છોડવાનું પ્રયોજન સિદ્ધ થાય છે. ભાઈ! તારા ચૈતન્યનિધાનમાં અનંતાં ગુણનિધાન ભર્યાં છે તેને જાણી અનંતગુણનિધાન એવા શુદ્ધ ચૈતન્યનિધાનમાં દ્રષ્ટિ કર, તેથી તને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ નિર્મળ નિર્મળ પરિણતિ પ્રગટ થશે. આવો મારગ અને આ ધર્મ છે, બાકી બધું થોથેથોથાં છે.
દ્રવ્ય-ગુણમાં નિર્મળ ષટ્કારકો છે. તો પર્યાયમાં વિકાર કયાંથી આવ્યો? પંચાસ્તિકાયની ૬૨મી ગાથામાં પર્યાયના ષટ્કારકની વાત કરી છે. મતલબ કે પર્યાયમાં પર્યાયના અશુદ્ધ ષટ્કારકો અનુસાર વિકાર થાય છે, તેમાં પરની અપેક્ષા નથી, ને દ્રવ્ય-ગુણ પણ કારણ નથી. એક સમયની રાગની પર્યાયમાં તે પર્યાય કર્તા, તે પર્યાય કર્મ, તે પર્યાય કરણ, તે પર્યાય સંપ્રદાન, તે પર્યાય અપાદાન, ને તે પર્યાય અધિકરણ-એમ એક જ પર્યાયમાં તેના ષટ્કારકના પરિણમનથી વિકૃત અવસ્થા ઉત્પન્ન થાય છે. ‘કારકો અનુસાર જે ક્રિયા...’ એમ કહીને ૩૯મી શક્તિમાં પણ આ વાત સિદ્ધ કરી છે. પરંતુ વસ્તુનો-ચૈતન્યવસ્તુનો ગુણ એવો છે કે કારકો અનુસાર વિકારની જે ક્રિયા છે તેનાથી રહિતપણે તે પરિણમે. કારકો અનુસાર પર્યાયમાં જે મલિન પરિણમન થયું છે તે તો જ્ઞાનનું જ્ઞેય થઈ રહે છે. જેમ પરદ્રવ્ય જ્ઞેય છે તેમ પર્યાયની વિકૃત દશા પણ જ્ઞાનીના જ્ઞાનનું જ્ઞેય છે; અને તેનાથી રહિત ભવનમાત્રમયી જે ભાવશક્તિ તેનું પરિણમન તેને સિદ્ધ થાય છે.
અહીં ૪૦મી શક્તિમાં ‘કારકો અનુસાર થવારૂપ’ કહ્યું એમાં ત્રિકાળી નિર્મળ કારકો લેવાના છે. ૩૯મી શક્તિમાં પર્યાયના (અશુદ્ધ) ષટ્કારકોની વાત હતી. અહીં દ્રવ્ય-ગુણના નિર્મળ કારકોની વાત છે. ‘કારકો અનુસાર’-મતલબ કે ત્રિકાળી નિર્મળ કારકો અનુસાર થવાપણારૂપ જે ભાવ તે-મયી ક્રિયાશક્તિ છે. ભાઈ, આત્મા સ્વયં છ કારકરૂપ થઈને નિર્મળ નિર્મળ ભાવપણે પરિણમે એવી એની ક્રિયાશક્તિ છે. અહો! સ્વયમેવ છ કારકરૂપ થઈને કેવળજ્ઞાનાદિરૂપે પરિણમે એવો ભગવાન આત્માનો સ્વભાવ છે. અહા! આત્માને પોતાના નિર્મળ ભાવરૂપે પરિણમવા કોઈ પર કારકોની ગરજ-અપેક્ષા નથી, તેમ જ આત્મા કારક થઈને જડની ક્રિયા કરે કે વિકારને કરે એવો પણ એનો સ્વભાવ નથી. પોતાના જ નિર્મળ કારકોને અનુસરીને પોતાના વીતરાગભાવરૂપે પરિણમવાની ક્રિયા કરે એવો આત્માનો સ્વભાવ છે. આ ક્રિયાશક્તિ છે.
ભાઈ, ધર્મનું સ્વરૂપ આવું બહુ ઝીણું છે બાપુ! હવે આ વાણિયાને આવું સમજવાની ફુરસદ ન મળે, આખો દિ’ રળવા-કમાવામાં, વિષય ભોગમાં ને બૈરાં-છોકરાં સાચવવામાં ચાલ્યો જાય એ કયારે આ સમજે? પણ ભાઈ, નિવૃત્તિ લઈને સમજવાનો આ માર્ગ છે. અહા! દર્શનશુદ્ધિ જેનું મૂળ છે એવો આ કોઈ અલૌકિક માર્ગ છે.
પહેલાં (૩૯મી શક્તિમાં) જે કારક અનુસાર ક્રિયા કહી તે એક સમયની પર્યાયના (અશુદ્ધ) ષટ્કારકની વાત હતી. અહીં જે કારક અનુસાર ક્રિયા કહી છે તે ત્રિકાળી પવિત્ર કારકની વાત છે. આ નિર્મળ કારકોનો આશ્રય અભેદ એક દ્રવ્ય છે. એટલે ‘કારકો અનુસાર’ કહ્યું એમાં એક અભેદ દ્રવ્યનો જ આશ્રય છે; એમાં પર સાથે કે રાગ સાથે કાંઈ જ સંબંધ નથી. હવે આમાં લોકો રાડ નાખે છે કે-આમાં વ્યવહારનો લોપ થઈ ગયો. અરે પ્રભુ! તું સાંભળ તો ખરો, તારો વ્યવહાર વ્યવહારમાં રહ્યો છે, પણ એનાથી મોક્ષમાર્ગ થશે એવી તારી માન્યતાનો આમાં જરૂર ભુક્કો થઈ ગયો છે; અને તે યથાર્થ જ છે, કેમકે વ્યવહારથી-રાગથી રહિતપણે નિર્મળ નિર્મળ પરિણમે એવો જ ભગવાન આત્માનો સ્વભાવ છે. અભ્યાસ નહિ એટલે આવી વાત કઠણ પડે, પણ આ સત્ય વાત છે, ભગવાનની વાણીમાં આવેલી વાત છે. સમજાણું કાંઈ...?
અહીં ક્રિયાશક્તિમાં જે કારકોની વાત કરી તે દ્રવ્યમાં જે નિર્મળ કારકો ત્રિકાળ શક્તિરૂપ છે તેની વાત છે. અહા! ત્રિકાળી દ્રવ્યમાં જે નિર્મળ અભેદ ષટ્કારકો પડયાં છે એ કારકોના અનુસાર થવાપણારૂપ, પરિણમવાપણારૂપ ક્રિયાશક્તિ ત્રિકાળ જીવદ્રવ્યમાં પડી છે. આ સર્વજ્ઞ જિનેન્દ્રદેવનું ફરમાન છે. પ્રભુ! તારી પર્યાયમાં દ્રવ્ય-ગુણના આશ્રય વિના, પર્યાયના ષટ્કારકથી જે વિકૃતભાવરૂપ ક્રિયા થાય છે તેનાથી રહિત થવું-ભવવું એવો તારો ભાવ ગુણ છે, ને નિર્મળ નિર્મળ રત્નત્રયરૂપે થવારૂપ તારો ક્રિયાગુણ છે. મલિન પરિણામ સહિત થવાનો કોઈ ગુણ તારામાં છે જ નહિ. તેથી જ્યાં દ્રવ્ય ઉપર દ્રષ્ટિ મૂકે કે તરત જ મલિન પરિણામથી રહિત નિર્મળ નિર્મળ રત્નત્રયરૂપ પરિણમન થાય છે. આવો મારગ છે.
પણ આ તો મોટા પંડિત હોય તેને સમજાય!