૧૭૮ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧ આવવી જોઈએ કે અપવિત્રતા? અપવિત્રતારૂપે થવું એ તારું સ્વરૂપ નથી. અપવિત્રતા પર્યાયમાં ભલે હો, પણ તેનાથી રહિતપણે પવિત્રતાનું પરિણમન થાય એ ભગવાન! તારું સ્વરૂપ છે.
અહા! પરથી ને રાગથી-વિકારથી નિરપેક્ષ જ્ઞાન-આનંદરૂપે ભવવાનો-પરિણમવાનો પોતાનો સ્વભાવ છે તેને અજ્ઞાની જાણતો નથી તેથી તે બહારમાં કારણોને શોધે છે ને વ્યર્થ આકુળ-વ્યાકુળ થઈ દુઃખી થાય છે. અરે ભાઈ! પર-નિમિત્ત વસ્તુ કારણ છે એ વાત તો દૂર રહો, વિકારના કર્તા-કર્મ આદિ છ કારકો જે પર્યાયમાં હોય છે તે કારકો અનુસાર ભવવાનો-પરિણમવાનો પણ આત્માનો સ્વભાવ નથી. પરથી વિકાર થાય કે પરથી ગુણ થાય એમ જે માને છે તે તો પરાવલંબી બહિદ્રષ્ટિ મિથ્યાદ્રષ્ટિ છે. અને રાગાદિ વિકારને જે પોતાનું સ્વરૂપ માને છે, વિકારથી પોતાને ગુણ થવાનું, ભલું થવાનું માને છે તેય રાગી મિથ્યાદ્રષ્ટિ છે, કેમકે રાગથી ભિન્ન હું એક શુદ્ધ ચૈતન્યઘન આત્મા છું એમ તે જાણતો-અનુભવતો નથી. વાસ્તવમાં જ્ઞાતા પોતે જ શુદ્ધ એક જ્ઞાયકસ્વભાવના આશ્રયે ભેદરૂપ કારકોની ક્રિયાથી રહિતપણે શુદ્ધભાવરૂપે પરિણમે એવો એનો સ્વભાવ છે. આ ભાવશક્તિ છે.
અરે! જગત અનાદિ કાળથી અનેક પ્રકારના વિકલ્પોની જાળમાં પોતાપણું માનીને ચાર ગતિમાં રખડે છે. શું થાય? પોતાના દ્રવ્ય-ગુણ પરમ પવિત્ર છે તેમાં પોતાપણું સ્વીકારતો નથી, ને આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય, બૈરાં- છોકરાં ઇત્યાદિ જે પર છે તેને પોતાના સુખનાં કારણ માની તેમાં પોતાપણું કરી પરિણમે છે. પણ ભાઈ, એ બધાં પરદ્રવ્ય તો તેનાથી તેના કારણે પરિણમી રહ્યાં છે, તારા કારણે નહિ; તેની પર્યાય તો તેનાથી જ થાય છે. તે બધાં પોતાના કારણે આવ્યાં છે, પોતાના કારણે રહ્યાં છે, ને પોતાના કારણે ચાલ્યાં જશે. એમાં તને શું છે? એ કોઈ તને શરણ નથી. જો શરણ હોય તો વિરુદ્ધ કેમ પરિણમે? અને ચાલ્યાં કેમ જાય? વાસ્તવમાં તેઓ તારાં કાંઈ જ (સંબંધી) નથી. તેમને પોતાના સુખનાં કારણ માની ઠગાતો એવો તું વ્યર્થ જ દુઃખી-વ્યગ્ર થાય છે.
પ્રવચનસાર ગાથા ૧૬માં ‘સ્વયંભૂ’ની વ્યાખ્યા કરતાં આચાર્યદેવ કહે છે-“(એ રીતે) સ્વયમેવ છ કારકરૂપ થતો હોવાથી, અથવા ઉત્પત્તિ-અપેક્ષાએ દ્રવ્ય-ભાવભેદે ભિન્ન ઘાતિકર્મોને દૂર કરીને સ્વયમેવ આવિર્ભૂત થયો હોવાથી, ‘સ્વયંભૂ’ કહેવાય છે.
આથી એમ કહ્યું કે-નિશ્ચયથી પરની સાથે આત્માને કારકપણાનો સંબંધ નથી, કે જેથી શુદ્ધાત્મસ્વભાવની પ્રાપ્તિને માટે સામગ્રી (-બાહ્ય સાધનો) શોધવાની વ્યગ્રતાથી જીવો (નકામા) પરતંત્ર થાય છે.”
અહીં કહે છે-‘કારકો અનુસાર જે ક્રિયા તેનાથી રહિત ભવનમાત્રમયી ભાવશક્તિ.’ અહાહા...! જુઓ તો ખરા, થોડા શબ્દે કેટલું ભર્યું છે! અહા! એક હજાર વર્ષ પર આચાર્ય અમૃતચંદ્રદેવ આ ભારતભૂમિ પર વિચરતા હતા. અહા! એ વીતરાગી સંત-મુનિવર જાણે સિદ્ધપદને સાથે લઈને વિચરતા ન હોય! એમની પરિણતિ અંતર્મુખ થઈને ક્ષણેક્ષણે નિજ સિદ્ધપદને ભેટતી હતી. અહા! આવા આ સંત-મુનિવરે આ પરમાગમની ટીકામાં પરમામૃત રેડયાં છે. તેમને સમયસારની આ ટીકા રચવાનો વિકલ્પ ઉઠયો. ત્યાં શબ્દોની રચના તો જડ પરમાણુઓથી થઈ છે. પરંતુ ટીકા રચવાનો જે વિકલ્પ આવ્યો છે તેનાથી રહિત મારું પરિણમન છે એમ અહીં તેઓ કહે છે. રાગ સહિત જે દશા તે હું નથી. લ્યો, આવી સૂક્ષ્મ વાત!
હવે કેટલાક કહે છે-કર્મથી વિકાર થાય છે, ચર્ચા કરો. અરે પ્રભુ! તારી પર્યાયમાં પરાશ્રયે ષટ્કારક અનુસાર વિકાર ઉત્પન્ન થાય છે, તેમાં કર્મ કારણ છે એમ બીલકુલ નથી. અશુદ્ધતા કાળેય પોતાના જ અશુદ્ધ ષટ્કારકો વડે આત્મા અશુદ્ધરૂપે થાય છે, કર્મને લીધે થતો નથી, પંચાસ્તિકાય ગાથા ૬૨ની ટીકા લખતાં જયસેનાચાર્યદેવ કહે છે-“यथैवाशुद्धषट्कारकीरूपेण परिणममानः सन्नशुद्धमात्मानं करोति तथैव शुद्धात्मतत्त्वसम्यक्श्रद्धानज्ञानानुष्ठानरूपेणा भेदषट्कारकीस्वभावेन परिणममानः शुद्धमात्मानं करोतीति” – જેમ અશુદ્ધ છ કારકરૂપે પરિણમતો થકો અશુદ્ધ આત્માને કરે છે, તેમ શુદ્ધ આત્મતત્ત્વના સમ્યક્-શ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનરૂપ અભેદ છ કારકરૂપે સ્વભાવથી પરિણમતો થકો શુદ્ધ આત્માને કરે છે. -આ રીતે અશુદ્ધતામાં તેમ જ શુદ્ધતામાં અન્ય કારકોથી નિરપેક્ષપણું છે. અહીં દ્રવ્યદ્રષ્ટિમાં જ્ઞાનમાત્રભાવના ભવનમાં ભેદરૂપ અશુદ્ધ કારકોનો અભાવ જ છે. આમ કારકો અનુસાર જે ક્રિયા તેનાથી રહિતપણે ભવવાનો-પરિણમવાનો ભગવાન આત્માનો સ્વભાવ છે. ભાઈ, તારામાં એવો કોઈ ગુણ નથી કે વિકાર સહિત પરિણમન થાય. પર્યાયમાં પોતાના ષટ્કારકથી સ્વતંત્ર વિકૃત અવસ્થા થઈ છે, પણ તારા સ્વભાવમાં-ભાવગુણમાં એવું સામર્થ્ય છે કે તારામાં વિકારથી રહિત નિર્મળ શુદ્ધભાવરૂપ