૧૭૨ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧ ધર્મીને એ સર્વ પરના અભાવરૂપ પરિણમન વિદ્યમાન છે તે સદાય અભાવરૂપ રહેશે એવી આત્માની અભાવઅભાવ શક્તિ છે. અહો! આવો ચૈતન્યનો ભરપૂર ખજાનો અંદર પડયો છે, પણ એનો એને વિશ્વાસ નથી.
શુભરાગ કરે છે એનો વિશ્વાસ છે; રાગ પોતાના સ્વભાવમાં છે નહિ, છતાં રાગથી મારું કલ્યાણ થશે એવો અજ્ઞાનીને વિશ્વાસ છે; અહા! પણ એ તો આત્મવંચના-ધોખાધડી છે ભાઈ! એમાં દ્રષ્ટિની મહાવિપરીતતા છે તે ભારે નુકસાન કરશે.
અહા! જ્યાં સ્વભાવના આશ્રયે દ્રષ્ટિ ફરી ત્યાં સમ્યગ્દર્શન થયું, ધર્મીને તેમાં મિથ્યા શ્રદ્ધાનરૂપ પરિણમનનો અભાવ છે; અને હવે એવું જ મિથ્યાશ્રદ્ધાનના અભાવરૂપ પરિણમન રહેશે. ધર્મી જીવને દ્રવ્યદ્રષ્ટિ થઈને જે રાગના અભાવરૂપ પ્રવર્તન થયું તે હવે કાયમ રહેશે. હવે વ્યવહાર-રત્નત્રયથી નિશ્ચયરત્નત્રય થાય એ વાતને કયાં અવકાશ છે? પરમાત્મા કેવળી પ્રભુ તેની અહીં ચોખ્ખી ના પાડે છે; કેમ કે સમકિતી દ્રષ્ટિવંતને રાગનું અપ્રવર્તન છે. અરે, એણે પોતાનું ઘર કદી જોયું નથી. ભજનમાં આવે છે ને કે-
પર ઘર ફિરત બહુત દિન બીતે નામ અનેક ધરાયે...
અરરર! એણે અનેક નામ ધારણ કીધાં! અહીં કહે છે-એ વસ્તુનું સ્વરૂપ નથી. હું રાગી છું, ક્રોધી છું, માની છું, વ્યવહારનો કરનારો છું-આમ અજ્ઞાની માને પણ એ વસ્તુનું સ્વરૂપ નથી. નિજઘરમાં આવે તો તેમાં રાગનો અભાવ જ્ઞાનીને દેખાય છે. વિકારના અભાવરૂપ થવું એવો આત્માનો સ્વભાવ છે, ને તે દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપે છે. દ્રવ્યદ્રષ્ટિ થતાં અભાવ-અભાવ એવો જે સ્વભાવ તે પર્યાયમાં વ્યાપક થાય છે, તેથી તેને વિકારના અભાવરૂપ પરિણમન કાયમ રહે છે.
તો શું જ્ઞાનીને વ્રતાદિનો વિકલ્પ-રાગ છે જ નહિ? છે ને; જ્ઞાનીને દયા, દાન, વ્રતાદિનો વિકલ્પ હોય છે, છતાં તેની પર્યાયમાં તેના અભાવરૂપ પરિણમન છે. જ્ઞાની રાગ છે તેનો માત્ર જાણનાર છે. રાગ છે તેને જાણવાની જે જ્ઞાનની દશા તેમાં જ્ઞાની વર્તે છે, રાગમાં વર્તતો નથી. આવું રાગના અભાવસ્વભાવે ધર્મીનું પરિણમન હોય છે. અહો! આચાર્યદેવે એકલું અમૃત પીરસ્યું છે.
સમયસારની ગાથા ૯૬માં આચાર્યદેવ કહે છે કે-અમૃતનો સાગર પ્રભુ આત્મા મૃતક કલેવરમાં મૂર્ચ્છાઈ ગયો છે. આ શરીર છે તે મડદું છે ભાઈ! એ જડ પરમાણુની દશા છે. તેમાં ચૈતન્યગુણનો અભાવ છે માટે તે મૃતક કલેવર છે. અરે, મૂઢ જીવ એ મડદા સાથે પોતાની સગાઈ માને છે. મૂઢ અજ્ઞાની જીવે અનાદિથી જડ દેહ અને રાગ સાથે સગાઈ કરી છે, રાગમાં તે એકાકાર થયો છે. પણ ભાઈ, તું એ નથી. ને એ તારી ચીજ નથી. જે ભાવથી તીર્થંકર નામકર્મની પ્રકૃતિ બંધાય તે તારી ચીજ નથી, તેના અભાવસ્વભાવરૂપ ભગવાન! તું છો, અને તેવી દ્રષ્ટિ થયે તેના અભાવસ્વભાવે પરિણમન થાય છે, ને તે કાયમ એવું રહેશે.
પરમ ગુરુ હો, જય જય નાથ પરમ ગુરુ હો.
અજ્ઞાની આ સાંભળી રાજી રાજી થઈ જાય છે. તેને મોંમાં પાણી વળે છે કે-અહો! સોલહ કારણ ભાવના! પણ ભાઈ, અહીં કહે છે-તે ભાવનાના અભાવસ્વભાવરૂપ ધર્મીનું પરિણમન છે.
અહા! વીર્યશક્તિમાં પણ આ અભાવ-અભાવશક્તિનું રૂપ છે. તેથી વીર્ય રાગના અભાવરૂપ જે નિર્મળતાની રચના કરે છે તે રાગના અભાવરૂપ રચના જ કર્યા કરશે, તેમાં મલિનતાનો હંમેશ અભાવ જ રહેશે; અહા! આત્માના વીર્યથી-બળથી મલિન પર્યાયની રચના થશે જ નહિ. અહા! જે પુરુષાર્થથી નિર્મળ રચના થઈ તે નિર્મળ રચના તેવી ને તેવી રહ્યા જ કરશે. આવી વાત!
એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં ત્રિકાળ અભાવ છે. બે દ્રવ્ય વચ્ચે અત્યંત અભાવ છે. આ રીતે જીવમાં પોતાથી ભિન્ન એવા દ્રવ્ય-ગુણ-પર્યાયનો ત્રણેકાળ અભાવ છે. હવે આમ છે ત્યાં જીવ બીજાનું શું કરે? ને બીજો જીવનું શું કરે? કાંઈ જ ન કરે. તેવી રીતે રાગનો પણ સ્વભાવમાં અત્યંત અભાવ છે. આકરી વાત બાપુ! આ અધ્યાત્મનો અભાવ કહ્યો. પ્રાગભાવ, પ્રધ્વંસાભાવ, અન્યોન્યાભાવ, ને અત્યંતાભાવ-આ ચાર અભાવમાં અધ્યાત્મનો અભાવ આવતો નથી.