જુઓ ધર્માત્માની આ સૂક્ષ્મ તત્ત્વદ્રષ્ટિ! જેમ ભેંસનો પતિ પાડો હોય તેમ, કહે છે, જડનો પતિ જડ જ હોય. પણ હું તો એક જ્ઞાયક ભાવ છું, ને જ્ઞાયક જ રહીશ અર્થાત્ જ્ઞાયકના સ્વામીપણે જ રહીશ. લ્યો, આવી વાત! ધર્મી જીવ માત્ર પોતાના સ્વ-સ્વભાવમાં જ સ્વ-સ્વામિત્વ જાણે છે, શરીર, કર્મ, કે રાગાદિ સાથે સ્વ-સ્વામિત્વ સ્વીકારતા નથી. ધર્મીને વર્તમાન દશામાં કિંચિત્ રાગ છે, પણ તેના અભિપ્રાયમાં ‘રાગ તે હું’ એવી રાગની પકડ નથી; ‘એક જ્ઞાયક ભાવ જ હું-એવી સ્વભાવની જ પકડ છે.
સમ્યગ્દ્રષ્ટિનો સ્વ-સ્વામિત્વ સંબંધ પોતાના સ્વરૂપમાં જ સમાય છે. તેથી નિર્મળ ત્રિકાળી દ્રવ્ય-ગુણ અને તેની નિર્મળ, પવિત્ર પરિણતિ-એ ત્રણે જે પોતાનો ભાવ છે તે તેનું સ્વ છે, ને તેનો જ તે સ્વામી છે. જ્ઞાની ધર્માત્મા પુરુષને ‘રાગ મારું સ્વ ને રાગનો હું સ્વામી’ એવો સંબંધ છે જ નહિ. તેને વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ આવે છે, પણ તે જ્ઞેય-જ્ઞાયકરૂપ વ્યવહારના સંબંધમાં જાય છે. રાગ તે પરજ્ઞેય છે, પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાય તે સ્વજ્ઞેય છે; શુદ્ધ આત્મદ્રવ્ય સ્વજ્ઞેય છે, તે ઉપાદેય છે, ને રાગ પરજ્ઞેય છે, તેનો ધર્મી જીવ જ્ઞાતા માત્ર છે. રાગ પરજ્ઞેય-બસ એટલો વ્યવહાર સંબંધ છે, તેની સાથે હવે ધર્મીને બીજો કોઈ સંબંધ નથી. અહાહા...! અંદર મીઠો મહેરામણ અમૃતનો નાથ પ્રભુ આત્મા ઝુલે છે, તેમાંથી અમૃત ઝરે છે તેનો સ્વાદ કર; રાગ છે એ તો ઝેરનો સ્વાદ છે, જ્ઞાની તેના સ્વાદના સ્વામી થતા નથી.
જુઓ, રત્નત્રયના નિર્મળ પરિણામ તે મારું સ્વ ને હું તેનો સ્વામી, એક જ્ઞાયક ભાવ તે મારું સ્વ, ને હું તેનો સ્વામી-એમ સ્વ-સ્વામીરૂપ ભેદ-વિકલ્પની આ વાત નથી. વાસ્તવમાં ધર્મીને દ્રવ્ય-પર્યાયની એકતારૂપ પરિણમન થયું છે એની આ વાત છે. પોતે પોતાના સ્વભાવ સાથે જ સંબંધ રાખીને તેનાથી જ એક્તારૂપે પરિણમે, તેમાં જ લીનતા કરી પરિણમે એવો આત્માનો સ્વભાવ છે, ને તે જ એની શોભા છે, સુંદરતા છે. પરના સંબંધથી આત્માને ઓળખવો એ તો કલંક છે; લૌકિકમાં પણ એને કલંક કહે છે, માટે હે ભાઈ! પરના સંબંધથી વિરિત્ત થઈને તારા એક જ્ઞાયક ભાવમાં જ એકત્વ કર. એક જ્ઞાયક ભાવમાં એકત્વ પામતાં અંદર નિર્મળ રત્નત્રય પાકશે. તે તારો સ્વ-ભાવ છે, ને તું તેનો સ્વામી છો. આ સિવાય બીજા કોઈ સાથે તારે સ્વ-સ્વામીપણાનો સંબંધ છે નહિ. લ્યો, આવી વાત!
આ પ્રમાણે છેલ્લી આ સંબંધશક્તિનું વર્ણન પૂરું થયું.
‘ઇત્યાદિક અનેક શક્તિઓથી યુક્ત આત્મા છે તોપણ તે જ્ઞાનમાત્રપણાને છોડતો નથી’ -એવા અર્થનું કળશરૂપ કાવ્ય હવે કહે છેઃ-
यो ज्ञानमात्रमयतां न जहाति भावः ।
एवं क्रमाक्रमविवर्तिविवर्तचित्रं
શ્લોકાર્થઃ– [इत्यादि–अनेक–निज–शक्ति–सुनिर्भरः अपि] ઇત્યાદિ (-પૂર્વે કહેલી ૪૭ શક્તિઓ વગેરે વગેરે) અનેક નિજ શક્તિઓથી સારી રીતે ભરેલો હોવાં છતાં [यः भावः ज्ञानमात्रमयतां न जहाति] જે ભાવ જ્ઞાનમાત્રમયપણાને છોડતો નથી, [तद्] એવું તે, [एवं क्रम–अक्रम–विवर्ति–विवर्त–चित्रम्] પૂર્વોક્ત પ્રકારે ક્રમરૂપે અને અક્રમરૂપે વર્તતા વિવર્તથી (-રૂપાંતરથી, પરિણમનથી) અનેક પ્રકારનું, [द्रव्य–पर्ययमयं] દ્રવ્યપર્યાયમય [चिद्] ચૈતન્ય (અર્થાત્ એવો તે ચૈતન્યભાવ-આત્મા) [इह] આ લોકમાં [वस्तु अस्ति] વસ્તુ છે.
ભાવાર્થઃ– કોઈ એમ સમજશે કે આત્માને જ્ઞાનમાત્ર કહ્યો તેથી તે એકસ્વરૂપ જ હશે. પરંતુ એમ નથી. વસ્તુનું સ્વરૂપ દ્રવ્યપર્યાયમય છે. ચૈતન્ય પણ વસ્તુ છે, દ્રવ્યપર્યાયમય છે. તે ચૈતન્ય અર્થાત્ આત્મા અનંત