કેવળજ્ઞાન પર્યાય પ્રગટ થઈ એમ કારણ-કાર્ય નથી. વર્તમાન કેવળજ્ઞાન પર્યાયની પ્રાપ્તિ સ્વતંત્ર દ્રવ્યના આશ્રયે થાય છે. આવી સૂક્ષ્મ વાત વીતરાગના માર્ગ સિવાય બીજે કયાંય નથી. અહો! આમાં તો બધું ક્રમબદ્ધ જ છે એમ સમજાઈ જાય છે.
આત્મા ત્રિકાળ ધ્રુવસ્વરૂપ છે. તે સ્વરૂપની અસ્તિનો સ્વીકાર નિર્મળ પર્યાયમાં થાય છે. પર્યાયમાં ધ્રુવની કબૂલાત કરી, અને પર્યાયમાં નિર્મળતા થઈ-તે નિર્મળ ક્રમવર્તી પર્યાય અને અક્રમવર્તી ગુણો-એ બેનો એકસાથે સમુદાય તે આત્મા છે. અહીં રાગ તે ગુણનું કાર્ય-કર્મ નથી, તેથી તેની કોઈ ગણતરી નથી. હવે કેટલાક કહે છે-આ સોનગઢવાળાએ નવું કાઢયું. પણ આ સમયસાર શાસ્ત્ર કયાં સોનગઢનું છે? એ તો વીતરાગની વાણી આચાર્ય કુંદકુંદદેવે સમયસારરૂપે વહાવી છે.
અહાહા...! એકેક શક્તિ પારિણામિકભાવે છે, અને તેનું કાર્ય છે તે ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષાયિકભાવે છે. ઉદયભાવ તે શક્તિનું કાર્ય નથી. દ્રવ્ય શુદ્ધ, તેના ગુણ શુદ્ધ, અને તેનું કાર્ય પણ શુદ્ધ પવિત્ર જ છે. ઉદયભાવ તેનું કાર્ય છે જ નહિ. એ તો પર્યાયની યોગ્યતાથી ઉદયભાવ છે, પણ ધર્મી તેને પોતાનું કર્મ ગણતા નથી; ધર્મીને તે પરજ્ઞેયપણે છે.
અરે! અજ્ઞાની જીવો રાતદિ’ સંસારની મજૂરી કરીને મરી જાય છે. એમાં ય કોઈ પુણ્યોદયે બે-પાંચ કરોડનું ધન મળી જાય તો માને કે મોટી બાદશાહી મળી. અરે ભાઈ! બાદશાહી શું છે તેની તને ખબર નથી. નિરાકુળતારૂપ સાચી બાદશાહી તો તારી અંદર પડી છે. તું અંદર અનાકુળ જ્ઞાનાનંદસ્વરૂપ બાદશાહ છો. ત્યાં ન જોતાં બહારમાં અહીંથી સુખ મળશે કે ત્યાંથી સુખ મળશે એમ ઝાવાં નાખે છે પણ એ તો તારું ભિખારાપણું છે. અરે! અનંતગુણચક્રનો સ્વામી મોટો ચક્રવર્તી બાદશાહ થઈને તું ભિખારીની જેમ રખડે છે! ને પુણ્યની-વિકારની ભીખ માગે છે!! અરે ભાઈ, બહારથી કયાંયથી તને સુખ નહિ મળે. મોટો બાદશાહ તું અંદર બિરાજે છે ત્યાં અંતર્મુખ થઈને જો. તેમાં બાદશાહી શક્તિઓ પડી છે તેનું નિર્મળ પરિણમન થતાં તને બાદશાહી પ્રાપ્ત થશે. સ્વભાવમાંથી પ્રાપ્ત થાય તે બાદશાહી, તે આનંદ અને તે સુખ. બાકી તો બધી આકુળતાની ભઠ્ઠી છે. સમજાણું કાંઈ...?
આખા સમયસારનો સાર આ છે. શું? કે દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મરહિત શુદ્ધ ચૈતન્યધન આત્મા તે ભગવાન સમયસાર છે. આ સમયસાર કેમ પ્રગટ થાય? તો કહે છે-અંતર્દ્રષ્ટિ કરવાથી શુદ્ધ કર્મની પ્રાપ્તિરૂપ કાર્યસમયસાર પ્રગટ થાય છે, અરેરે! અનાદિ કાળથી તારું કાર્ય તું બગાડતો આવ્યો છો. પર્યાયમાં શુભાશુભ રાગ થાય તે કાર્ય મારું -એમ માનતો થકો બહિર્મુખપણે તું તારું જીવન બગાડતો આવ્યો છો. પણ ભાઈ રે! વિકાર થાય એ કોઈ તારા દ્રવ્ય-ગુણનું કાર્ય નથી, જેમ પુદ્ગલમાં આઠ કર્મની પર્યાય થાય તે તારા દ્રવ્ય-ગુણનું કાર્ય નથી તેમ તારી પર્યાયમાં પુણ્ય-પાપરૂપ વિકાર થાય તે તારા દ્રવ્ય-ગુણનું કાર્ય નથી. પર્યાયમાં તેના ષટ્કારકના પરિણમનથી અદ્ધરથી વિકલ્પરૂપ મલિનતા થાય છે, પણ મલિન વિભાવરૂપ પરિણમવાનો તારામાં કોઈ ગુણ નથી. વિભાવરૂપે ન પરિણમવું એવો ગુણ છે, પણ વિભાવરૂપે થવું એવો આત્મામાં કોઈ ગુણ નથી. લ્યો, આવું તત્ત્વ શું? તેના ગુણ શું? અને તેનું કર્મ શું? -અરે! અજ્ઞાની જીવોને કાંઈ ખબર નથી.
“સત્ સાહિત્ય” પ્રચારમાં એક મુમુક્ષુએ લાખ રૂપિયા આપ્યા છે, એમ બીજાએ એંસી હજાર આપ્યા છે. અમે તો કહ્યું-આમાં શુભભાવ છે, ધર્મ નહિ; પુણ્યબંધ થશે. વાસ્તવમાં એ શુભભાવરૂપે ન પરિણમવું એવો તેનો (- આત્માનો) ગુણ છે, ને તે વિકારરૂપે ન પરિણમવું એવો તેનો ગુણ છે. હવે પોતાના સ્વઘરની-સ્વભાવની ખબર ન મળે ને પરઘરના-પરભાવના આચરણમાં કોઈ ધર્મ માની લે, પણ એ કેમ ચાલે? એ તો મિથ્યા શલ્ય છે. વ્યવહાર સમકિત તે સમકિત, ને દ્રવ્ય ચારિત્ર તે ચારિત્ર એમ જે માને છે તેને ધર્મના વાસ્તવિક સ્વરૂપની ખબર નથી. તેની દ્રષ્ટિ જૂઠી-વિપરીત છે, તેના અંતરમાં મિથ્યાત્વનું શલ્ય પડયું છે. અરે ભાઈ, તે તને ભારે નુકશાન કરશે, અનંત જન્મ-મરણ કરાવશે.
અનંતગુણરત્નાકર પ્રભુ આત્મા છે. તેમાં એક કર્મ નામનો ગુણ છે. આ કર્મ નામનો ગુણ છે. આ કર્મ ગુણના કારણે દ્રવ્યદ્રષ્ટિવંતને પોતાનું સમ્યગ્દર્શનાદિરૂપ નિર્મળ કર્મ પ્રાપ્ત થાય છે. આમ ધર્મીને પોતાનું કાર્ય સમયે સમયે સુધરે છે. પણ એ તો સમયે સમયે તેની ઉત્પત્તિનો કાળ છે, એ એની જન્મક્ષણ છે. ગુણના કારણે તે પર્યાય ઉત્પન્ન થઈ એમ કહેવું એ તો ઉપચાર છે. હવે આમ છે ત્યાં વ્યવહારના રાગથી નિશ્ચય (વીતરાગ પરિણતિ) થાય એ વાત કયાં રહી? ભાઈ, જો તારી દ્રષ્ટિ ન પલટી તો આમ ને આમ રખડવાનો તારો રસ્તો નહિ મટે. અરેરે! મરી-મરીને નરક-નિગોદમાં જવું પડશે. શું થાય? વસ્તુસ્થિતિ એવી છે. એમ શરીરમાં અનંત આત્મા, અનંતનો એક શ્વાસ, અનંતનું આયુષ્ય ભેગું,