Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4133 of 4199

 

૨૧૪ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧ આત્માની શુદ્ધ પરિણતિ જ્યાં જાગૃત થઈ ત્યાં ‘હું આનંદકંદ એક જ્ઞાયક પ્રભુ છું, તે મારું સ્વ ને હું તેનો સ્વામી છું’-એમ તેને સ્વ-સ્વામી સંબંધ પ્રગટ થાય છે. બેનના વચનામૃતમાં આવે છે ને કે-‘જાગતો જીવ ઉભો છે, તે કયાં જાય? જરૂર પ્રાપ્ત થાય.’ જાગતો જીવ એટલે ધ્રુવ એક જ્ઞાયકભાવ-તેની દ્રષ્ટિ કર્યે તે જરૂર પ્રાપ્ત થાય. આત્મામાં શક્તિ જાગી (-પરિણમી) ત્યાં આખોય આત્મા જાગી ગયો. પહેલાં રાગની એકતામાં મૂર્ચ્છિત હતો તે હવે એક જ્ઞાયકભાવની એક્તામાં જાગૃત થયો. તેના દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં સ્વ-સ્વામીપણાનો સંબંધ સ્થાપિત થયો. હવે તેને રાગાદિ સાથે સ્વ-સ્વામિત્વ સંબંધ નથી.

તો વ્યવહાર રત્નત્રયના પરિણામ તો એને છે? હા, છે; પણ વ્યવહાર રત્નત્રયના પરિણામ સાથે સ્વ-સ્વામિત્વ સંબંધ નથી. તેની સાથે જ્ઞેય-જ્ઞાયક સંબંધ વ્યવહાર-માત્રથી છે. તે રાગના પરિણામને પરજ્ઞેયપણે માત્ર જાણે છે. બસ. સમજાણું કાંઈ...?

નિયમસારમાં નિર્મળ પર્યાયને પરદ્રવ્ય, અને હેય કહી છે. ત્યાં અપેક્ષા જુદી છે. ત્યાં ઉપાદેય તત્ત્વ જે સમ્યગ્દર્શનનો વિષય છે એવો એક જ્ઞાયકભાવ સિદ્ધ કરવો છે, ને પર્યાયનું લક્ષ મટાડવું છે; તો નિર્મળ પર્યાયને પરદ્રવ્ય અને હેય કહી. અહીં સંબંધશક્તિમાં જીવનો વાસ્તવિક સંબંધ કોનાથી છે એ સિદ્ધ કરવું છે, તો દ્રવ્ય-ગુણ ને તેની નિર્મળ પર્યાય જ પોતાનું સ્વ છે, ને પોતે તેનો જ સ્વામી છે, પરનો ને રાગનો નહિ-એમ સિદ્ધ કર્યું છે. હવે સત્ય વાત સાંભળે નહિ ને રાગ-દ્વેષની-એકલી પાપની-મજુરીમાં આવી જિંદગી વેડફી નાખે! અરે ભાઈ, એમાં તને ભારે નુકશાન છે. બહારની ક્રિયા તો તું કરતો (કરી શકતો) નથી, ને પુણ્ય-પાપના વિકલ્પોની મજુરી કર્યા કરે છે પણ એથી તો તને અનંત સંસાર ફળશે; કોણ જાણે કયાંય નર્ક-નિગોદમાં ચાલ્યો જઈશ.

પ્રશ્નઃ– હા, પણ આત્માને કર્મ સાથે તો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે ને? ઉત્તરઃ– ના; પોતાના સ્વભાવ સાથે જ સ્વ-સ્વામિત્વ સંબંધ જેને પ્રગટ થયો, એક જ્ઞાયકભાવના એકત્વપણે જે પરિણમ્યો એવા ધર્મી પુરુષને કર્મ સાથેના નિમિત્ત-નૈમિત્તિક સંબંધનો વિચ્છેદ થતો જાય છે. જેને સ્વભાવની દ્રષ્ટિ થઈ નથી એવો મિથ્યાદ્રષ્ટિ જીવ જ કર્મ સાથેના નિમિત્ત-નૈમિત્તિક સંબંધે પરિણમે છે. જેને નિજ સ્વભાવ-એક જ્ઞાયકભાવ સાથે એકપણું થયું. જ્ઞાયક સાથે જ એકાકાર થઈ જે પરિણમ્યો તેને હવે કર્મનું નિમિત્તપણું છુટતું જાય છે. સાધકને તો પોતાના સ્વભાવમાં જેમ જેમ એક્તાનું પરિણમન દૃઢ થતું જાય છે તેમ તેમ કર્મનો સંબંધ તૂટતો જાય છે, ને ક્રમશઃ પૂર્ણ ભાવને પ્રાપ્ત થઈ કર્મના સંબંધ રહિત થઈ જાય છે, સિદ્ધપદને પ્રાપ્ત થાય છે.

અહા! સમકિતીને કર્મનું ને રાગનું સ્વામિત્વ નથી. એ તો સ્વ-સ્વભાવના સ્વામી છે. પોતાના દ્રવ્ય-ગુણ ને દ્રવ્યના આશ્રયે પ્રગટેલી નિર્મળ રત્નત્રયની દશા-તેના જ તે સ્વામી છે, ને તે જ એનું સ્વ છે. કર્મના ને કર્મજનિત રાગનો સ્વામી થાય તે તો મિથ્યાદ્રષ્ટિ છે. લ્યો, હવે લોકો કહે છે કે-વ્યવહારની ક્રિયા કરો, એમ કરતાં કરતાં ધર્મ થશે, વ્યવહાર રત્નત્રયથી નિશ્ચય રત્નત્રય થશે, સરાગ સંયમ પાળતાં વીતરાગી સંયમ થશે; પણ ભાઈ, આવી જે પ્રરૂપણા છે એ તો સ્વરૂપનો ઘાત કરનારી છે. આત્માને જ્યાં રાગનું સ્વામિત્વ જ નથી ત્યાં રાગથી આત્માનો ધર્મ કેમ પ્રગટ થશે? ભગવાનની વાણીમાં તો આ આવ્યું છે કે વીતરાગ પરિણતિથી જ ધર્મદશા ઉત્પન્ન થાય છે, અને તે વિતરાગ પરિણતિ સ્વદ્રવ્યના આશ્રયે જ ઉત્પન્ન થાય છે. કર્મના આશ્રયે કે વ્યવહાર-રત્નત્રયના આશ્રયે વીતરાગ પરિણતિ ઉપજે એ ત્રણકાળમાં સત્ય નથી. અહા! ધર્મી જીવ પર સાથે જરાય સંબંધ માનતા નથી.

સમયસાર ગાથા ૨૦૭-૨૦૮ ની ટીકામાં આવ્યું છે કે- “જે જેનો સ્વ ભાવ છે તે તેનું સ્વ છે. અને તે તેનો (સ્વભાવનો) સ્વામી છે-એમ સૂક્ષ્મ તીક્ષ્ણ તત્ત્વદ્રષ્ટિના આલંબનથી જ્ઞાની (પોતાના) આત્માને જ આત્માનો પરિગ્રહ નિયમથી જાણે છે, તેથી ‘આ મારું સ્વ નથી, હું આનો સ્વામી નથી’ એમ જાણતો થકો પરદ્રવ્યને પરિગ્રહતો નથી.”

વળી જ્ઞાની કહે છે કે-“જો અજીવ પરદ્રવ્યને હું પરિગ્રહું તો અવશ્યમેવ તે અજીવ મારું સ્વ થાય, હું પણ અવશ્યમેવ તે અજીવનો સ્વામી થાઉં; અને અજીવનો જે સ્વામી તે ખરેખર અજીવ જ હોય. એ રીતે અવશે (લાચારીથી) પણ મને અજીવપણું આવી પડે. મારું તો એક જ્ઞાયક ભાવ જ જે સ્વ છે, તેનો જ હું સ્વામી છું; માટે મને અજીવપણું ન હો, હું તો જ્ઞાતા જ રહીશ, પરદ્રવ્યને નહિ પરિગ્રહું.”