‘સ્વભાવમાત્ર સ્વ-સ્વામિત્વમયી સંબંધશક્તિ. (પોતાનો ભાવ પોતાનું સ્વ અને પોતે તેનો સ્વામી-એવા સંબંધમયી સંબંધશક્તિ).
જુઓ, આ શક્તિનો અધિકાર છે. શક્તિ એટલે ગુણ. ભગવાન આત્મામાં અનંત ગુણ છે. આ અનંત ગુણ- પ્રત્યેક ભિન્ન હોવા છતાં એકેક ગુણનું બીજા અનંતમાં રૂપ છે. તેમાં એક શક્તિ એવી છે કે પોતે આત્મા સ્વસંવેદન- પ્રત્યક્ષ થાય. પોતાનું જ્ઞાન અને પોતાનો આનંદ સ્વસંવેદનમાં પ્રત્યક્ષ થાય એવો તેનો પ્રકાશ સ્વભાવ છે. તેમાં અધિકરણ ગુણનું રૂપ છે તે કારણથી તે શક્તિ પરના આધાર વિના પોતાના જ આધારે પોતાનું સ્વસંવેદન પ્રત્યક્ષ કરે છે. તે પોતાની સ્વયંસિદ્ધ દશા છે. વ્યવહાર રત્નત્રયના કારણે સ્વસંવેદન થાય છે એમ નથી.
‘સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ’ એ શ્રીમદ્નું વચન છે. રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં પણ આ વાત આવી છે. ચોથે ગુણસ્થાને જ્ઞાનાદિ ગુણોનો એકદેશ વ્યક્ત થાય છે. શ્રદ્ધા ગુણની સમ્યગ્દર્શનરૂપ પર્યાય વ્યક્ત થાય છે તેની સાથે જ્ઞાન ગુણની મતિ-શ્રુતરૂપ સમ્યગ્જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે, ચારિત્ર ગુણની સ્વરૂપાચરણની પર્યાય પ્રગટ થાય છે. પાંચમે, છઠ્ઠે ગુણસ્થાને વિશેષ ચારિત્ર હોય છે તે અહીં નથી, પણ ચારિત્રનો અંશ ચોથાથી શરુ થાય છે. આવી વસ્તુસ્થિતિ છે. પહેલાં એની યથાર્થ સમજણ કરવી જોઈએ, વિના સમજણ પ્રયોગ કેવી રીતે થાય? અંતર્મુખ થવાનો પ્રયોગ કરતા પહેલાં યથાર્થ સમજણ હોય છે, પછી એકાગ્રતારૂપ ધ્યાન દ્વારા સ્વાનુભવ પ્રગટ થાય છે. અહા! યથાર્થ સમજણ કરી અનંતગુણનો ભંડાર એવા આત્માનો જ્યાં આશ્રય લે છે ત્યાં ચોથા ગુણસ્થાને સમ્યગ્દર્શન સહિત સર્વ ગુણનો અંશ પ્રગટ થાય છે.
અહાહા...! અભેદ એક જ્ઞાયકભાવ સ્વરૂપ પ્રભુ આત્મા છે. તે સમ્યગ્દર્શનનો વિષય અને ધ્યેય છે. તે ધ્યેયની દ્રષ્ટિ-અંતર્મુખ દ્રષ્ટિ કરતાં સમ્યગ્દર્શનરૂપ પર્યાયની વ્યક્તતા થાય છે. આ મૂળ ચીજ છે, એને બદલે ‘સંયમ લો, સંયમ લો’-એમ કેટલાક પત્રોમાં લખાણ આવે છે. પણ અરે ભાઈ, સંયમ કોને કહેવાય? સમ્યગ્દર્શન શું ચીજ છે એની ખબર વિના સંયમ આવ્યો કયાંથી? માર્ગ જુદો છે બાપા! અનંત શક્તિનો પિંડ શક્તિવાન દ્રવ્ય અભેદ એક છે તેની દ્રષ્ટિ કરવાથી સમકિત સહિત અનંત શક્તિનો વ્યક્ત અંશ પર્યાયમાં પ્રગટ થાય છે. અહા! જેમ પાણીનો ઘડો ભર્યો હોય ને છલકાય તેમ જ્ઞાનમાત્રભાવની અંદર અનંત શક્તિઓનું ઊછળવું થાય છે એનું નામ સમકિત છે. ભાઈ, આવા સમકિત વિના વ્રતાદિ કાંઈ જ નથી. એ તો થોથાં છે થોથાં ભગવાન!
આ સમયસારમાં શક્તિનું વર્ણન દ્રષ્ટિની પ્રધાનતાથી છે. પ્રવચનસારમાં જે ૪૭ નયનું વર્ણન છે તે જ્ઞાનની પ્રધાનતાથી છે. શક્તિ ૪૭, નય ૪૭, ભૈયા ભગવતીદાસ રચિત નિમિત્ત-ઉપાદાનના દોહા ૪૭, અને ચાર ઘાતિકર્મની પ્રકૃતિ પણ ૪૭ છે. આ ૪૭ શક્તિનું સ્વરૂપ યથાર્થતાથી સમજે તેને ૪૭ પ્રકૃતિનો નાશ થાય છે. કર્મપ્રકૃતિનો નાશ કહેવો એ તો વ્યવહાર છે, વાસ્તવમાં તેને અનંતજ્ઞાનાદિ પ્રગટ થાય છે.
અહા! આચાર્ય અમૃતચંદ્રસ્વામીએ ૪૭ શક્તિનું આમાં અજબ વર્ણન કર્યું છે. જીવત્વશક્તિથી શરૂ કર્યું છે. શક્તિની આવી વાત શ્વેતાંબર આદિ બીજે કયાંય નથી. આ તો કેવળજ્ઞાનની કેડીએ ચાલનારા સંતોએ અમૃત પીરસ્યાં છે. ભગવાનની દિવ્યધ્વનિનો આ સાર છે. અત્યારે છેલ્લી સંબંધશક્તિનું વર્ણન ચાલે છે. કહે છે- ‘સ્વભાવમાત્ર સ્વ-સ્વામિત્વમયી સંબંધશક્તિ છે’. જ્ઞાન, દર્શન, આનંદ આદિ અનંત ગુણ અને તેનું ભવન નામ પરિણમન તે સ્વભાવમાત્ર સ્વવસ્તુ છે; કેમકે આ સ્વભાવ છે એમ તેની પરિણતિમાં ભાન થયા વિના આ સ્વભાવ છે એ વાત કયાંથી આવી? આમ દ્રવ્ય-ગુણ અને તેની નિર્મળ પરિણતિ તે સ્વભાવમાત્ર સ્વ છે, અને તેના સ્વામિત્વમયી સંબંધશક્તિ છે.
અહાહા...! અનંતગુણરૂપી સ્વભાવનું સ્વામિત્વ કયારે થાય? કે જ્યારે પર્યાયમાં પરિણમન થાય ત્યારે આ સ્વ-સ્વભાવમય પોતાની પૂર્ણ વસ્તુ છે એમ ભાન થયું તો સ્વ-સ્વામિત્વમયી સંબંધશક્તિની પર્યાય નો અંશ પ્રગટ થાય છે. ત્યારે દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં સંબંધશક્તિનું વ્યાપકપણું થાય છે. અહીં ‘સ્વભાવમાત્ર સ્વ’ એમ કહ્યું છે એમાં એકલા ત્રિકાળીની વાત નથી. ત્રિકાળીનું પર્યાયમાં ભાન થયું તો ત્રિકાળી દ્રવ્ય, અનંત ગુણ અને તેની નિર્મળ નિર્વિકારી પર્યાય-ત્રણે સ્વભાવમાત્ર છે અને એ ત્રણેમાં સ્વ-સ્વામિત્વમયી સંબંધશક્તિનું વ્યાપકપણું થાય છે.
ભગવાન આત્મા ચૈતન્ય લક્ષણે લક્ષિત છે. જ્ઞાનની વર્તમાન પર્યાય સ્વજ્ઞેયને જાણતી પ્રગટ થઈ તેમાં આ