ભૂતાર્થ-સત્યાર્થ પ્રભુ છે તેના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે તે નિશ્ચય; પણ તેને વ્યવહાર છે કે નહિ? છે ને! સમયસારની બારમી ગાથામાં કહ્યું કે-વ્યવહાર છે. રાગ હોય છે તેને જાણવો-એવો વ્યવહારનય છે. રાગને જાણવો તે વ્યવહારનય, પણ રાગ મારો છે, વા ભલો છે એમ જાણવું-માનવું એવું એનું (વ્યવહારનયનું) સ્વરૂપ નથી. અહો! આ સમયસારે તો ભગવાન કેવળીના વિરહ ભૂલાવી દીધા છે. થોડા શબ્દે કેટલું ભર્યું છે! “કારકો અનુસાર ક્રિયા” એમ કહ્યું છે, પણ “જડ કર્મ અનુસાર ક્રિયા”-એમ નથી કહ્યું. ભાઈ, તારી પર્યાયમાં ષટ્કારક અનુસાર વિકૃત અવસ્થારૂપ ક્રિયા થાય છે, પરંતુ વિકૃત અવસ્થા રહિત ભવન એવો તારો ભાવ ગુણ છે. સમજાણું કાંઈ...?
અહા! થોડું લખ્યું ઘણું કરીને જાણજો-એવી આ વાત છે. અરે, એણે પોતાના સ્વરૂપને સમજવાની કદી દરકાર કરી નથી. અહીં ફરી ફરીને કહે છે-ભાઈ, વિકૃત અવસ્થારૂપ જે ક્રિયા છે તે ક્રિયાથી રહિતપણે થવું એવું તારું સ્વરૂપ છે, વિકૃત અવસ્થા સહિત રહેવું એવો કોઈ તારો ગુણ નથી. અહો! નિરાલંબી શુદ્ધ ચૈતન્યની આ અપૂર્વ વાત છે? કહે છે-રાગાદિ કારકોને અનુસર્યા વગર જ સમ્યક્ત્વાદિ શુદ્ધભાવરૂપે પરિણમવાનો ભગવાન આત્માનો સ્વભાવ છે. ભાવ નામ શુદ્ધભાવરૂપે ભવવું-થવું; અહા! શુદ્ધભાવરૂપે સ્વયં ભવવાની-થવાની આત્માની શક્તિ છે, તેમાં ભિન્ન બીજા કોઈ કારકોની અપેક્ષા નથી, ભિન્ન બીજા કોઈ કારકોનું આલંબન નથી. ભાઈ! એક વાર આત્માની આવી અચિન્ત્ય શક્તિને ઓળખે તો બહારમાં કયાંય મોહ ન રહે, ને અંતર્મુખ થઈ અલ્પકાળમાં મુક્તિ થઈ જાય એવી આ અલૌકિક વાત છે.
સમજાય એટલું સમજવું બાપુ! પર્યાયમાં વિકાર છે તે પર્યાયના ષટ્કારક અનુસાર અદ્ધરથી ખડો થયો છે; પરના અનુસાર વિકાર નથી, ને સ્વદ્રવ્ય-ગુણ પણ વિકારનું કારણ નથી. ભગવાન! તારી ચૈતન્યવસ્તુ અંદર એકલા વીતરાગતાના સ્વભાવથી ભરેલી છે. જ્યાં અંતર્મુખ દ્રષ્ટિ થઈ કે તરત જ વિકારથી રહિતપણે ભવવારૂપ સ્વભાવનું ભવન-પરિણમન થાય છે. અંતર્મુખ દ્રષ્ટિની આ કમાલ છે કે દ્રવ્યદ્રષ્ટિવંત પુરુષને વિકારના છ કારકરૂપ પરિણમન છૂટીને, મોક્ષ પ્રત્યેના છ કારકોનું પરિણમન શરૂ થાય છે. માટે હે ભાઈ! તું અંતર્મુખ દ્રષ્ટિ કર, તને પરમપદની- મોક્ષપદની પ્રાપ્તિ થશે.
હવે જૈન નામ ધરાવીને લોકો વિવાદમાં પડયા છે કે-અમે દિગંબર, ને અમે શ્વેતાંબર; અરે ભાઈ, અંદર તારી ચૈતન્ય ચીજ કેવી છે તે તો જાણ. અહાહા...! વસ્તુ અંદર એક સમયમાં પૂર્ણ વિજ્ઞાનઘનસ્વરૂપ છે. આનંદનો રસકંદ છે. તેને ત્રિકાળી કહીએ એય વ્યવહાર છે. અહાહા...! વર્તમાનમાં પૂર્ણ ત્રિકાળી પોતાની ચીજ અંદર પડી છે તે ત્રિકાળ અનંત શક્તિઓથી ભરપુર ભરી પડી છે. તેમાં, કહે છે, વિકાર રહિત ભવન-પરિણમન થાય એવી એક ભાવશક્તિ છે. અહાહા...! નિજ સ્વરૂપમાં રમે તે રામ નામ આત્મા વિકૃત અવસ્થાથી રહિતપણે નિર્મળ-નિર્મળ પરિણમે એવી તેમાં એક ભાવશક્તિ છે. તેમાં પરનો પ્રવેશ તો દૂર રહો, પર્યાયમાં જે વિકૃત અવસ્થા છે તેય પોતાના દ્રવ્ય-ગુણ ને નિર્મળ પર્યાયમાં પ્રવેશતી નથી. અહો! આ અલૌકિક વાત છે. અરે! આ જિંદગી એમ ને એમ ચાલી જાય છે બાપુ!
અહાહા...! ભગવાન! તું કોણ છો? શું તું શરીર છો? ના, શરીર તો ચામડે મઢેલું હાડ-માંસનું જડ અચેતન પોટકું છે, ને તું તો ચૈતન્યઘન પ્રભુ આત્મા છો. તો શું તું રાગરૂપ છો? ના, રાગ પણ તું નથી, કેમકે રાગ પણ જડ અચેતન છે, મલિન-અપવિત્ર છે, ઘાતક અને દુઃખદાયક છે; જ્યારે તું તો પૂર્ણ સચ્ચિદાનંદમય એકલી પવિત્રતાનો પિંડ છો. અહાહા...! પવિત્ર શક્તિઓનો પિંડ પ્રભુ તું આત્મા છો.
તો પર્યાયમાં વિકૃતિ છે ને? પર્યાયમાં વિકૃતિ છે તે તેના ષટ્કારકથી ઊભી થઈ છે, વિકૃતિ થાય એવો કોઈ ગુણ તારામાં નથી, તથા પર્યાયમાં વિકૃતિ થાય તેનો કર્તા કોઈ પર નથી. અહા! પર્યાય પોતાના ષટ્કારકથી વિકૃત થાય છે, પરથી નહિ-એમ જાણી જે પરથી પરાન્મુખ થઈ પરિણમે છે તે વિકૃતિથી રહિતપણે નિર્મળ પરિણમે છે, ને વિકૃતિથી રહિતપણે નિર્મળ પરિણમવું એવો જ ભગવાન! તારો સ્વભાવ છે, એવો જ તારો ભાવ ગુણ છે. સમજાય છે કાંઈ...!
હવે જે વ્યવહારથી-રાગથી નિશ્ચય થવાનું માને, વ્યવહારને સાચો મોક્ષમાર્ગ માને એની માન્યતામાં બહુ ફેર છે. અરેરે! સ્વરૂપમાં ડૂબકી મારવી જોઈએ એને બદલે તે રાગમાં ડૂબકી મારે છે. શું થાય? તે સંસાર સમુદ્રમાં અરેરે! કયાંય ડૂબી જશે. ભાઈ રે! તારું દ્રવ્ય પરમ પવિત્ર છે, તારા ગુણ અત્યંત પવિત્ર છે, તો પછી તારા પરિણમનમાં પવિત્રતા