિણતિ પ્રગટી છે; તેમાં અચારિત્રના પરિણમનનો અભાવ છે. હવે ભવિષ્યમાં પણ તે અચારિત્રના પરિણમનનો અભાવ રહેશે. ધીરજથી સમજવું બાપુ! આ તો અંદરના ત્રિલોકીનાથને જગાડવાની વાતો છે. પર્યાયબુદ્ધિને લઈને પર્યાયમાં રાગ છે, પણ જ્યાં દ્રવ્યદ્રષ્ટિ પ્રગટ થઈ તો વર્તમાન તેને રાગના અભાવરૂપ પરિણમન થયું; હવે તે રાગના અભાવરૂપ પરિણમન કાયમ રહેશે-એવી આ આત્માની અભાવ-અભાવ શક્તિ છે. અહાહા...! ધર્મીને સિદ્ધદશા પર્યંત ને સિદ્ધમાં ય રાગના અભાવરૂપ પરિણમન કાયમ રહેશે.
સિદ્ધને કેમ વિકાર થતો નથી? તો કહે છે કે-આત્મામાં એવી અભાવ-અભાવ શક્તિ છે જેના સામર્થ્યથી તેને વિકારના અભાવરૂપ પરિણમન સદાય રહે છે. સિદ્ધમાં શક્તિ સંપૂર્ણતઃ ખીલી ગઈ છે, તેથી તેમને વિકાર ને વિકારનું પરિણમન થતું નથી. કર્મ નથી માટે સિદ્ધને વિકાર થતો નથી એમ કહેવું એ તો નિમિત્તનું કથન છે. ખરેખર તો વિકારરૂપ થવાનો આત્માનો સ્વભાવ જ નથી, અને આ સ્વભાવ સિદ્ધને પૂર્ણ પ્રસિદ્ધ થઈ ગયો છે, તેથી તેમને વિકાર થતો નથી. અહાહા...!
અહાહા...! સિદ્ધની જેમ વસ્તુ ચૈતન્ય ચિદાનંદ પ્રભુ પરથી ને રાગથી ઉદાસ ઉદાસ છે. વસ્તુ પરથી અભાવસ્વભાવે છે. પર શબ્દે શરીર, મન, વાણી, ઇન્દ્રિય, કર્મ, નોકર્મ, ભાવકર્મ ઇત્યાદિ-પરના અભાવસ્વભાવે ભગવાન આત્મા છે.