ભવન-પરિણમન થાય. લ્યો, આ બધું આ અડધી લીટીની ટીકામાં ભર્યું છે.
અંદરની જે વાત છે તે આ કહેવાય છે. અહા! ભાવશક્તિનું ક્રમવર્તી પરિણમન તે પર્યાય, ત્રિકાળ અક્રમે વર્તતી શક્તિ તે ગુણ, ને તે ગુણ-પર્યાયને ધરનારું દ્રવ્ય તે દ્રવ્ય-એમ ત્રણે મળીને આત્મા છે. અહા! અનંતગુણસ્વભાવથી ભરેલો ભગવાન આત્મા છે. તે વીતરાગતાના ભાવે પરિણમે એવું તેના ભાવ ગુણનું કાર્ય છે. અહા! રાગરૂપે ન પરિણમવું, રાગ રહિત પરિણમવું એવું તારું સ્વરૂપ છે ભાઈ! અરે પ્રભુ! આમાં તું તકરાર-વિવાદ શું કામ કરે છે? આમાં તો તારા હિતની પરમાર્થરૂપ વાત છે. વિકાર સહિત પરિણમવું, ને વિકારમાં સુખબુદ્ધિ થવી એ તો અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિને હોય છે. જ્ઞાની તો પર્યાયમાં કિંચિત્ જે આસક્તિના પરિણામ છે, વ્યવહારના પરિણામ છે-તેનાથી રહિત પોતાનું પરિણમન સાધે છે. લ્યો, આ સાધના-આરાધના છે, ને આનું નામ ધર્મ છે.
હવે આમાં કેટલાક કહે છે-તમો ક્રિયાકાંડ ઉથાપો છો. પણ એમ નથી પ્રભુ! ક્રિયા તો કારકો અનુસાર પર્યાયમાં થાય છે; પણ તેને અનુસરીને નહિ, પણ તેનાથી રહિત ભવનમાત્રમયી આત્માની ભાવશક્તિ છે. ગંભીર વાત છે ભાઈ! આત્મા સચ્ચિદાનંદ પ્રભુ અંદર પરમાત્મસ્વરૂપ છે. આ કાળે અહીં બહારમાં પરમાત્માની હાજરી નથી, પણ અંદર તારો પ્રભુ તો તારી પાસે છે કે નહિ? અહાહા...! તારી પ્રભુતા એકેક શક્તિમાં પડી છે, જેથી તારી ભાવશક્તિ પ્રભુ છે; તેનું પરિણમન થતાં આત્મા સ્વયમેવ રાગ રહિત નિર્મળભાવ વડે શોભાને પ્રાપ્ત થાય છે. આ ભગવાનની વાણી છે. હવે આમાં વ્યવહારથી-ક્રિયાકાંડથી ગુણ પ્રગટે, ને નિશ્ચય થાય એમ વાત કયાં રહે છે? બહારમાં વ્યવહાર હો, નિમિત્ત હો, પણ એનાથી સ્વભાવનું પરિણમન થાય છે એમ ત્રણકાળમાં સત્ય નથી. વ્યવહારનું-ક્રિયાકાંડનું હોવું જુદી વાત છે, ને એનાથી ગુણનું પ્રગટવું થાય, ધર્મ થાય-એમ માનવું એ જુદી વાત છે. વ્યવહારથી-ક્રિયાકાંડથી ધર્મ થઈ જશે એવી તારી પ્રતીતિ મહા શલ્ય છે ભાઈ! એ તને અનંત જન્મ-મરણ કરાવશે. તને આકરી લાગે પણ આ સત્ય વાત છે, તારા હિતની વાત છે.
અહાહા...! ! આચાર્ય અમૃતચંદ્રદેવે શક્તિનું કોઈ અદ્ભુત વર્ણન કર્યું છે. અહીં ભાવશક્તિનું વર્ણન ચાલે છે. ‘ભાવ’ તો દ્રવ્યને પણ કહે છે, ગુણને પણ ભાવ કહે છે, નિર્મળ પર્યાયને પણ ભાવ કહે છે, ને શુભાશુભ રાગની મલિન દશાને પણ ભાવ કહે છે. અહીં બીજી વાત છે. અહીં તો ‘ભાવ’ નામની આત્માની એક શક્તિ-એક ગુણ- સ્વભાવ છે એની વાત છે. કેવો છે તે સ્વભાવ? તો કહે છે-કારકો અનુસાર જે ક્રિયા-વિકૃતિ-રાગ-તેરૂપે ન થવું એવો આ આત્માનો સ્વભાવ છે. હવે ઓલા રાગની હોંશવાળા કાયરોનાં કાળજાં કંપી જાય એવી આ વાત છે. શું થાય? આ તો મારગ જ આવો છે.
પ્રથમ પહેલાં મસ્તક મૂકી, વળતાં લેવું નામ જો ને... હરિનો
આમાં હરિ એટલે અજ્ઞાન અને રાગને હરવાનો જેનો સ્વભાવ છે તે ભગવાન આત્મા સમજવો. વિકારને હરે તે હરિ એમ વાત છે. વિકારને હરે એમ કહીએ એય કથનમાત્ર છે. સ્વ-આશ્રયે આત્માની જે પવિત્ર, નિર્મળ નિર્વિકાર પરિણતિ થઈ તેમાં જ્ઞાનની, શ્રદ્ધાની, આનંદની પરિણતિનું જ્ઞાન સમાઈ જાય છે, ને પોતાના સ્વપર પ્રકાશક જ્ઞાનના કારણે પરનું-રાગનું જ્ઞાન પણ તેમાં આવી જાય છે. અહીં કહે છે-જ્ઞાનની નિર્મળ, નિર્વિકાર પરિણતિ જે પ્રગટ થઈ તે પોતાના ગુણનું કાર્ય છે. અહા! વર્તમાન રાગથી રહિત થવું-પરિણમવું તે આ ભાવ ગુણનું કાર્ય છે. આવી વાત! લ્યો,
આ પ્રમાણે અહીં ભાવશક્તિનું વર્ણન પૂરું થયું.
‘કારકો અનુસાર થવાપણારૂપ (-પરિણમવાપણારૂપ) જે ભાવ તે-મયી ક્રિયાશક્તિ.’ જુઓ, પહેલાં ૩૯મા બોલમાં કારકો અનુસાર જે વિકૃત અવસ્થારૂપ ક્રિયા તેનાથી રહિત પરિણમવાની વાત હતી. અહીં નિર્મળ અભેદ કારકો અનુસાર અવિકૃત નિર્મળ ક્રિયાથી સહિત પરિણમવાની વાત છે. અહાહા...! કર્તા, કર્મ, કરણ