જુઓ, આત્માને જ્ઞાનમાત્ર કહ્યો તેથી તે એકસ્વરૂપ જ છે એમ નહિ, પણ દ્રવ્યપર્યાયમય છે એમ વસ્તુને જેમ છે તેમ અનેકાન્તમય જાણવી.
પ્રશ્નઃ– તો સમયસારની છઠ્ઠી ગાથામાં હું-આત્મા અપ્રમત્તેય નહિ ને પ્રમત્તેય નહિ-એમ કહ્યું છે ને? ઉત્તરઃ– હા, ત્યાં બીજી વાત છે. ત્યાં દ્રષ્ટિનો વિષય એક જ્ઞાયક ભાવ બતાવવાનું પ્રયોજન છે. અહીં દ્રષ્ટિ અને દ્રષ્ટિનો વિષય-બન્ને મળી એક ચૈતન્યવસ્તુ આત્મા એમ પ્રમાણજ્ઞાન કરાવ્યું છે. તેથી કહે છે કે-ચૈતન્ય પણ વસ્તુ છે, અને તે દ્રવ્યપર્યાયમય છે. આમાં અહીં નિર્મળ પર્યાયની વાત છે હોં, અશુદ્ધતા એ તો શક્તિનું પરિણમન નથી. હવે કહે છે-
‘તે ચૈતન્ય અર્થાત્ આત્મા અનંત શક્તિઓથી ભરેલો છે. અને ક્રમરૂપ તથા અક્રમરૂપ અનેક પ્રકારના પરિણામના વિકારોના સમૂહરૂપ અનેકાકાર થાય છે તો પણ જ્ઞાનને-કે જે અસાધારણ ભાવ છે તેને-છોડતો નથી, તેનો સર્વ અવસ્થાઓ-પરિણામો-પર્યાયો જ્ઞાનમય જ છે.
જોયું? કહે છે-આત્મા અનંત શક્તિઓથી ભરપુર ભરેલો છે. કેટલી? તો કહે છે-જેને ગણતાં અનંતકાળેય પાર ન આવે એટલી અનંત શક્તિઓથી ભરપુર ભરેલો ભગવાન આત્મા છે. અહા! અનંત શક્તિમય જ ભગવાન આત્મા છે. જ્ઞાનને અંતરમાં વાળતાં અનંત શક્તિમય ભગવાન આત્મા અનુભવમાં આવે છે, ને સાથે શક્તિઓ નિર્મળપણે ઊછળે છે-પરિણમે છે. આમ નિર્મળ નિર્મળ પરિણમતાં કેવળજ્ઞાન થાય ત્યારે અનંત શક્તિઓને તથા અસંખ્ય પ્રદેશોને ભિન્ન ભિન્ન કરીને પ્રત્યક્ષ જાણે. માટે હે ભાઈ, તારી અનંત ચૈતન્ય સંપદાને. સાક્ષાત્ દેખવી હોય તો તારા જ્ઞાનને રાગથી છૂટું કરીને અંદર સ્વભાવમાં વાળ, સ્વભાવમાં અંતર્લીન થઈને જાણતાં અનંત ચૈતન્ય સંપદા સાક્ષાત્ જણાઈ જાય છે.
જુઓ, વેદાંતવાળા અદ્વૈત બ્રહ્મ-એક જ આત્મા-બ્રહ્મ છે એમ કહે છે, તેઓ ગુણ-પર્યાયોને સ્વીકારતા નથી. આત્માનો અનુભવ એ વળી શું? -એમ દ્રવ્ય-પર્યાયરૂપ અનેકાન્તમય વસ્તુને માનતા નથી. પરંતુ તેમની એવી માન્યતા મિથ્યા છે, કેમકે વસ્તુમાં-આત્મામાં અક્રમવર્તી ગુણો ને ક્રમવર્તી પર્યાયો સદાય વર્તે છે. વાસ્તવમાં અક્રમે વર્તતા ગુણો ને ક્રમે વર્તતી પર્યાયો-એ બેના સમુદાયરૂપ જ ચૈતન્યવસ્તુ આત્મા છે. અહા! આવા આત્માના અનંત ગુણમાં જ્ઞાન એક અસાધારણ ભાવ છે જે સ્વને અને પરને સર્વને ભેદ પાડીને જાણે છે. આ જ્ઞાનભાવ વડે આત્માની બધી અવસ્થાઓ-પર્યાયો જ્ઞાનમય જ છે. આવી વાત! સમજાણું કાંઈ...?
‘આ અનેકસ્વરૂપ-અનેકાંતમય-વસ્તુને જેઓ જાણે છે, શ્રદ્ધે છે અને અનુભવે છે, તેઓ જ્ઞાનસ્વરૂપ થાય છે’-એવા આશયનું, સ્યાદ્વાદનું ફળ બતાવતું કાવ્ય હવે કહે છેઃ-
तत्त्वव्यवस्थितिमिति प्रविलोकयन्तः।
स्याद्वादशुध्दिमधिकामधिगम्य सन्तो
ज्ञानीभवन्ति जिननीतिमलङ्गयन्तः।। २६५।।
શ્લોકાર્થઃ– [इति वस्तु–तत्त्व–व्यवस्थितिम् नैकान्त–सङ्गत–दशा स्वयमेव प्रविलोकयन्तः] આવી (અનેકાંતાત્મક) વસ્તુતત્ત્વની વ્યવસ્થિતિને અનેકાંત-સંગત (-અનેકાંત સાથે સુસંગત, અનેકાંત સાથે મેળવાળી) દ્રષ્ટિ વડે સ્વયમેવ દેખતા થકા, [स्याद्वाद–शुध्दिम् अधिकाम् अधिगम्य] સ્યાદ્વાદની અત્યંત શુદ્ધિને જાણીને, [जिन–नीतिम् अलङ्गयन्तः] જિનનીતિને (જિનેશ્વરદેવના માર્ગને) નહિ ઉલ્લંઘતા થકા, [सन्तः ज्ञानीभवन्ति] સત્પુરુષો જ્ઞાનસ્વરૂપ થાય છે.