છે. આત્મા-અનાત્માના જ્ઞાન (ભેદજ્ઞાન) વિના જે કાંઈ ક્રિયા કરે તે મિથ્યાચારિત્ર છે. સમજાય છે કાંઈ...? આ બધું પોતે ઊભું કરે છે હોં; કર્મે એને ભૂલ-ભૂલામણીમાં નાખ્યો છે એમ નથી. અરે, એ સ્વરૂપથી ભ્રષ્ટ થઈ પોતાની ભૂલથી જ સંસારમાં રખડે છે. પણ આ સમજવાની ફુરસદ કોને છે? અત્યારે તો કેટલાક પંડિતો પણ શંકા કરે છે કે-
પ્રશ્નઃ– શુભરાગથી શુદ્ધતાનો અંશ પ્રગટે કે નહિ? ઉત્તરઃ– તેને કહીએ-ભાઈ, એમ નથી. શુદ્ધતાનો અંશ તો સ્વ-આશ્રયે પ્રગટ થાય છે, ને શુભરાગ તો પરાશ્રય-ભાવ છે. શુભરાગ પરના લક્ષે થાય છે.
અરે, મિથ્યાત્વાદિ ભાવો વડે ચિરકાળથી એ સ્વસ્વરૂપથી ભ્રષ્ટ થઈને ૮૪ લાખ યોનિમાં-પ્રત્યેકમાં એણે અનંત વાર અવતાર ધારણ કર્યા છે. પોતાને ભૂલીને એણે નર્ક-નિગોદના ને કાગડા-કૂતરા આદિ તિર્યંચના અનંત અનંત ભવ કર્યા છે. કેટલાક કહે છે-આ કર્મનું જોર છે. પણ જૂઠી માન્યતા કરીને પોતે રખડે એમાં કર્મ શું કરે? કર્મ તો જડ માટી-ધૂળ છે, એનું કાંઈ જોર નથી કે તે ભૂલ કરાવે. જૂઠી માન્યતા વડે પોતે જ સ્વરૂપથી ચ્યુત થયો તે પોતાની ભૂલ છે. અહા! જૈન સાધુ થઈને પણ જો વ્રતાદિ બાહ્ય સાધનમાં મમત્વબુદ્ધિ કરે, વા તેને ઉપાદેય માને તો તે સ્વરૂપથી ભ્રષ્ટ એવો સંસારમાં જ રખડશે. આ તો ત્રણલોકના નાથની વાણી બાપુ! આચાર્ય કુંદકુંદદેવ તેમના આડતિયા થઈને અહીં જાહેર કરે છે.
કહે છે-મિથ્યાત્વાદિ વડે સ્વરૂપથી ચ્યુત થઈને સંસારમાં ભમતાં, ‘સુનિશ્ચળપણે ગ્રહણ કરેલાં વ્યવહારસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રના પાકના પ્રકર્ષની પરંપરા વડે અનુક્રમે સ્વરૂપમાં આરોહણ કરાવવામાં આવતા આ આત્માને, અંતર્મગ્ન જે નિશ્ચયસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રરૂપ ભેદો તે-પણા વડે પોતે સાધક રૂપે પરિણમતું,...’
જુઓ, શું કહે છે? શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ આત્માની દ્રષ્ટિ અને તેનાં જ્ઞાન અને રમણતા થયાં છે તે ધર્મી જીવને પોતાની ભૂમિકાને યોગ્ય વ્યવહાર દર્શન-જ્ઞાન-ચારિત્ર નિયમથી હોય છે. વ્યવહાર સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પાકના પ્રકર્ષની પરંપરા એટલે શું? કે વ્યવહાર સમ્યક્ત્વાદિરૂપ શુભરાગની મંદતાના પ્રકર્ષની પરંપરા (ક્રમ પ્રવાહ) ધર્મીને અવશ્ય હોય છે. સાચા વીતરાગી દેવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધાનો શુભરાગ, ને નવતત્ત્વની ભેદરૂપ શ્રદ્ધાનો વિકલ્પ તે વ્યવહાર સમ્યગ્દર્શન છે, સત્શાસ્ત્રોનું-શ્રુતનું વિકલ્પાત્મક યથાર્થ જાણપણું તે વ્યવહાર-સમ્યગ્જ્ઞાન છે, તથા અહિંસાદિ પાંચમહાવ્રતનો વિકલ્પ તે વ્યવહાર ચારિત્ર છે. અહાહા...! ધર્મીને જેમ જેમ સ્વદ્રવ્યનો આશ્રય વધતો જાય છે તેમ તેમ તેટલા પ્રમાણમાં વ્યવહાર સમ્યક્ત્વાદિના રાગની મંદતાનો પ્રકર્ષ થાય છે, અર્થાત્ તેને રાગ ઘટતો જાય છે, ને વીતરાગી દશા વધતી જાય છે.
અહાહા...! એક બાજુ નિર્વિકલ્પ દ્રષ્ટિ, જ્ઞાન ને રમણતા છે, ને એક બાજુ વ્યવહારચારિત્ર આદિના વિકલ્પ છે. ધર્મીને બન્ને સાથે સહચરપણે છે. શાસ્ત્રમાં વ્યવહારના રાગને સહચર કહ્યો છે તેથી કેટલાક લોકો એમાં ગોટા વાળે છે. આ વ્યવહાર હોય છે ને? માટે એનાથી નિશ્ચય પમાશે એમ તેઓ ગોટા વાળે છે. પરંતુ ભાઈ, વ્યવહાર છે એનાથી નિશ્ચય પમાય છે એમ છે નહિ. ઘણા વર્ષ પહેલાં કોઈએ પ્રશ્ન કરેલો.
પ્રશ્નઃ– વ્યવહારથી નિશ્ચય થાય કે નહિ? ત્યારે કહેલું- ઉત્તરઃ– એનાથી ન થાય, વ્યવહારથી નિશ્ચય ન થાય. પ્રશ્નઃ– પણ શાસ્ત્રમાં એનાથી થાય એમ કહ્યું છે ને? તો કહ્યું- ઉત્તરઃ– ના, એમ નથી કહ્યું; પરંતુ તે તે ભૂમિકામાં ધર્મીને તે (-વ્યવહાર) હોય છે તેનું ત્યાં જ્ઞાન કરાવ્યું છે. ભાઈ, શાસ્ત્રમાં ઉપચારથી કથન કહ્યું હોય તેને આ ઉપચાર છે એમ યથાર્થ રીતે સમજવું જોઈએ. અત્યારે તો જાણે વ્યવહાર સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ જ ધર્મ છે એમ લોકો માની-મનાવી રહ્યા છે; પણ એ તો મિથ્યાભાવ છે. એનું ફળ બહુ આકરું આવશે ભાઈ!
સુનિશ્ચળપણે ગ્રહણ કરેલાં વ્યવહાર સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનો પાક એ રાગની મંદતા છે. જ્યારે નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ વીતરાગી દશા છે અને એ જ સત્યાર્થ સાધકપણું છે. છટ્ઠે ગુણસ્થાને મુનિરાજને આવી નિશ્ચય સાધકદશા પ્રગટી હોય છે, અને તેમને એમની ભૂમિકામાં સહચર-સાથે રહેવાવાળો વ્યવહાર રત્નત્રયરૂપ શુભભાવ અવશ્ય હોય છે. તે શુભભાવ છે તો બંધનું કારણ, તથાપિ ઉત્કૃષ્ટ ભાવે અબંધ પરિણામ નથી ત્યાં એવા બંધ પરિણામ હોય