૨૧૨ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧ પરમાત્મસ્વરૂપ પૂર્ણ વિજ્ઞાનઘન વસ્તુ હું છું એમ જાણવામાં આવ્યું, સાથે એની પ્રતીતિ થઈ. જો પ્રતીતિ ન થાય તો આ સિદ્ધ સમાન કારણપરમાત્મા હું ભગવાન સ્વરૂપ છું એ કયાં રહ્યું? એક વાર એક પ્રશ્ન થયેલોઃ
પ્રશ્નઃ– મહારાજ! આપ ત્રિકાળી ધ્રુવ વસ્તુને કારણપરમાત્મા કહો છો; જો તેવો કારણપરમાત્મા હોય તો તેનું કાર્ય આવવું જોઈએ ને? કારણપરમાત્મા તો મોજુદ છે, પણ તેનું સમ્યગ્દર્શનરૂપી કાર્ય તો છે નહિ, માટે તેને કારણપરમાત્મા કેમ કહેવાય? ત્યારે અમે જવાબ દીધેલો કે-
ઉત્તરઃ– ભાઈ, જેને કારણપરમાત્મા પ્રતીતિમાં આવ્યો તેને તે કારણપરમાત્મા છે. જેને પ્રતીતિમાં આવ્યો નથી તેને કારણપરમાત્મા કયાં છે? સમજાય છે? કારણપરમાત્મા ત્રિકાળી અનંતગુણસ્વરૂપ ભગવાન તો અનાદિથી છે, પણ તેનો પર્યાયમાં ભાસ થયા વિના કારણપરમાત્મા છે એ વાત કયાં રહી? મિથ્યા શ્રદ્ધાવાળાને કારણપરમાત્માની શ્રદ્ધા નથી; તેને તો બહારમાં રાગ અને પર્યાયની શ્રદ્ધા છે. સમ્યગ્દ્રષ્ટિને જ કારણપરમાત્માની શ્રદ્ધા છે. આજ શાસ્ત્રની ૧૭-૧૮ ગાથાની ટીકામાં એમ કહ્યું છે કે-અજ્ઞાનીની જ્ઞાન-પર્યાયમાં પણ પર્યાયનો સ્વભાવ સ્વપરપ્રકાશક હોવાથી, સ્વજ્ઞેય જાણવામાં આવે છે, પણ તેની દ્રષ્ટિ ત્યાં સ્વદ્રવ્ય પર નથી; માટે તેના જ્ઞાનમાં જણાતો હોવા છતાં તેની પર્યાયમાં કારણપરમાત્મા આવ્યો નહિ. દ્રવ્ય જ્ઞાનમાં જણાવા છતાં દ્રવ્ય ઉપર દ્રષ્ટિ નહિ હોવાથી પર્યાયમાં દ્રવ્ય આવ્યું નહિ.
ભાઈ, રાગ અને પર્યાયને જે પોતાનું સ્વ માને છે તે બહિરાત્મા છે, કેમકે પર્યાય તે બહિર્તત્વ છે, ને વસ્તુ છે તે અંતઃતત્ત્વ છે. એક સમયની પર્યાય ઉપર જેની દ્રષ્ટિ છે તે બહિદ્રષ્ટિ બહિરાત્મા છે, ને ભગવાન જ્ઞાયકનો જેણે અંતરમાં સ્વીકાર કર્યો તે અંતરાત્મા થયો. સમ્યગ્દર્શન-જ્ઞાન-આનંદરૂપ જે સ્વના ભવનરૂપ ભાવ છે તે જ મારું સ્વ છે ને હું તેનો સ્વામી છું, આ સિવાય બીજું કાંઈ મારું સ્વ નથી, ને બીજા કોઈનો હું સ્વામી નથી-એમ તેને હવે નિર્ણય થયો છે. જુઓ આ સંબંધશક્તિ! પરથી સંબંધ હોવાનું નિષેધીને આ સંબંધશક્તિ સ્વમાં એકતા સ્થાપિત કરે છે.
પણ અરે! અજ્ઞાનીની દ્રષ્ટિ બહાર પર અને પર્યાય પર હોય છે. નિયમસારના શુદ્ધભાવ અધિકારમાં આવે છે કે-જીવાદિ સાત તત્ત્વ બહિર્તત્વ છે. ત્યાં જીવાદિ એટલે જીવની પર્યાય સમજવી. જીવાદિ બહિર્તત્વ હેય છે અને પોતાનો આત્મા જે એક જ્ઞાયકભાવમાત્ર છે તે ઉપાદેય છે. નિર્મળ પર્યાયને પણ ત્યાં બહિર્તત્વ કહેવામાં આવેલ છે. સંવર, નિર્જરા આદિ પર્યાય છે તેને ત્યાં બહિર્તત્વ કહી છે, હેય કહી છે. ત્યાં પ્રયોજનવશ નવે તત્ત્વની બધી પર્યાયને હેય કહી છે, ને એક અંતઃતત્ત્વ સ્વદ્રવ્યને જ આશ્રય કરવાયોગ્ય ઉપાદેય કહ્યું છે. હવે આ સાંભળવાય ન મળે તેને કે દિ’ તેનું જ્ઞાન થાય, ને કયારે તે અંતરમાં ઉતરે? આ સમજ્યા વિના તારું બધું થોથાં છે ભાઈ. આ દયા, દાન, વ્રત ઇત્યાદિના વિકલ્પ બધું થોથાં છે ભગવાન!
ત્યાં કહે છે-દયા, દાન ઇત્યાદિ જે વિકલ્પ છે તે તો હેય છે, પણ દ્રવ્યદ્રષ્ટિ કરતાં જે સંવર નિર્જરાની નિર્મળ પર્યાય પ્રગટ થઈ તેય હેય છે. સંવર એટલે ચારિત્ર. ભગવાન આનંદસ્વરૂપમાં રમણતા કરતાં જે ચારિત્રની પર્યાય પ્રગટ થઈ તે ચારિત્ર દશા હેય છે, કેમકે પર્યાયના લક્ષે રાગ ઉત્પન્ન થાય છે. પર્યાયનું લક્ષ છોડાવી એક જ્ઞાયકનું જ લક્ષ કરાવવાનું પ્રયોજન છે તેથી ત્યાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની દશાને હેય કહી છે, પરદ્રવ્ય કહી છે. શ્રીમદ્ રાજચંદ્રજીને તત્ત્વદ્રષ્ટિ હતી. તેમણે એક વાર કહેલું-‘અરે, આ નાદ કોણ સાંભળશે? કોણ હા પાડશે? પરમાત્માનો આ નાદ છે.
લોકોએ બહારનું બધું માન્યું છે. વ્રત કરે, ને તપસ્યા કરે પણ એ સંસારના નાશનો ઉપાય નથી. અંદર સ્વભાવમાત્ર કારણપરમાત્મા છે, પણ જે તેની પ્રતીતિ ને જ્ઞાન કરે તેને ને? ત્રિકાળી જ્ઞાયક સ્વભાવ તે પોતાનું સ્વ છે, પણ જે તેનો આશ્રય કરીને જાણે તેને તે સ્વ છે. સ્વનું ભાન થાય, સમ્યગ્દર્શન-જ્ઞાન થાય ત્યારે તે સ્વ-ભાવ છે એમ કહેવાય.
અરે! આ લોકમાં પોતાનું શું છે ને કોની સાથે પોતાને પરમાર્થ સંબંધ છે તેના ભાન વિના, પરને જ પોતાનું માનીને જીવ સંસારમાં અનંત કાળથી રખડી મરે છે. તે પરને પોતાનું કરવા નિરંતર ઉદ્યમશીલ રહે છે, પણ પરદ્રવ્ય કદીય પોતાનું થઈ શકતું નથી, તેથી મોહમુગ્ધ એવો તે દુઃખી જ દુઃખી થાય છે.
અહા! જો પરને પરરૂપે જાણે ને સ્વને સ્વ-રૂપે જાણે તો અવશ્ય તે પોતાના સ્વરૂપની-સ્વભાવમાત્ર વસ્તુની-એકાગ્રતાથી સુખી જ થાય.
ત્રિકાળી એક જ્ઞાયકસ્વભાવ પ્રભુ આત્મા તે સ્વ, અને તેના ભાવનું ભવન-જેમાં આ સ્વ છે એમ ભાન થયું તે સ્વ-ભાવ છે. આ રીતે ચૈતન્યદ્રવ્ય, તેના ગુણ અને તેની શુદ્ધ પરિણતિ પ્રગટ થઈ તે પોતાનું સ્વ, અને તેની સાથે ધર્મી