૨૧૦ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧ સેનાપતિ રડવા લાગ્યો. સીતાજી કહે-અરે, આ શું થયું? સેનાપતિજી, તીર્થવંદનાના આનંદના પ્રસંગે આપ આમ કેમ રડો છો? સેનાપતિ રડતાં રડતાં કહે-માતાજી, જેમ મુનિવરો રાગ પરિણતિને છોડે તેમ શ્રીરામે લોકાપવાદના ભયથી તમને આ જંગલમાં એકલાં છોડી દેવાની આજ્ઞા કરી છે. સેનાપતિના આ શબ્દો સાંભળીને સીતાજી બેચેન-બેબાકળાં થઈ મૂર્ચ્છિત થયાં. પછી હોશમાં આવ્યાં તો રામચંદ્રજીને સંદેશો કહેવડાવ્યો કે-“હે સેનાપતિ! મારા રામને કહેજે કે લોકાપવાદના ભયથી મને તો છોડી, પણ જિનધર્મને ન છોડશો. અજ્ઞાની લોકો જિનધર્મની નિંદા કરે તો તે નિંદાના ભયથી સમ્યગ્દર્શનને કદી ન છોડશો...” જુઓ આ ધર્માત્માની અંતર-પરિણતિ! ધર્મના આધારભૂત સ્વભાવ અંતરમાં ભાવ્યો છે તો સંદેશામાં કહે છે-સ્વભાવના આધારે પ્રગટ સમ્યગ્દર્શનને લોકનિંદાના ભયથી મા છોડશો. અહાહા...! ધર્મનો આધાર એવા નિજ ચિન્માત્ર ચિદાનંદ પ્રભુને દ્રષ્ટિમાં રાખ્યો છે તો ભયાનક વનમાં પણ સીતાજી ભયભીત નથી. રામનો ભલે વિયોગ હો, પણ અંદર આતમરામ છે તે હાજરાહજૂર છે. સીતાજીના જ્ઞાન-શ્રદ્ધાનમાં નિજ આતમરામનો આધાર નિરંતર વર્ત્યા જ કરે છે. અહા! આતમરામનું શરણ મળ્યું તે અશરણ નથી. તે તો વનમાં પણ પોતાના આત્માના આધારે નિઃશંક અને નિર્ભય જીવન જીવે છે, દર્શન-જ્ઞાન-ચારિત્રમય જીવન જીવે છે. સમજાણું કાંઈ...?
અહાહા...! આત્મામાં એક જીવત્વશક્તિ ત્રિકાળ છે. તેનું કાર્ય શું? જ્ઞાન, દર્શન, આનંદ, સત્તા-એવા ભાવપ્રાણરૂપ જીવનનું કાર્ય એમાં થાય છે. આત્માના આધારે પ્રગટ ભાવપ્રાણ તે આત્માનું જીવન છે. શરીરથી જીવવું એ જીવન નથી. ‘જીવો ને જીવવા દો’ એમ સૂત્ર બોલે છે ને! પણ એ જિનસૂત્ર-જિનવાણી નથી. જે દર્શન-જ્ઞાન- ચારિત્રમાં સ્થિત થઈ રહ્યો છે તે ધર્માત્માનું જીવન છે, તે સ્વસમય છે. રાગથી જીવવું, દેહથી જીવવું, અશુદ્ધ પ્રાણથી જીવવું તે આત્મજીવન નથી, વાસ્તવમાં એ તો આત્મ-ઘાત છે. આ દસ દ્રવ્યપ્રાણ છે એ તો જડ છે. તેના આધારે જીવ જીવતો નથી. શું કહીએ? વાતે વાતે ફેર છે!
એક લાખે તો ના મળે, એક ત્રાંબિયાના તેર.
પરમાત્મા કહે છે-તારે ને મારે વાતે વાતે ફેર છે, તારી દ્રષ્ટિ ઊંધી છે માટે કોઈ વાતે મેળ ખાતો નથી.
અહા! ભાવ્યમાન ભાવનો આધાર થાય તેવી આત્માની નિજ શક્તિ છે. જેમ નિરાલંબી આકાશને અન્ય કોઈ આધાર નથી, તેમ નિરાલંબી ચૈતન્ય પ્રભુને બીજો કોઈ આધાર નથી. ચૈતન્યના ભાવોને નિજ ચૈતન્ય પ્રભુનો એકનો જ આધાર છે, એવી જ આત્માની અધિકરણશક્તિ છે. ગજબ વાત છે ભાઈ! પોતાના શુદ્ધ ચૈતન્યનો આધાર ચૂકીને જેઓ બહારમાં પોતાનો આધાર શોધે છે તે બહિદ્રષ્ટિ જીવો બહારમાં ભલે મોટા શેઠ હોય તોય તેઓ રાંકા- ભિખારા જ છે, કેમકે બીજા પાસેથી તેઓ પોતાના જ્ઞાન ને આનંદની ભીખ માગે છે. અને સમકિતીને બહારમાં કદાચ દરિદ્રતા હોય તોય શું? ‘મારા સુખનો આધાર હું જ છું, મારે કોઈ બીજાની જરૂર નથી’-એવી સ્વભાવદ્રષ્ટિ વડે તે નિરંતર અનાકુળ અતીન્દ્રિય સુખનો ભોગવનારો થાય છે.
જુઓ, કેવળજ્ઞાન ભાવ્યમાન ભાવ છે, તેના આધારપણામય આત્માની અધિકરણશક્તિ છે. અહાહા...! સર્વજ્ઞત્વ અને સર્વદર્શિત્વ પ્રગટયું તેનો આધાર કોણ? શું વજ્રવૃષભનારાચ સંહનન હોય તે તેનો આધાર છે? ના, તે આધાર નથી. દેહનું અધિકરણ આત્મા, ને આત્માનું અધિકરણ દેહ-એમ નથી. કેવળજ્ઞાનનું અધિકરણ વજ્ર શરીર નથી. જો તે શરીર કેવળજ્ઞાનનો આધાર હોય તો શરીર વિના કેવળજ્ઞાન રહી કેમ શકે? પણ ભગવાન સિદ્ધને સદાય કેવળજ્ઞાન આદિ વર્તે છે, ને શરીર વર્તતું નથી. માટે શરીર કેવળજ્ઞાનનો આધાર નથી, આત્મા જ એક કેવળજ્ઞાનનો આધાર છે. વજ્રવૃષભનારાચ સંહનન હોતાં કેવળજ્ઞાન પ્રગટ થાય છે એમ કહ્યું હોય તે વ્યવહારનયનું કથન ઉપચારમાત્ર જાણવું. (ભિન્ન આધારની બુદ્ધિ છોડી સ્વદ્રવ્યના આશ્રયમાં રહેવું.)
અહા! એકેક પર્યાયમાં ષટ્કારક છે. અધિકરણશક્તિ પ્રગટ થઈ તે ષટ્કારકથી પ્રગટ થઈ છે. કારકો અનુસાર થવાપણારૂપ જે ભાવ તે-મયી ક્રિયાશક્તિની વાત આવી ગઈ છે. અહો! આ તો અલૌકિક મંત્રો છે. આ વાત સંપ્રદાયમાં કયાંય છે નહિ. દિગંબરમાં છે, પણ એનો અર્થ કરવામાં ગોટા ઉઠાવ્યા છે. પણ અહો! વીતરાગી મુનિવરોએ રામબાણ માર્યાં છે. અધિકરણ જેનો ગુણ છે એવા આત્માને ઉપાદેય કરતાં ગુણનું પરિણમન થાય છે, ભેગું અનંતા ગુણનું પરિણમન થાય છે. આ ધર્મ ને આ મોક્ષમાર્ગ છે, અને એનું ફળ મોક્ષ છે. માટે હે ભાઈ! રાગને હેય જાણી તું નિજ સ્વભાવને ઉપાદેય કર, તેથી વીતરાગતા ને સુખ પ્રગટ થશે, કેમકે આત્મસ્વભાવ જ તેનું અધિકરણ છે.
આ પ્રમાણે અહીં અધિકરણશક્તિનું વર્ણન પૂરું થયું.