૨૧૬ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧ શક્તિઓથી ભરેલો છે અને ક્રમરૂપ તથા અક્રમરૂપ અનેક પ્રકારના પરિણામના વિકારોના સમૂહરૂપ અનેકાકાર થાય છે તોપણ જ્ઞાનને-કે જે અસાધારણ ભાવ છે તેને-છોડતો નથી, તેની સર્વ અવસ્થાઓ-પરિણામો-પર્યાયો જ્ઞાનમય જ છે. ૨૬૪.
શક્તિઓથી સારી રીતે ભરેલો હોવા છતાં... ,
વાસણમાં દૂધની જેમ આત્મા નિજશક્તિઓથી ભરપુર ભરેલો છે?
ના, દૂધમાં જેમ ધોળપ ભરેલી છે, વા સાકરમાં જેમ ગળપણ ભરેલું છે તેમ ભગવાન આત્મા નિજ શક્તિઓથી ભરપુર ભરેલો છે. અહાહા...! ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મા અનંતશક્તિમય જ છે. દૂધને વાસણ એ તો બે પૃથક્ ચીજ છે, એવું આમાં નથી. આત્મા અને શક્તિઓ અભેદ એકરૂપ છે; આત્મા શક્તિમય જ છે. સમજાય છે કાંઈ...?
અહાહા...! કહે છે-આમ અનંત શક્તિઓ-ગુણોથી સારી પેઠે ભરપુર ભરેલો હોવા છતાં ‘यः भावः ज्ञानमात्रमयतां न जहाति’ જે ભાવ જ્ઞાનમાત્રમયપણાને છોડતો નથી, ‘तद्’ એવું તે, ‘एवं क्रम–अक्रम–विवर्ति– विवर्त–चित्रम्’ પૂર્વોક્ત પ્રકારે ક્રમરૂપે અને અક્રમરૂપે વર્તતા વિવર્તથી (-રૂપાંતરથી, પરિણમનથી) અનેક પ્રકારનું, ‘द्रव्यपर्ययमयम्’ દ્રવ્યપર્યાયમય ‘चिद् ચૈતન્ય (અર્થાત્ એવો તે ચૈતન્યભાવ-આત્મા) ‘इद’ આ લોકમાં ‘वस्तु अस्ति’ વસ્તુ છે.
અહાહા...! જોયું? અનંત ગુણોથી ભરેલો હોવા છતાં જે ભાવ જ્ઞાનમાત્રપણાને છોડતો નથી અર્થાત્ જેના અક્રમે વર્તતા ગુણો ને ક્રમે વર્તતી પર્યાયોમાં જ્ઞાન વ્યાપક છે એવો ચૈતન્યભાવ વસ્તુ આત્મા છે. જુઓ, અહીં અક્રમે વર્તતા ગુણો અને ક્રમે વર્તતી પર્યાયો તે આત્મા કહીને પ્રમાણજ્ઞાન કીધું છે. અહા! પ્રત્યેક ગુણ-પર્યાયમાં જ્ઞાન વ્યાપક છે તેથી જ એને જ્ઞાનમાત્ર આત્મા કહ્યો છે. અહીં અક્રમે વર્તતા ગુણો ને ક્રમે વર્તતી પર્યાયો-એરૂપ જ્ઞાનમાત્ર વસ્તુ આત્મદ્રવ્ય લીધું છે કેમકે અનંત ગુણમાં-પ્રત્યેકમાં પ્રતિસમય રૂપાંતર-પરિણમન થવું તે એનો સ્વભાવ છે. આમ અક્રમે વર્તતા ગુણો ને ક્રમે વર્તતી-રૂપાંતર થતી પર્યાયો-એમ દ્રવ્યપર્યાયમય ચૈતન્યભાવ તે આત્મા છે; અને તે લોકમાં વસ્તુ છે. બે-દ્રવ્ય-પર્યાય બે થઈને એક વસ્તુ છે, બે ભિન્ન-ભિન્ન ચીજ નથી, બે થઈને બે વસ્તુ નથી.
અહાહા...! ભગવાન! તું કોણ છો? તો કહે છે-અનંત શક્તિઓથી ભરપુર ભરેલ જ્ઞાનમાત્ર વસ્તુ આત્મા છો. અહાહા...! તારો આત્મા કાંઈ વિકાર કે કર્મોથી ભરેલો નથી, એનાથી તો ભિન્ન શુદ્ધ ચૈતન્યવસ્તુ તું આત્મા છો. અહાહા...! વિકારથી ને પરથી જુદો એવો આ ચૈતન્ય ભગવાન, કહે છે, જ્ઞાનમાત્રમયપણાને કદી છોડતો નથી. અહા! ધુમાડાથી ભિન્ન એવી અગ્નિ જેમ ઉષ્ણતાને કદી છોડતી નથી, તેમ પરથી ને વિકારથી ભિન્ન શુદ્ધ ચૈતન્યવસ્તુ પોતાના જ્ઞાનમયપણાને કદી છોડતી નથી. માટે હે ભાઈ, જ્ઞાનભાવ વડે તારી આત્મવસ્તુને લક્ષમાં લઈને તેનો અનુભવ કર. જુઓ, આ ધર્મની રીત!
અહાહા...! અંતર્મુખ થઈને જ્ઞાનભાવ વડે જેણે નિજ ચૈતન્ય વસ્તુનો અનુભવ કર્યો તે જ્ઞાની-ધર્મી છે, તે જ્ઞાનભાવમયપણે. જ સદાય વર્તે છે, તે જ્ઞાનભાવને કદી છોડતો નથી. અહા! આવો સાધક ધર્મી પુરુષ એમ જાણે છે કે-મારો આત્મા સહજ જ ક્રમપર્યાયરૂપ ને અક્રમગુણરૂપ સ્વભાવવાળો છે. અનંત ગુણ એક સાથે અક્રમપણે વસ્તુમાં તિરછા-તિર્યક્પ્રચયરૂપ રહેલા છે, ને પર્યાયો નિયત ક્રમપણે ક્રમવર્તી-ઉર્ધ્વપ્રચયરૂપ થાય છે. અહાહા...! મારા અક્રમવર્તી ગુણોમાં ને ક્રમવર્તી પર્યાયોમાં હું સદાય જ્ઞાનમાત્રભાવપણે જ વર્તું છું. આવા નિર્ણયમાં જ્ઞાનીને જ્ઞાતાસ્વભાવના આલંબનનો પુરુષાર્થ વર્તે છે; કિંચિત્ રાગ છે તેને તે જ્ઞાનભાવથી બહાર પરજ્ઞેયપણે જ જાણે છે બસ. લ્યો, આમ જ્ઞાનમાત્રભાવપણે જ પરિણમતો પરિણમતો સાધક સાધ્ય એવા સિદ્ધપદ પ્રતિ હાલ્યો જાય છે. આવી વાત! સમજાણું કાંઈ...?
‘કોઈ એમ સમજશે કે આત્માને જ્ઞાનમાત્ર કહ્યો તેથી તે એકસ્વરૂપ જ હશે પરંતુ એમ નથી. વસ્તુનું સ્વરૂપ દ્રવ્યપર્યાયમય છે. ચૈતન્ય પણ વસ્તુ છે, દ્રવ્યપર્યાયમય છે.’