ચૈતન્યવસ્તુના ભાન વિના, આત્મદર્શન ને આત્મજ્ઞાન વિના એકલી ક્રિયાઓ કરી-કરીને એણે આત્માને મરણતુલ્ય કરી નાખ્યો છે.
દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, પંચમહાવ્રતના પાલનનો રાગ તથા સ્વાધ્યાયનો વિકલ્પ ઇત્યાદિ બધો શુભરાગ છે; એને ઓળંગી જઈને, જેમ દરિયાના તળિયે જતાં મોતી હાથ આવે તેમ, અંતરમાં ડૂબકી લગાવતાં ચૈતન્યપ્રભુ આત્મા હાથ આવે છે; આને નિશ્ચય સમ્યગ્દર્શન કહે છે, તથા અંતર્મુખ થતાં જે સ્વસંવેદન જ્ઞાન થાય તે સમ્યગ્જ્ઞાન છે, તથા અંતર-લીનતા થાય તે સમ્યક્ચારિત્ર છે. અહાહા...! આ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ભેદો તે- પણા વડે આત્મા સ્વયં સાધકપણે થાય છે, અર્થાત્ મોક્ષના ઉપાયપણે સ્વયં આત્મા થાય છે. લ્યો, આવી વાત! પણ અરેરે! રાગની આડશમાં એને આવડો મહાન ‘અનંત સુખથી ભરિયો, અનંત ગુણનો દરિયો’ દ્રષ્ટિમાં આવતો નથી. અનેક વ્રત, તપ કરવા છતાં તેને સાધકપણું પ્રગટતું નથી. સમજાય છે કાંઈ...?
હવે કહે છે-‘તથા પરમ પ્રકર્ષની હદને પામેલા રત્નત્રયની અતિશયતાથી પ્રવર્તેલો જે સકળ કર્મનો ક્ષય તેનાથી પ્રજ્વલિત (દેદીપ્યમાન) થયેલો જે અસ્ખલિત વિમળ સ્વભાવભાવ તે-પણા વડે પોતે સિદ્ધ રૂપે પરિણમતું એવું એક જ જ્ઞાનમાત્ર ઉપાય-ઉપેયભાવ સાધે છે.’
જુઓ, અહીં એમ કહે છે કે-અંદર સ્વરૂપમાં મગ્ન-લીન થતાં જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટયા તે રત્નત્રય છે. તેની પરમ પ્રકર્ષરૂપ ઉત્કૃષ્ટ દશા થતાં અર્થાત્ ભગવાન આત્માનો પૂર્ણ આશ્રય થતાં તેના ફળરૂપે મોક્ષદશા પ્રગટ થાય છે. અહા! રત્નત્રયની અતિશયતાથી પ્રવર્તેલો જે સકળ કર્મનો ક્ષય તેનાથી પ્રજ્વલિત થયેલો જે અસ્ખલિત વિમળ સ્વભાવભાવ તે પૂર્ણ મોક્ષદશા છે.
પ્રશ્નઃ– ઉપવાસ કરવાથી કર્મનો ક્ષય થઈ જાય છે એ બરાબર છે? ઉત્તરઃ– ના, એ બરાબર નથી. દર્શન-જ્ઞાન-ચારિત્રની પરમ પ્રકર્ષરૂપ અતિશયતા વિના કર્મનો ક્ષય થતો નથી. ઉપવાસથી કર્મનો ક્ષય થાય છે એમ કહેવું એ ઉપચારમાત્ર કથન છે. અરે, સ્વરૂપના આશ્રયે પ્રગટવા યોગ્ય એવાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર વિના એણે ઉપવાસાદિ બાહ્ય કરણી અનંત વાર કરી; પણ એથી શું? એનો સંસાર મટયો નહિ, ભવના નિવેડા આવ્યા નહિ. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની વિશેષતાથી આસ્રવોનો નિરોધ થાય છે, ને કર્મનો ક્ષય થાય છે. રત્નત્રયની પરમ પ્રકર્ષરૂપ અતિશયતાથી સકળ કર્મનો ક્ષય થાય છે, અને ત્યારે અંદર પ્રગટ થયેલો અસ્ખલિત ઉજ્જ્વળ વિમળ સ્વભાવભાવ-કેવળદર્શન-કેવળજ્ઞાન-અનંતસુખ ઇત્યાદિરૂપ સ્વભાવભાવ-તે રૂપે પરિણમવું તે મોક્ષદશા છે. અહાહા...! આવી મોક્ષદશા અસ્ખલિત છે; જેને થઈ તે થઈ, ફરી તે સંસારમાં આવે નહિ.
તો જગતમાં પાપ વધી પડે ત્યારે ભક્તોની રક્ષા કરવા ભગવાન અવતાર લે છે એ શું વાત છે? એ તો લૌકિક માન્યતા છે, એ વાતમાં કાંઈ તથ્ય નથી. અસ્ખલિત એટલે ફરે નહિ, પડી જાય નહિ એવા પૂર્ણ વિમળ સ્વભાવભાવે ઉપજ્યો તે સિદ્ધરૂપે પરિણમ્યો, હવે તે સંસારમાં અવતરે નહિ, કેમકે સંસારમાં અવતરે એવું કોઈ કારણ જ રહ્યું નથી.
અહાહા...! જ્ઞાનસ્વભાવ ત્રિકાળ એકરૂપ હોવા છતાં, પર્યાયમાં સાધકપણે અને સિદ્ધપણે-એમ બે-પણે પોતે થાય છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એમ સાધકરૂપે અને તેની ઉત્કૃષ્ટ દશા થતાં સિદ્ધરૂપે-એમ બે રૂપે પોતે જ પ્રગટ થાય છે. એ બન્ને ભગવાન આત્માની અવસ્થાઓ છે ને તે-રૂપે તે પોતે જ પરિણમે છે, અને કોઈ બાહ્ય વ્યવહારની ગરજ-અપેક્ષા નથી. યદ્યપિ બાહ્ય વ્યવહાર હોય છે, પણ ધર્માત્માને એ કાંઈ નથી, એને ઓળંગીને તે ક્રમે સિદ્ધરૂપે પોતે પરિણમી જાય છે.
પ્રશ્નઃ– જો વ્યવહાર-શુભભાવ જરાય મદદગાર નથી તો એને શાસ્ત્રમાં સાધક કેમ કહ્યો છે? ઉત્તરઃ– ધર્મી પુરુષને તેની વર્તમાન પ્રગટ નિર્મળ દશાને તે (-વ્યવહાર) વિક્ષેપ કરતો નથી તેથી સહચર દેખીને ઉપચારથી સાધક કહ્યો છે. ભાઈ, તારે જો મોક્ષ જ જોઈએ છે તો સ્વ-આશ્રયે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપે પરિણમવું પડશે; આ એક જ મોક્ષમાર્ગ છે, અને તે-રૂપે ઉત્કૃષ્ટ પરિણમતાં કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. બાપુ! આ તો પ્રાપ્તની પ્રાપ્તિનો સ્વ-આશ્રયનો માર્ગ છે. જેમ લીંડી પીપરમાં ચોસઠ પહોરી તીખાશ છે તો તેને ઘૂંટતા બહાર અવસ્થામાં પ્રગટ થાય છે, તેમ ભગવાન આત્મા સ્વભાવથી મોક્ષસ્વરૂપ છે તેમાં એકાગ્ર-પૂર્ણ એકાગ્ર થતાં બહાર અવસ્થામાં મોક્ષદશા પ્રગટે છે.