૨૨૪ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧ છે. ભાઈ, જે તે દશાની જે સ્થિતિ છે તેને યથાર્થ જાણવી જોઈએ.
ઉત્તરઃ– હા, કહ્યું છે; પણ કયું જ્ઞાન? અને કયી ક્રિયા? એકલું પરાવલંબી શાસ્ત્રનું જ્ઞાન, ને રાગની ક્રિયા-તે મોક્ષનું કારણ છે વા તેના વડે મોક્ષ થાય છે એમ નથી. એ તો સ્વ-આશ્રયે પ્રગટેલું સ્વરૂપનું જ્ઞાન, સ્વસંવેદન જ્ઞાન તે જ્ઞાન છે, ને સ્વરૂપમાં રમણતા-લીનતા તે ક્રિયા છે, અને આવાં જ્ઞાન-ક્રિયા વડે મોક્ષ થાય છે એમ ત્યાં વાત છે. સમજાણું કાંઈ...?
પુરુષાર્થસિદ્ધયુપાયમાં આચાર્ય અમૃતચંદ્રદેવે કહ્યું છે કે-આત્માનું નિર્વિકલ્પ સમ્યગ્દર્શન, સ્વસંવેદન જ્ઞાન, અને સ્વમાં લીનતા-તે મોક્ષનું કારણ છે; જ્યારે નવતત્ત્વની ભેદરૂપ શ્રદ્ધા-તેરૂપ વ્યવહાર સમ્યગ્દર્શન, શાસ્ત્રનું જ્ઞાન-તેરૂપ વ્યવહારજ્ઞાન, તથા પંચ મહાવ્રતના વિકલ્પ-તેરૂપ વ્યવહારચારિત્ર-એ બધો અપરાધ છે. અરે! જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય તે શુભભાવ પણ અપરાધ છે. હવે જે ભાવ અપરાધ છે તે મોક્ષને કેમ સાધે-આરાધે? ન સાધે. આ ભાઈ, આ તો વીતરાગનો માર્ગ બાપુ! મારગ તો વીતરાગ-ભાવરૂપ જ છે.
કહે છે-વ્યવહારરત્નત્રયના પાકના પ્રકર્ષની પરંપરા વડે અનુક્રમે સ્વરૂપમાં આરોહણ કરવામાં આવતાં આ આત્મા, અંતર્મગ્ન જે નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ભેદો તે-પણા વડે પોતે સાધકરૂપે પરિણમે છે. અહાહા...! વ્યવહારના વિકલ્પને છોડીને પોતે ચિદાનંદઘન એવા સ્વસ્વરૂપમાં આરોહણ કરે છે, લીન થાય છે તો, જેમ ડુંગરમાંથી ઝરણું ઝરે તેમ સ્વસ્વરૂપનાં શ્રદ્ધા-જ્ઞાન-રમણતાપૂર્વક અંદર અનાકુળ આનંદનું ઝરણું ઝરે છે, અંદર શાંતિનાં વહેણ વહે છે. લ્યો, આને ભગવાન મોક્ષમાર્ગ કહે છે.
સમયસાર, ગાથા ૧૨માં કહ્યું છે કે-સ્વ-આશ્રયે સ્વસ્વરૂપનું જ્ઞાન, આત્મજ્ઞાન થયું છે, પણ દશામાં પૂર્ણ શુદ્ધતા, પૂર્ણ જ્ઞાન-કેવળજ્ઞાન પ્રગટયું નથી ને નીચલી દશા છે એવા જીવને અશુદ્ધતાનો વિકલ્પ હોય છે, તેને તે જાણે જ છે. અહા! જે વિકલ્પ હોય છે તેને જાણવો તે વ્યવહાર નય છે, અને એનું નામ વ્યવહારનો ઉપદેશ છે. પણ અરે! શું થાય? વ્યવહારના-રાગના પક્ષ આડે એણે અનંતકાળમાં આ વાત લક્ષમાં લીધી જ નથી.
અહા! અંતરમાં પોતાના ભગવાનના ભેટા થયા છે, સ્વરૂપનાં શ્રદ્ધા-જ્ઞાન ને રમણતા પ્રગટ થયાં છે, પ્રચુર અતીન્દ્રિય આનંદના ઝૂલે ઝૂલે છે એવા, સિંહની જેમ એકાકી જંગલમાં રહેતા પ્રચંડ પુરુષાર્થને ધરનારા મહા મુનિરાજને, કહે છે, પૂર્ણદશા પ્રગટ થઈ નથી તો વચ્ચે સહચરપણે વ્યવહાર દર્શન-જ્ઞાન ને મહાવ્રતના વિકલ્પ હોય છે, એનું તે જ્ઞાન કરે છે, અને એને છોડી સ્વરૂપમાં આરોહણ કરતા થકા નિશ્ચય સ્થિરતાને પ્રાપ્ત થાય છે. અહાહા...! આનંદનો-નિર્મળાનંદનો નાથ પ્રભુ અંદર છે એમાં જ્યારે આરોહણ થયું ત્યારે એણે આત્માની જાત્રા કરી. આ જાત્રા તે જાત્રા છે, બાકી શેત્રુંજો ને સમ્મેદશિખરજી જાય એ તો બધો શુભભાવ છે, એ સાચી જાત્રા નહિ, એને ઉપચાર માત્ર જાત્રા કહેવાય છે. સમજાણું કાંઈ...?
અહા! સાધકને બહારમાં વ્યવહાર હોય છે, એ વ્યવહારથી ખસીને જ્યારે સ્વરૂપમાં આરોહણ કરે છે ત્યારે તે નિશ્ચયને પ્રાપ્ત થાય છે. તે જેમ જેમ વ્યવહારનો અભાવ કરતો જાય છે તેમ તેમ નિશ્ચયમાં (-સ્વરૂપમાં) ઠરતો જાય છે; પરંતુ એમ નથી કે વ્યવહારથી નિશ્ચય પ્રાપ્ત થાય છે. અહો! નિજ પરમાત્મસ્વરૂપમાં લીન એવા તે મુનિવરોને ધન્ય છે. સ્વરૂપમાં આરોહણ કરતા થકા તેઓ સાક્ષાત્ મોક્ષના સાધકો છે.
ભાઈ, રાગરૂપે-શુભરાગરૂપે થવું એ કાંઈ સાધકપણું નથી, ને વ્યવહારના વિકલ્પથી સાધકપણું પ્રગટે છે એમેય નથી. ભાઈ, રાગથી ખસી અંતરમાં ગયા વિના તારા પરિભ્રમણના આરા નહિ આવે. આ બધા શેઠિયા દાન ખૂબ કરે ને! અહીં કહે છે-એ તારાં લાખો-કરોડોનાં દાન કામ નહિ આવે. માત્ર વ્યવહારની ક્રિયાઓથી કાંઈ હાથ નહિ આવે. વિકારને વિભાવથી વિમુખ થઈ નિજાનંદસ્વરૂપનાં જ્ઞાન-શ્રદ્ધાન ને લીનતા કરવી બસ આ એક જ મોક્ષમાર્ગ છે, ને આ જ સાધકદશા છે.
અહાહા...! ભગવાન! તું વસ્તુ છો કે નહિ? વસ્તુ છો તો તારામાં અનંત શક્તિઓ છે કે નહિ? અહાહા...! અનંત શક્તિઓના પિંડરૂપ એવી તારી ચૈતન્યવસ્તુનું અવલંબન કરતાં, તેના આશ્રયમાં દૃઢ-સ્થિર થતાં જે નિર્મળ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પરિણમન થાય તે મોક્ષમાર્ગ છે; આ સાધકદશા અને આ ઉપાય છે. પણ અરેરે! પોતાની