૧૯૬ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧ તેય મારગ નથી; એ તો ઉન્માર્ગ છે.
આત્માના આનંદના ભોગનું કારણ બહારની ચીજ નથી. સ્ત્રીના શરીરનો કે ગુલાબ જાંબુનો ભોક્તા આત્મા નથી; પરંતુ તે પદાર્થોના ભોગ કાળે આને જે રાગ થાય છે તે રાગનો તે ભોક્તા છે, પણ તે આકુળતાનો ભોગ છે. હવે જેને અનાકુળ આનંદનો ભોગવટો છે તેના આનંદનું કારણ નામ સાધન કોણ? અહા! અનાકુળ આનંદનો ભોગ કરવો હોય તો તેના સાધનની શોધ અવશ્ય કરવી જોઈશે. અહીં કહે છે-તારા આનંદનું સાધન અનંત શક્તિવાન એવો તું જ છો. અહાહા...! તારા આત્મામાં એક સાધનશક્તિ ત્રિકાળ પડી છે, તેથી શક્તિવાનને શોધવાથી, તેમાં અંતર્મુખ દ્રષ્ટિ કરવાથી, તારો આત્મા જ તને અનાકુળ આનંદનું સાધન થઈને અનાકુળ આનંદનો ભોગ આપે છે. માટે સહજાનંદી નિજાનંદી પ્રભુ આત્માને જ સાધન જાણીને તેમાં અંતર્મુખ થા. સમજાય છે કાંઈ...? અહા! અનાકુળ આનંદનું વેદન તેનું નામ ધર્મ છે.
અહાહા...! આત્મામાં અપરિમિત અનંત શક્તિઓ છે. તેની એકેક શક્તિ અનંત ગુણમાં વ્યાપક છે. એ રીતે પ્રત્યેક ગુણમાં આ સાધનશક્તિ વ્યાપક છે. તેથી અનંતગુણનિધાન નિજ આત્મદ્રવ્ય-ધ્રુવ ત્રિકાળીનો આશ્રય કરતાં શક્તિઓ વડે આત્મા સ્વયં સાધનરૂપ થઈને પોતાની નિર્મળ પર્યાયોને ઉત્પન્ન કરે છે. લ્યો, આ છે સમકિતથી માંડીને પંચ પરમપદ પર્યંતનાં સ્થાનોની સિદ્ધિના સાધનનું રહસ્ય. હવે જૈનમાં જન્મીને પણ લોકો ‘ણમો અરિહંતાણં’ ઇત્યાદિ પંચ પરમેષ્ઠીના જાપ જપે, પણ એની સિદ્ધિનું સાધન શું? એનો વિચાર સુદ્ધાં ના કરે. અરે ભાઈ, નમસ્કાર મંત્રના જાપ તો એણે અનંત વાર કર્યા છે. પણ એથી શું લાભ? એ તો શુભરાગ છે, એમાં પંચ પરમપદરૂપ ધર્મ કય ાંથી આવે? પંચ પરમપદરૂપ ધર્મદશાના કારણરૂપ-સાધનરૂપ તો અંદર સાધનસ્વભાવમય આત્મા છે. માટે જાપના વિકલ્પના આશ્રયથી ખસી, ભગવાન આત્માના આશ્રયમાં જા, એમ કરતાં તારો આત્મા જ નિજ સ્વભાવ-સાધન વડે પંચ પરમપદરૂપ થઈ તને સાધ્યની સિદ્ધિ કરાવશે-દેશે. આ સિવાય બીજી કોઈ રીતે સાધ્યની સિદ્ધિ નથી. આચાર્યદેવ સ્વયં કળશમાં કહે છે-
न खलु न खलु यस्मादन्यथा साध्यसिद्धिः।।
અહા! આત્માનો આ સ્વભાવ જ એવો છે કે તેને સાધન બનાવીને અનંતા જીવોએ સિદ્ધપદ સાધ્યું છે, અને સ્વભાવના સાધન વડે જ અનંતા જીવ સિદ્ધપદને સાધશે. નિજ સ્વભાવ સિવાય બહારમાં-નિમિત્તમાં ને રાગમાં સાધન શોધનારાને તો સંસારની જ સિદ્ધિ થશે, અર્થાત્ તે સંસારમાં જ રખડશે.
ભાઈ, સાધકને પોતાનો આત્મસ્વભાવ જ પ્રતિસમય નિર્મળતાનું સાધન થાય છે. આત્મામાં સાધનશક્તિ તો ત્રિકાળ છે. પણ પોતે સ્વસન્મુખ થઈ નિજ સ્વભાવસાધનને ગ્રહે તો ને? સ્વસન્મુખ થઈને સ્વભાવ-સાધનને ગ્રહે તો સમકિત સહિત સાધકદશા અવશ્ય પ્રગટ થાય છે. અહા! ત્રિકાળી દ્રવ્યને સાધનપણે ગ્રહતાં જ જ્ઞાનાદિ અનંત ગુણો પોતપોતાની નિર્મળ પર્યાયો રૂપ પરિણમી જાય છે. પ્રવચનસાર ગાથા ૨૧ની ટીકામાં કહ્યું છે કે-કેવળીભગવાન “સ્વયમેવ સમસ્ત આવરણના ક્ષયની ક્ષણે જ, અનાદિ અનંત, અહેતુક અને અસાધારણ જ્ઞાનસ્વભાવને જ કારણપણે ગ્રહવાથી તુરત જ પ્રગટતા કેવળજ્ઞાનોપયોગરૂપ થઈને પરિણમે છે..” જુઓ, આમાં કેટલી સ્પષ્ટ વાત છે! કેવળજ્ઞાનનું સાધન બીજું કોઈ છે જ નહિ, પોતાનો જ્ઞાનસ્વભાવ જ કેવળજ્ઞાનનું સાધન છે. આવી રીતે શ્રદ્ધા, આનંદ આદિ બધી જ શક્તિઓના પરિણમનમાં સમજી લેવું.
ભાઈ, આ તો તારા ઘરમાં પુંજી છે તેની વાત ચાલે છે. અહાહા...! તારી પુંજીમાં અનંત ગુણ-સ્વભાવ છે. તેમાં એક કરણ-સાધન સ્વભાવ છે જે વડે પ્રત્યેક ગુણનું સમયે સમયે નિર્મળ નિર્મળ કાર્ય થાય તેનું આત્મા સાધન થાય છે. ત્યારે કોઈ કહે છે-
હા, પણ આ તો નિશ્ચયની વાત છે. ભાઈ, તું એને નિશ્ચય... નિશ્ચયની વાત છે એમ કહી અવગણના કરે, પણ નિશ્ચય એટલે સત્ય વાત છે, ને વ્યવહાર તો ઉપચાર છે. શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકના સાતમા અધિકારમાં નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ સમજાવ્યું છે. ત્યાં કહ્યું છે-“જિનમાર્ગમાં કોઈ ઠેકાણે તો નિશ્ચયનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને તો ‘સત્યાર્થ એમ જ છે’ એમ જાણવું તથા કોઈ ઠેકાણે વ્યવહારનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને ‘એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે’ એમ જાણવું. અને એ પ્રમાણે જાણવાનું નામ જ બન્ને નયોનું ગ્રહણ છે પણ બન્ને નયોના વ્યાખ્યાનને સમાન