સુપાત્રપણું નથી. શુભભાવ પોતામાં રાખવાની ચેષ્ટા તે સુપાત્રપણું નથી. ધર્મીને શુભભાવ આવે પણ એને તેનાથી કાંઈ લેવા-દેવા નથી. એને તો જે ગુણના કાર્યરૂપ રત્નત્રયની નિર્મળ અવસ્થા થાય તેનાથી જ લેવા-દેવા છે.
ભાઈ, આ સ્ત્રી-પુરુષ-નપુંસકના દેહ તે તારી ચીજ નથી. દેહના આકાર એ તો જડ પરમાણુની ચીજ છે. ઇન્દ્રિયના આકાર તે જડ, માટીના આકાર છે. તે આકાર તારાથી થયા નથી. અરે, શુભભાવેય તારાથી થયો નથી. પર્યાયબુદ્ધિથી વિકાર પર્યાયમાં ઊભો થાય છે. તે કાંઈ તારા ગુણનું કાર્ય નથી. ગુણનું કાર્ય તો અભેદ એક ગુણી ચૈતન્યદ્રવ્યની દ્રષ્ટિ કરતાં પ્રગટ થાય છે, ને વિકારનો તેમાં અભાવ જ છે. અહા! તે ગુણના કાર્યરૂપ ચૈતન્યની શુદ્ધ પરિણતિ તે પોતાથી દેવામાં આવતો ભાવ છે, ને તે સમયે તેને ઝીલનારી પાત્રતા તે પણ પોતાના ભાવરૂપ છે. કોઈને થાય આ એકાંત છે, પણ આ સમ્યક્ એકાંત છે. એકાંત કહી વિરોધ કરીશ મા, કેમકે એ તારો જ વિરોધ અને વિરાધના છે.
ભાઈ, આ જૈનદર્શન તો અંતરની ચીજ છે. જૈનદર્શન એટલે શું? જૈનદર્શન એટલે વીતરાગદર્શન. રાગ લાભદાયક છે તે માન્યતા વીતરાગદર્શન નથી, એ જૈનધર્મ નથી. જૈનધર્મ એટલે વીતરાગી પર્યાય, ને તે પર્યાય પોતાથી દેવામાં આવતો ભાવ છે. આમ દાતા પર્યાય પોતે છે, ને તે પર્યાયને લેવા યોગ્ય પાત્ર પણ પોતે જ છે. જેને દ્રવ્યદ્રષ્ટિ થઈ તેની આ વાત છે. પર્યાયદ્રષ્ટિ જીવને તો સંપ્રદાનશક્તિ અને શક્તિવાનની પ્રતીતિ જ નથી. ભાઈ! આ કાંઈ વાદવિવાદથી પાર પડે એવું નથી. આ તો અંતરમાં ડૂબકી લગાવી ત્યાં જ રમવાની ચીજ છે.
અહા! રાગની ઘણી મંદતા હોય, શુકલ લેશ્યાના ભાવ હોય, પણ એનાથી ધર્મ ન થાય. શુકલ લેશ્યાના ભાવ કરીને તે અનંત વાર નવમી ગ્રૈવેયકનો દેવ થયો, પણ એથી શું? શુકલ લેશ્યા અને શુકલ ધ્યાન બન્ને જુદી જુદી ચીજ છે. શુકલ લેશ્યા તો એને અનંત વાર થઈ છે, ને તે અભવિને પણ થતી હોય છે, જ્યારે શુકલ ધ્યાન તો આઠમા ગુણસ્થાને શ્રેણી ચઢનારા ભાવલિંગી સંત મહા મુનિવરને હોય છે. શાસ્ત્રમાં એવો ઉલ્લેખ છે કે જીવે મનુષ્યના ભવ અનંત કર્યા છે, ને તેનાથી અસંખ્ય ગુણા અનંતભવ નરકના કર્યા છે. મનુષ્યના એક ભવ સામે અસંખ્ય ભવ એણે નરકના કર્યા છે. તથા નરકના ભવ કરતાં અસંખ્ય ગુણા અનંતભવ એણે દેવના કર્યા છે. આ રીતે તે શુભભાવના ફળમાં અનંત વાર દેવમાં ગયો છે. કાંઈ પાપના ફળમાં દેવના ભવ ન મળે. આમ અનંત વાર જીવે શુભભાવ અને શુકલ લેશ્યાના ભાવ કર્યા છે, એ શુકલ લેશ્યાના ભાવ તો થયા ને ચાલ્યા ગયા. એનાથી જડ પરમાણુ બંધાણાં, પણ એમાં તને શું આવ્યું? તારી દશામાં શું મલિનતા છૂટીને નિર્મળતા આવી? ભવના છેદનારા ભાવ શું તને પ્રાપ્ત થયા? ન થયા. એટલે તો દોલતરામજીએ કહ્યું કે-
પૈ નિજ આતમજ્ઞાન બિના સુખ લેશ ન પાયો.
અરે ભાઈ, એ ભવને છેદનારી શુદ્ધ પરિણતિ તો સ્વદ્રવ્યના આશ્રયમાં જવાથી થાય છે અને તેને અહીં પોતાથી દેવામાં આવતો, ને તેના પાત્રપણે પોતાથી લેવામાં આવતો ભાવ કહ્યો છે. અહા! સ્વદ્રવ્યની દ્રષ્ટિ કરે તેને આત્મા જ નિર્મળ રત્નત્રયના ભાવોનો મોટો દાતાર થઈ પરિણમે છે, ને આત્મા જ તેને ઝીલનારો મહાન પાત્રરૂપે થાય છે. માટે હે ભાઈ! રાગની દ્રષ્ટિ છોડી, તારા દ્રવ્ય સન્મુખ દ્રષ્ટિ કર, તને જ્ઞાન, આનંદ આદિ અદ્ભુત નિધાનનાં દાન મળશે.
અહા! આ સંપ્રદાનશક્તિમાં સ્વદ્રવ્ય એવો નિજ શુદ્ધાત્મા જ સુપાત્રપણે નક્કી કર્યો. શાનો? કે સમ્યગ્દર્શનથી માંડીને સિદ્ધપદનો. અહાહા...! એ સમ્યગ્દર્શનાદિનો દાતાર પણ આત્મા અને તે ક્ષણે તેના પાત્ર થઈને લેનાર પણ આત્મા. અહા! દાતારનું આવું સુપાત્રદાન! અહો! આત્માનાં અતીન્દ્રિય આનંદનાં અલૌકિક દાન! આનાથી ઊંચું જગતમાં કોઈ દાન નથી. ધર્મીને ચાર દાન કહ્યાં એ તો વ્યવહારથી સમજવા યોગ્ય છે. સમજાણું કાંઈ...?
ભાઈ, તને વ્યવહારનો-શુભભાવનો પક્ષ છે પણ એ તો અજ્ઞાનભાવ છે. એનાં દાન ન હોય પ્રભુ! એ દાન નહિ, એનો આત્મા દાતાર નહિ, ને એનું સુપાત્ર પણ આત્મા નહિ. એ તો પર્યાયમાં અદ્ધરથી ઉત્પન્ન થતો ભાવ છે, આત્મા તેનો માલિક જ નથી ત્યાં દાન-દાતાર-પાત્રની સ્થિતિ જ કયાં રહે છે?
સમયસારની ૧૧મી ગાથાના ભાવાર્થમાં કહ્યું છેઃ “પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિ કાળથી જ છે. અને એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. વળી જિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધનયનો હસ્તાવલંબ જાણી બહુ કર્યો છે; પણ એનું ફળ સંસાર જ છે” લ્યો, આ વ્યવહારના પક્ષનું ફળ! અહીં તો સંસારને છેદવાની-મટાડવાની વાત છે. વ્યવહારભાવ દેવો-લેવો તે