૧૯૦ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧ ઇન્દ્રિયો કે આયુ ઇત્યાદિના કારણે જીવનું ‘જીવન’ -ચૈતન્યજીવન છે એમ નથી, દેહાદિ તેના કર્તા નથી. એ તો અજ્ઞાની હું દેહાદિ વડે જીવું છું એમ માને છે, પણ વાસ્તવમાં તો એ એનું મરણ-ભાવમરણ છે. જેમાં જીવનશક્તિ વ્યાપે તે જીવનું જીવન છે.
આત્મામાં એક આનંદશક્તિ છે. જેમ જ્ઞાન આત્માનો સ્વભાવ છે તેમ આનંદ આત્માનો સ્વભાવ છે. વર્તમાનમાં જે અતીન્દ્રિય આનંદની અનુભૂતિરૂપ કાર્ય પ્રગટ થાય તેનો કર્તા આનંદ ગુણ છે. તેમાં કર્તૃશક્તિનું રૂપ છે ને! કોઈને થાય કે આ બધું કેટલું યાદ રાખવું? અરે ભાઈ, બીજે વેપાર આદિ સંસારી કામોમાં તો ખૂબ બધું યાદ રાખે છે. અહીં મૂઢતા બતાવે છે. તેથી નક્કી છે કે તારી રુચિ આમાં નથી. પણ ભાઈ, આ તો અસાધારણ ભાગવત કથા છે. આ સમયસાર તો જૈનધર્મનું મહા ભાગવત છે. આ જ સાચું ભાગવત છે; કેમકે ભગવાનનું કહેલું છે, ને ભગવાન થવાનું બતાવે છે. અહા! આ તો મહાયત્ન કરીને પણ સમજવા જેવી ચીજ છે ભાઈ! આને સમજવા મહા પુરુષાર્થ, અનંત-અનંત પુરુષાર્થ કરવો જોઈએ.
અહા! એ પુરુષાર્થની પર્યાય કયાંથી પ્રગટશે? વીર્યશક્તિમાંથી વર્તમાન પુરુષાર્થની પર્યાયનો કર્તા વીર્યશક્તિ છે. વર્તમાન જાગૃત પુરુષાર્થમાં વીર્યશક્તિ તન્મય છે. અહા! આવો યથાર્થ નિર્ણય કરે તેનું વીર્ય પરાશ્રય છોડી સ્વાશ્રયે પ્રવર્તે છે, અને પોતાના નિર્મળ નિર્મળ ભાવો રચવામાં ઉપયુક્ત થાય છે. સમજાય એટલું સમજો બાપુ! બાકી આમાં તો અપાર ઊંડી વાતુ છે. અહાહા...! એકેક ગુણમાં અનંત ગુણનું રૂપ ને અનંત ગુણમાં એકેક ગુણનું રૂપ છે. અલૌકિક વાત છે પ્રભુ!
‘સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગઃ’-આવું તત્ત્વાર્થસૂત્રમાં સૂત્ર છે. સમ્યગ્દર્શનની પર્યાય જે પ્રાપ્ત થાય તે પ્રાપ્ત થવાનો તેનો કાળ છે. અહા! તે ભાવનો કર્તા કોણ? શ્રદ્ધા ગુણમાં કર્તૃશક્તિનું રૂપ છે તેથી તે તેનો કર્તા થાય છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાય જે ઉત્પન્ન થઈ તે સિદ્ધરૂપ ભાવ છે, ને તે ભાવના ભાવકપણામયી કર્તૃશક્તિ છે. ‘ભાવક’ શબ્દ પડયો છે. ભાવના ભાવકપણામય એટલે ભાવના કર્તાપણામય તે ગુણ છે. આવો માર્ગ સૂક્ષ્મ છે. અરે, લોકોએ સ્થૂળ રાગમાં માર્ગ મનાવી દીધો છે. એમ કે વ્રત કરો, તપ કરો, ઉપવાસ કરો-એમ બધે રાગ કરવાની પ્રરૂપણા ચાલે છે. કોઈ દશલક્ષણ પર્વમાં દસ ઉપવાસ કરે તો માને-મનાવે કે-ઓહોહો..! ભારે ધર્માત્મા, ઘણો ધર્મ કર્યો. પણ બાપુ! ઉપવાસ એટલે શું? ઉપ નામ સમીપ, ને વાસ એટલે રહેવું; આત્માની સમીપ- આશ્રયમાં રહેવું તે ઉપવાસ છે. જ્ઞાયકભાવની નિર્મળ પરિણતિ પ્રગટે તેનું નામ ઉપવાસ છે. બાકી બધો તો અપવાસ નામ માઠો વાસ-દુર્ગતિનો વાસ છે. હવે વાતે વાતે ફેર છે ત્યાં બીજા સાથે મેળ કેવી રીતે કરવો?
અહાહા...! આત્મામાં અનંત ગુણ છે. પ્રત્યેક ગુણ અસહાય છે. કોઈ ગુણને કોઈની (કોઈ અન્યની) સહાય નથી. વળી કોઈ ગુણ બીજા ગુણની સહાયથી છે એમ નથી, તેમ જ એક ગુણની પર્યાય બીજા ગુણની સહાયથી થાય છે એમેય નથી. એક ગુણમાં બીજા ગુણનું નિમિત્તપણું હો, કેમકે એક ગુણ જ્યાં વ્યાપક છે ત્યાં બીજા અનંત ગુણ વ્યાપક છે, પણ કોઈ ગુણના કાર્યનો કોઈ બીજો ગુણ કર્તા નથી. સર્વત્ર નિમિત્તનું આવું જ સ્વરૂપ છે. હવે આમ છે ત્યાં (કાર્ય) વ્યવહારથી થાય ને નિમિત્તથી થાય એ કયાં રહ્યું? કયાંય ઉડી ગયું.
ભાઈ, તારા આત્મદ્રવ્યના કર્તા કોઈ ઇશ્વર નથી. તારા ગુણના કર્તા પણ કોઈ ઇશ્વર નથી, તારા પ્રત્યેક ગુણની પર્યાય થાય તેનો કર્તા કોઈ બીજા ગુણની પર્યાય નથી. અહા! દ્રવ્ય-ગુણ પોતે જ પોતાના કાર્યના કર્તાપણાના સામર્થ્યયુક્ત ઇશ્વર છે. અહો! આચાર્યદેવે કર્તૃ આદિ શક્તિઓનું કોઈ અદ્ભુત વર્ણન કર્યું છે. આવી વાત બીજે કયાંય નથી. સમજાણું કાંઈ...?
પ્રભુ! તું જાગતી જ્યોત, ઊભો છો ને? અહાહા...! જાગતી જ્યોતનો થંભ-ધ્રુવસ્થંભ છો ને! તેના પર નજર કરવી તે તારું કાર્ય છે. ધ્રુવની નજરે જ સિદ્ધિ છે ભાઈ! જેમ કોઈ મોટો માણસ ઘરે આવે તે વખતે તેનો સત્કાર, આદરમાન કરવાને બદલે કોઈ ઘરના નાના બાળક સાથે રમત કરવા મંડી જાય તો તે મોટો માણસ એનો ઉપેક્ષાભાવ જાણીને ચાલ્યો જાય. તેમ અંદર જાગતી જ્યોત ભગવાન જ્ઞાયકદેવ ઊભો છે, તેના ઉપર નજર ન કરે, તેનો સત્કાર, આદરમાન ન કરે, અને રાગ ને પુણ્યરૂપી બાળક સાથે રમતું માંડે તો ભગવાન જ્ઞાયક ચાલ્યો જાય, અર્થાત્ તારી ચીજ તને પ્રાપ્ત ન થાય. ભાઈ, પુણ્ય-પાપમાં રોકાઈ રહેવું એ તો બાળક બુદ્ધિ છે.
આ શરીર તો જડ માટી-ધૂળ છે, ને પુણ્ય-પાપના વિકારી ભાવ દુઃખ ને દુઃખરૂપ છે. તેમાં ભગવાન જ્ઞાયક નથી. અંદર ભિન્ન જાગતી જ્યોત-ચૈતન્ય જ્યોત પ્રકાશે છે તે ભગવાન જ્ઞાયક છે. ભાઈ, તેની દ્રષ્ટિ કર, તેમાં નજર કરી