તેને કોઈ બીજાની અપેક્ષા નથી. અહા! શું ભગવાનનો દિવ્યધ્વનિ એના જ્ઞાનનો કર્તા છે? ના. કેવળી-શ્રુતકેવળીની સમીપે જ ક્ષાયિક સમકિત થાય એવો નિયમ છે. એ તો બરાબર છે, પણ શું કેવળી-શ્રુતકેવળી એના (-આત્માના) ક્ષાયિક સમકિતના કર્તા છે? ના. ભાઈ, ભગવાનની દિવ્યધ્વનિ અને કેવળી-શ્રુતકેવળી બહારમાં નિમિત્ત હો, પણ તે એના (ધર્મીના) જ્ઞાન-શ્રદ્ધાનના કર્તા નથી. એ તો આત્મા પોતે જ પોતાના સ્વભાવથી તેરૂપે-જ્ઞાન-શ્રદ્ધાનરૂપે પરિણમ્યો છે, એટલે આત્માનું જ તે કર્મ છે, ને આત્મા જ તેનો કર્તા છે, તેને કોઈ બીજાની અપેક્ષા નથી; કેમકે વસ્તુની શક્તિઓ બીજાની અપેક્ષા રાખતી નથી.
અહાહા...! આત્મા પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ પ્રભુ જાગ્રતસ્વભાવી-એક જ્ઞાયકસ્વભાવી ભગવાન છે. તેમાં એક કર્તૃશક્તિ ભરી છે. આ કર્તૃશક્તિનું બીજા અનંત ગુણમાં રૂપ છે. શું કીધું? જ્ઞાન, શ્રદ્ધા, આનંદ ઇત્યાદિ અનંત ગુણમાં કર્તૃશક્તિનું રૂપ છે. તેથી એક જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિ કરતાં તે પોતાની વર્તમાન જ્ઞાન-શ્રદ્ધાન આદિરૂપ નિર્મળ પર્યાયના ભાવનો ભાવક નામ કર્તા થાય છે. જ્ઞાનગુણની નિર્મળ પર્યાય પ્રગટ થાય તે થવાયોગ્ય સિદ્ધરૂપભાવ છે. જ્ઞાનના તે નિર્મળ ભાવનું જ્ઞાન કર્તા છે, શાસ્ત્રો કે શ્રુતના વિકલ્પો જ્ઞાનભાવના કર્તા નથી. તેવી રીતે શ્રદ્ધાગુણની નિર્મળ પર્યાય-સમકિત થાય તેનો શ્રદ્ધાગુણ કર્તા છે, નવતત્ત્વના વિકલ્પ તેના કર્તા નથી; અને ચારિત્ર-સમ્યક્ચારિત્ર પ્રગટ થાય તેનો ચારિત્રગુણ કર્તા છે, વ્રતાદિના વિકલ્પ તેના કર્તા નથી. અહા! આ રીતે પોતાની નિર્મળ પર્યાયોને પ્રાપ્ત થઈ-પહોંચીને, તેમાં તન્મય થઈને આત્મા જ તેના કર્તાપણે પરિણમે છે. તે નિર્મળ ભાવોનો ભાવક આત્મા જ છે, બીજું કોઈ નહિ, દેવ-ગુરુ-શાસ્ત્ર નહિ, વ્યવહારના વિકલ્પ નહિ ને કર્મ પણ નહિ. આવી વાત! સમજાણું કાંઈ...?
અહા! નિજ જ્ઞાયકસ્વભાવની અંતરમાં જેને પ્રતીતિ વર્તે છે તે સાધકને નિર્મળ જ્ઞાન-શ્રદ્ધાન અને વીતરાગતા ઇત્યાદિ નિર્મળ પરિણમનરૂપ કર્મ પ્રગટ છે; તે સિદ્ધરૂપ ભાવ છે. અહા! તે ભાવનો કર્તા કોણ? -કે તે ભાવમાં તન્મય થઈને પરિણમે તે કર્તા છે. અહા! તે-રૂપ જે થાય તે કર્તા છે; પણ અતન્મય-જુદો રહે તે કર્તા નથી, તેને કર્તા કહેવો એ તો ઉપચારમાત્ર આરોપિત કથન છે. અહાહા...! કર્તાનું ઇષ્ટ એવું જે સમ્યગ્દર્શનાદિ નિર્મળ કર્મ તે કર્તાનું કાર્ય છે, ને ધર્મી-સાધક તેનો કર્તા છે. કર્તા-કર્મ-કરણ ઇત્યાદિ બધું જ આત્મામાં સમાય છે ભાઈ! આત્મા એકલો જ પોતે છએ કારકપણે થાય છે. બહારમાં જડ કર્મનો અભાવ થયો માટે નિર્મળ પર્યાય પ્રગટ થઈ છે એમ છે જ નહિ. સમજાણું કાંઈ...?
અહાહા...! પ્રભુ! તારી ઋદ્ધિ તો જો, તારી સમૃદ્ધિની સંપદા તો જો. જ્ઞાન, દર્શન, આનંદ, પ્રભુતા, સ્વચ્છતા- એમ અનંત ગુણ-સમૃદ્ધિની સંપદા તારામાં ભરી છે. એમાં એક કર્તૃશક્તિરૂપ ગુણ છે. અહા! આ કર્તૃત્વ ગુણ દ્રવ્ય- અને અનંત ગુણમાં વ્યાપક છે. આત્માના સર્વ ગુણમાં કર્તૃત્વ ગુણ વ્યાપક છે; સર્વગુણમાં કર્તૃત્વગુણનું રૂપ છે. તેથી જ્ઞાનાદિ સર્વ ગુણ કર્તાપણે થઈને પોતાની નિર્મળ પર્યાયને કરે છે. અહા! આ કર્તૃત્વ ગુણના કારણે જ્ઞાનગુણની નિર્મળ પર્યાયની પ્રાપ્તિ થાય છે. વર્તમાન મતિ-શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ કર્તૃશક્તિના કારણે છે. જ્ઞાનમાં કર્તૃગુણનું રૂપ છે ને! પછી ક્રમે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય તે પણ કર્તૃશક્તિના કારણે છે. તેવી રીતે દર્શન નામનો જે ગુણ છે તેની ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન કે કેવળદર્શન-જે પર્યાય થાય તે સિદ્ધરૂપ વર્તમાન ભાવ છે, ને તે ભાવની ભાવક કર્તૃશક્તિ છે. છે ને અંદર? ‘થવાપણારૂપ અને સિદ્ધરૂપ ભાવના ભાવકપણામયી કર્તૃશક્તિ? ભાઈ, આ તો અંદર છે એની વિશેષ વ્યાખ્યા છે. ઓહો...? આમાં કેટલું સમાડી દીધું છે! એમકે જડકર્મનો ક્ષયોપશમ કે ક્ષય થયો માટે અહીં દર્શનની નિર્મળ પર્યાય પ્રગટ થઈ છે એમ નથી. દર્શનાવરણીય કર્મના ક્ષયના કારણે કેવળદર્શનની પર્યાય થઈ છે એમ નથી. હો, નિમિત્ત હો, પણ તે (ઉપાદાનમાં) કાંઈ કરતું નથી.
જયપુર (ખાનિયા)માં વિદ્વાનો વચ્ચે તત્ત્વચર્ચા થયેલી ત્યારે શંકાપક્ષ તરફથી આ વાત રજુ થયેલીઃ એમ કે-“ચાર ઘાતિકર્મોના નાશથી કેવળજ્ઞાન પ્રગટ થયું છે.” તત્ત્વાર્થસૂત્રમાં આ સૂત્ર છે. પણ એનો અર્થ શું? આ તો નિમિત્તનું કથન છે. બાકી ચાર ઘાતિકર્મનો નાશ થઈને તો પરમાણુઓની અકર્મ દશા થઈ છે, તેમાં એનાથી આત્મામાં શું થયું છે? ભાઈ, આત્માની કેવળજ્ઞાનની પર્યાય તે તે સમયે થવાપણારૂપ ને સિદ્ધરૂપભાવ છે, ને તે ભાવના ભાવકમયી કર્તૃશક્તિ છે.
આત્મામાં એક દૃશિશક્તિ છે. ચિતિશક્તિમાં જ્ઞાન અને દૃશિ-એમ બન્ને શક્તિ આવી ગઈ. અહીં કહે છે- દૃશિશક્તિની પર્યાયની કર્તા દૃશિશક્તિ છે. દરેક ગુણની વર્તમાન પર્યાય પ્રાપ્ત છે તેમાં કર્તૃશક્તિનું રૂપ છે. તે કર્તાપણે ઉત્પન્ન થાય છે. સત્ની સ્થિતિ જ આવી છે ભાઈ!
જીવમાં એક જીવનશક્તિ છે. જીવનું નિર્મળ ચૈતન્યજીવન પ્રગટ થાય તેનો કર્તા આ જીવનશક્તિ છે. ભાઈ, દેહ,