૧૮૮ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧ પણ દુઃખની પર્યાય જુદી-અહા! આવા દુઃખમય સ્થાનમાં તારો અનંત કાળ ગયો છે પ્રભુ! અહા! એ પારાવાર દુઃખનું શું કહેવું? ભાઈ, એ દુઃખથી મુક્ત થવું હોય તો જેમાં અનંત શક્તિ ભરી છે એવા તારા દ્રવ્યની સંભાળ કર, તારા ચૈતન્યદ્રવ્યની રક્ષા કર. હું શુદ્ધ એક ચિદાનંદસ્વરૂપ છું-એમ અંતર્દ્રષ્ટિ વડે પ્રતીતિ કરવી ને તેમાં રમણતા કરવી એ તેની રક્ષા છે. આ સિવાય બધી હિંસા જ હિંસા છે, આત્મઘાત છે. સમજાય છે કાંઈ...!
ભાઈ, તારી ચિદ્ઘન-ચૈતન્યવસ્તુ ધ્રુવ ત્રિકાળ છે. તેની એક કર્મશક્તિ ધ્રુવ ત્રિકાળ છે. સ્વ-આશ્રયે શક્તિ પરિણમતાં નિર્મળ પર્યાયરૂપ કર્મ જે નીપજે તે પ્રાપ્ત કરાતો સિદ્ધરૂપ ભાવ છે. અહા! તે ભાવના કારણરૂપ કર્મશક્તિ છે એમ જાણી દ્રવ્યદ્રષ્ટિ કરતાં પર્યાયમાં નિર્મળતારૂપ સુધારો થાય છે. આવો મારગ છે. આ સિવાય ઉન્માર્ગ છે.
આ પ્રમાણે અહીં કર્મશક્તિનું વર્ણન પૂરું થયું.
‘થવાપણારૂપ અને સિદ્ધરૂપ ભાવના ભાવકપણામયી કર્તૃશક્તિ.’ અહાહા...! ચૈતન્ય ગુણરત્નાકર પ્રભુ આત્મા છે. તેમાં, અહીં કહે છે, એક કર્તૃ-કર્તાપણાનો ગુણ છે. થવાપણારૂપ અને સિદ્ધરૂપ ભાવના ભાવકપણામય આ કર્તૃત્વ ગુણ છે. અહાહા...! વર્તમાન સમ્યગ્દર્શન-જ્ઞાન- ચારિત્રરૂપ નિર્મળ ભાવ પ્રગટ થાય તે થવાપણારૂપ અને સિદ્ધરૂપ ભાવ છે, તેનો ભાવક અર્થાત્ તે ભાવનો કર્તા, કહે છે, ભગવાન આત્મા છે. અહાહા...! વર્તમાન થવા યોગ્ય ને સિદ્ધરૂપ ભાવનો કર્તા થઈને આત્મા તે ભાવને ભાવે-કરે એવો આત્માનો કર્તૃસ્વભાવ છે. પોતાની કર્તૃશક્તિથી આત્મા પોતે જ સ્વાધીનપણે પોતાના સમ્યગ્દર્શનાદિ નિર્મળ ભાવને કરે છે.
પહેલાં કહ્યું કે-પ્રાપ્ત કરાતો એવો જે સિદ્ધરૂપ ભાવ તે-મયી કર્મશક્તિ છે. મતલબ કે આત્મા પોતે જ પોતાના સિદ્ધરૂપ ભાવ-થવાયોગ્ય નિર્મળ ભાવને કર્મપણે પ્રાપ્ત થાય એવી એની કર્મશક્તિ છે. હવે, પ્રાપ્ત કરાતું આ નિર્મળ ભાવરૂપ કર્મ, જેને સિદ્ધરૂપભાવ કહ્યો, તેનો કર્તા કોણ?-એમ વિચારતાં કહે છે-કર્તાપણું જેનો સ્વભાવ છે એવો આત્મા પોતે જ પોતાના એ ભાવનો કર્તા છે. અહાહા...! નિજ આત્મદ્રવ્યના આશ્રયે કર્તૃશક્તિ છે એમ જાણી જેણે નિજ ત્રિકાળી દ્રવ્ય દ્રષ્ટિમાં લીધું તે સ્વયં કર્તા થઈને પોતાના સમ્યગ્દર્શન આદિ ભાવરૂપે પરિણમે છે.
અહીં સિદ્ધરૂપ ભાવ એટલે સિદ્ધ પર્યાય એમ અર્થ નથી. પણ જે થવાયોગ્ય વર્તમાન નિશ્ચિત-ચોક્કસ વીતરાગી નિર્મળ પર્યાય થઈ તેને અહીં સિદ્ધરૂપ ભાવ કહેલ છે. સાધકની સમ્યગ્દર્શનથી માંડી સિદ્ધપદ પર્યંતની નિર્મળ પર્યાય જે ક્રમે પ્રાપ્ત થવાયોગ્ય થાય છે તેને અહીં સિદ્ધરૂપ ભાવ કહ્યો છે. તે સિદ્ધરૂપ ભાવના કર્તાપણામય આત્માની કર્તૃશક્તિ છે. વર્તમાન નિર્મળ રત્નત્રય તે થવાપણારૂપ-ભવનરૂપ ભાવ છે, ને તે ભવનરૂપ ભાવમાં તન્મય થઈને, તેનો ભાવક થઈને, આત્મા પોતે તેને ભાવે છે એવી તેની કર્તૃશક્તિ છે. લ્યો, હવે આમાં વ્યવહાર રત્નત્રયથી નિશ્ચય થાય એમ કયાં રહ્યું? ભાઈ! વ્યવહારના-વિકલ્પના આલંબન વગર જ નિજશક્તિથી કર્તા થઈને સ્વાધીનપણે આત્મા પોતાના નિર્મળ નિર્મળ ભાવોરૂપ પરિણમે છે. અહા! એકેક શક્તિના વર્ણનમાં ગજબની વાત કરી છે.
બહેનના વચનામૃતમાં સાદી ભાષામાં બહુ સારી વાત આવી છેઃ “જાગતો જીવ ઊભો છે, તે કયાં જાય? જરૂર પ્રાપ્ત થાય” લ્યો, ભાષા સાદી, ને ભાવ સરસ, જાણે અમૃત. ‘જાગતો જીવ’ એટલે જાગ્રત ચૈતન્ય જ્યોતિસ્વરૂપ એક જ્ઞાયકસ્વભાવી આત્મા; ‘ઊભો છે’-એટલે કે તે ત્રિકાળ ધ્રુવ અસ્તિપણે છે. અહાહા...! એક જ્ઞાયકભાવસ્વરૂપ ભગવાન આત્મા છે તે ત્રિકાળ ટકવાપણે-હોવાપણે ધ્રુવ છે, ને તેમાં નજર કરતાં તે અવશ્ય પ્રાપ્ત થાય છે, અર્થાત્ તેનાં શ્રદ્ધાન-જ્ઞાન-આચરણ અવશ્ય પ્રગટ થાય છે. અહા! ધર્મીને જે આત્માનાં જ્ઞાન-શ્રદ્ધાન- આચરણરૂપ કર્મ પ્રગટ થયું તેનો કર્તા કોણ? તો કહે છે-ધર્મી (-આત્મા) પોતે જ કર્તાપણું ગ્રહણ કરીને નિર્મળ જ્ઞાન-શ્રદ્ધાન-આચરણરૂપ નિજ કર્મને પ્રગટ કરે છે; તેને કોઈ અન્ય ભિન્ન કારકોની ગરજ નથી. સમજાય છે કાંઈ...?
અહા! આત્માની આ કર્તૃશક્તિ એવી છે કે પોતાના શ્રદ્ધાન-જ્ઞાન આદિ નિર્મળ કાર્યના કર્તા પોતે જ થાય છે;