૧૭૬ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧ ધર્મી પુરુષને પણ પર્યાયમાં ષટ્કારકથી વિકૃત દશા હોય છે. અહા! પરંતુ જેને પર્યાયદ્રષ્ટિ મટી શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિ થઈ છે, એક જ્ઞાયકભાવની જેને દ્રષ્ટિ થઈ છે તેને વિકૃત અવસ્થાથી રહિતપણે પરિણમન કરવાપણે ભાવશક્તિ પ્રગટ થઈ છે. આ ભાવ ગુણના કારણે વિકારભાવથી અભાવરૂપ પરિણમન થાય છે. જે વિકારની દશા રહે છે તે પરજ્ઞેયમાં જાય છે. આવી આ ઝીણી વાત છે.
પ્રભુ! તારી પ્રભુતામાં ભાવ નામની એક પ્રભુતા પડી છે. અહાહા...! પ્રભુતામાં પામરતારૂપ ષટ્કારક- પરિણમનથી રહિતપણે પરિણમવાનો એનો સ્વભાવ છે. જેને પર્યાયદ્રષ્ટિ છે તેને તો ષટ્કારકના પરિણમનથી પામર વિકૃત દશા છે, પણ શુદ્ધ દ્રવ્યની જેને દ્રષ્ટિ થઈ છે એવા સમ્યગ્દ્રષ્ટિને, તેની પર્યાયમાં જો કે કિંચિત્ વિકૃત દશા છે તોપણ, તે સમયે જે નિર્વિકલ્પ અવસ્થા દ્રવ્ય પ્રતિ ઝૂકી છે તે આ પ્રભુતામય ભાવશક્તિનું કાર્ય છે. અહા! ધર્મ કેમ થાય એની આ વાત ચાલે છે.
અહા! ચૈતન્યરત્નાકર પ્રભુ આત્મા છે. તેના સન્મુખની જેને દ્રષ્ટિ થઈ છે તેને પર્યાયમાં વિકૃતિ કિંચિત્ હોવા છતાં તેનાથી રહિતપણે પરિણમવું એવો તેનો સ્વભાવ છે. આ તો એમ વાત છે કે-પર્યાયમાં વ્યવહાર રત્નત્રયનો ભાવ હો, દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ હો, નવતત્ત્વની ભેદરૂપ શ્રદ્ધા હો, પંચમહાવ્રતાદિના પાલનનો વિકલ્પ હો; તે બધી વિકૃત અવસ્થા છે, ને તે પર્યાયના ષટ્કારકના પરિણમનરૂપ છે, તથાપિ આત્મામાં તેનાથી રહિતપણે પરિણમવાનો ભાવગુણ છે, જેથી ધર્મી પુરુષને વિકારના રહિતપણે નિર્મળ જ્ઞાનભાવમય પરિણમન હોય છે. અહા! દયા, દાન, વ્રત આદિના વિકલ્પ તે કારકો અનુસારની વિકૃત ક્રિયા છે, ને તેનાથી રહિતપણે ભવનરૂપ-પરિણમનરૂપ ભાવશક્તિ જીવમાં છે. અહો! સંતોએ થોડા શબ્દે રામબાણ માર્યાં છે.
કેટલાક એમ માને છે કે શત્રુંજ્ય આદિ તીર્થની યાત્રા કરીએ એટલે બસ ધર્મ થઈ જાય, પણ એમ છે નહિ. કેમકે તીર્થ-યાત્રાના પરિણામ તો રાગ-વિકલ્પ છે, ને રાગની ક્રિયાને અનુસાર ન થવાનો ભગવાન આત્માનો સ્વભાવ છે. વાસ્તવમાં આત્મા પોતે જ શત્રુંજ્ય તીર્થ છે. આ વિપરીત જે રાગ છે તે આત્માનો ઘાતક શત્રુ છે, ને તેનાથી રહિતપણે થવાનો જેનો સ્વભાવ છે તે આત્મા પોતે શત્રુંજ્ય તીર્થ છે. અહા! આવા તીર્થસ્વરૂપ નિજ આત્માની યાત્રા કરવી તે ધર્મ છે. બાકી વ્યવહારની ક્રિયા બહારમાં હો, પણ તેનાથી રહિત જ્ઞાનીનું પરિણમન હોય છે; ને વ્યવહારની ક્રિયા તો બહાર પરજ્ઞેયપણે રહી જાય છે. રાગથી-વિકારથી રહિત ભવન-પરિણમન તે આત્માનો ગુણ-સ્વભાવ છે.
જૈન દર્શનમાં તો બધે કર્મ જ કર્મ છે એમ કેટલાક માને છે. તેઓ કહે છે-શુદ્ધતામાં તો અન્ય કારકોથી રહિતપણું ભલે હો, પરંતુ અશુદ્ધતામાં તો જડ કર્મ વગેરે કારકો છે; એમ કે કર્મથી વિકૃતિ-વિકાર થાય છે.
પણ એમ નથી ભાઈ! અશુદ્ધતા વખતે પણ જીવ અને પુદ્ગલ બન્ને એકબીજાથી નિરપેક્ષપણે સ્વયમેવ છ કારકરૂપ થઈને પરિણમે છે. વિકાર થાય છે તે પર્યાયમાં છ કારકના પરિણમનથી થાય છે. આ બાબત વિદ્વાનોથી અનેક વાર ચર્ચા થયેલી છે. અમે તો પંચાસ્તિકાય ગાથા ૬૨ના આધાર સાથે વારંવાર કહેલું છે કે-પર્યાયમાં વિકૃત અવસ્થા પોતાના છ કારકના પરિણમનથી સ્વતંત્ર થાય છે, તેમાં પર કારકોની અપેક્ષા નથી. ત્યાં પંચાસ્તિકાય ગાથા ૬૨માં અતિ સ્પષ્ટ કહ્યું છે કે-“कर्म खलु.... , स्वयमेव षट्कारकीरूपेण व्यवतिष्ठमानं न कारकान्तरमपेक्षते।” કર્મ ખરેખર... , સ્વયમેવ ષટ્કારકરૂપે વર્તતું થકું અન્ય કારકની અપેક્ષા રાખતું નથી. વળી ત્યાં કહ્યું છે-“एवं जीवोऽपि.... , स्वयमेव षट्कारकीरूपेण व्यवतिष्ठमानो न कारकान्तरमपेक्षते।” એ પ્રમાણે જીવ પણ... , સ્વયમેવ ષટ્કારકરૂપે વર્તતો થકો અન્ય કારકની અપેક્ષા રાખતો નથી. આ પ્રમાણે અન્ય કારકોની અપેક્ષા વિના જ જીવ પોતાના ઔદયિક આદિ ભાવરૂપે પરિણમે છે એ નિશ્ચય છે. લોકો આ ‘નિશ્ચય છે, નિશ્ચય છે’-એમ કહીને આને ઉડાડે છે, પણ નિશ્ચય એટલે જ સત્ય, ને વ્યવહાર એ તો ઉપચાર છે. સમજાય છે કાંઈ...?
અહા! જેને ભેદનો આશ્રય છૂટીને, પરમાર્થસ્વરૂપ શુદ્ધ એક જ્ઞાયકનો આશ્રય થયો એવા સમ્યગ્દ્રષ્ટિ જીવને પર્યાયમાં વિકૃત અવસ્થા હોય છે, પણ તેની તેના ઉપર દ્રષ્ટિ નથી, તેની દ્રષ્ટિ ત્રિકાળી ધ્રુવ દ્રવ્યસ્વભાવ પર હોય છે, અને તે કારણથી ધર્મી જીવને વિકૃત અવસ્થાથી રહિતપણે પરિણમન થાય છે. આ ભાવશક્તિનું કાર્ય છે. ધર્મીને પર્યાયમાં કિંચિત્ વિકાર હોય છે તે જ્ઞાનના જ્ઞેયમાં જાય છે, પર જ્ઞેયપણે બહાર રહી જાય છે. અહો! જૈનધર્મ આવો અલૌકિક પંથ છે.
વ્યવહારનય જાણેલો પ્રયોજનવાન છે એમ બારમી ગાથામાં આવ્યું ને! એ વાત અહીં આમાં પણ આવી જાય છે. અગિયારમી ગાથામાં કહ્યું કે-ભૂતાર્થના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે. અહાહા...! ત્રિકાળી એક જ્ઞાયકભાવ