Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4116 of 4199

 

૪૩-કરણશક્તિઃ ૧૯૭

સત્યાર્થ જાણી, ‘આ પ્રમાણે પણ છે તથા આ પ્રમાણે પણ છે’ એવા ભ્રમરૂપ પ્રવર્તવાથી તો બન્ને નયો ગ્રહણ કરવા કહ્યા નથી.” અહાહા...! પંડિતપ્રવર ટોડરમલજીએ. કેટલી બધી સ્પષ્ટતા કરી છે! પણ અરે, જીવે ભગવાનનો માર્ગ રુચિ લાવીને સાંભળ્‌યો નથી; બસ એમ ને એમ વ્રતાદિને સાધન માની હાંકે જ રાખે છે. પણ બાપુ!

“મુનિવ્રત ધાર અનંત બાર ગ્રીવક ઉપજાયો;
પૈ નિજ આતમજ્ઞાન બિના, સુખ લેશ ન પાયો”

જુઓ, આમાં શું કહે છે? ‘સુખ લેશ ન પાયો’-એનો અર્થ એ થયો કે એ પરિણામ દુઃખ છે. પંચ મહાવ્રત પાળ્‌યાં એનાથી લેશ સુખ ના થયું, દુઃખ થયું. અહા! અજ્ઞાનીને બહારનું ચારિત્ર (દ્રવ્ય ચારિત્ર) દુઃખનું સાધન થાય છે. ભાઈ, તેને આ આકરું પડે છે, પણઆસત્ય છે. અહાહા...! ચારિત્ર કોને કહીએ? જેમાં અંદર પ્રચુર આનંદની લ્હેર ઉઠે. તેનું નામ ચારિત્ર છે અને આત્મ સ્વભાવ જ તેનું સાચું સાધન છે. વ્રતાદિને સાધન કહ્યાં છે એ તો ઉપચારથી છે, મતલબ કે એમ નથી. ધર્મી તો એને હેય જાણે છે, ને અજ્ઞાની તેને ઉપાદેય જાણે છે. બન્નેમાં આવડો મોટો ફેર છે. આવી ગજબ વાત છે ભાઈ!

પાત્ર સમજનાર હોય તેને આ કહેવાય છે. પોતાની પાત્રતા ન હોય તેને સાક્ષાત્ કેવળીની વાણી પણ શું કરે? પાત્રતા પોતાથી પ્રગટ થાય છે, પરથી નહિ. અહાહા...! આ પાત્રતા શું ચીજ છે? કે જેનાથી સમ્યગ્દર્શન પામે તેને પાત્રતા કહીએ. અહો! સમ્યગ્દર્શનની સાથે સિદ્ધપદ જોડાયેલું છે. મતલબ કે જેને સ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શનરૂપી બીજ ઉગી તેને તે જ સ્વભાવના સાધન વડે સિદ્ધપદરૂપી પૂનમ થશે જ થશે. અહો! આવો નિજ સ્વભાવ-સાધનનો અલૌકિક મહિમા છે. સમજાય છે કાંઈ...?

અરેરે! સંસારી પ્રાણીઓ અત્યંત દુઃખી છે. મોટો રાજા હોય, ને મરીને નરકમાં ચાલ્યો જાય. અહા! તીવ્ર હિંસાદિ પાપના ભાવ કરી જીવ નરકમાં જાય છે. ૨પ વર્ષના યુવાન રાજકુમારને જમશેદપુરની લોઢા ગાળવાની ભઠ્ઠીમાં જીવતો નાખે ને જે દુઃખ થાય તેનાથી અનંતગણી ઉષ્ણતાનું દુઃખ પહેલી નરકમાં છે. ભાઈ, આવા આવા ભવ તેં અનંત વાર કર્યા છે. તારું દુઃખ દેખનારને પણ રૂદન આવ્યાં છે. અરેરે! તારા મૃત્યુ પાછળ તારી માતાના રૂદનના આંસુના એક એક બુંદના સંગ્રહથી દરિયાના દરિયા-અનંત દરિયા ભરાય એટલાં મરણ તેં કર્યા છે. બહુ ગંભીર વાત છે ભાઈ! અહા! જેને સંસારના પરિભ્રમણનો થાક લાગ્યો એવો કોઈ જીવ પાત્ર થઈને સ્વદ્રવ્ય સન્મુખ થઈ સ્વભાવના ગ્રહણ વડે સમકિત પ્રગટ કરી લે છે. અહા! તે ધર્મી જીવ વિશેષ વૈરાગ્ય પામીને સ્વરૂપની રમણતા કરવા એકલો જ જંગલમાં ચાલ્યો જાય; કોઈ સાથે નહિ, કોઈ આહાર દેનાર નહિ, કોઈ શરીરની રક્ષા કરનાર નહિ, કોઈ વૈદ્ય સાથે નહિ; અહાહા...! અંદર એકત્વના આલંબનમાં રહી અંતરના આનંદની લહેર કરવા એકાંત જંગલમાં ચાલ્યો જાય. મુનિ થતા પહેલાં માતા પાસે રજા માગે-માતા, રજા આપ; માતા રડે તો કહે-એક વાર રૂદન કરી લે, હવે હું કોલ આપું છું કે ફરી બીજી માતા નહિ કરું. સ્વભાવના ઉગ્ર આલંબનમાં રહી ચારિત્રની ઉગ્ર સાધના કરીશ. આજે જ ચારિત્રના આનંદની દશાને હું અંગીકાર કરવા માગું છું. રજા આપ. લ્યો, અત્યારે તો આવી વાતેય સાંભળવા મળે નહિ. પણ જન્મ-મરણના રોગ મટાડવાની આ જ દવા છે. આત્માનો આશ્રય લેવો એ જ ઔષધ છે.

આત્મ–ભ્રાન્તિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ;
ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન.

નિમિત્ત સાધન, ને રાગ સાધન-એવી ભ્રાંતિ સમાન કોઈ રોગ નથી. મિથ્યાત્વ મહા રોગ છે. સત્ને જાણનારા ગુરુની આ આજ્ઞા છે કે સ્વદ્રવ્યના આશ્રયમાં જતાં ધર્મ થશે; તારો સ્વભાવ જ તારા ધર્મનું સાધન છે. વિચાર અને ધ્યાન તે ઔષધિ છે. સ્વરૂપની એકાગ્રતારૂપ ધ્યાન તે ઔષધ છે. આ સિવાય બહારનાં ઔષધ બધાં ધૂળ ધાણી છે, ઉપાય નથી.

આ પ્રમાણે અહીં કરણશક્તિનું વર્ણન પૂરું થયું.