સ્વરૂપનો અનુભવ જ્યારથી કરે ત્યારથી જ્ઞાન સાધક રૂપે પરિણમે છે, કારણ કે જ્ઞાનમાં નિશ્ચયસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રરૂપ ભેદો અંતર્ભૂત છે. નિશ્ચયસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની શરુઆતથી માંડીને, સ્વરૂપ- અનુભવની વૃદ્ધિ કરતાં કરતાં જ્યાંસુધી નિશ્ચયસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની પૂર્ણતા ન થાય, ત્યાંસુધી જ્ઞાનનું સાધક રૂપે પરિણમન છે.’
જુઓ, અહીં છઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકાની વાત છે. તે પહેલાં એણે નિજ ચૈતન્યમૂર્તિ આત્માને વેદનમાં તો લીધો છે, અર્થાત્ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર છે. એથી તો કહ્યું કે-‘સુનિશ્ચળપણે ગ્રહણ કરેલા’-મતલબ કે નિશ્ચયની સાથે ભૂમિકાને યોગ્ય વ્યવહારસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર જે હોય તે એને આવ્યાં છે. એનો બીજો અર્થ એમ પણ છે કે અંદર જે નિશ્ચય પ્રગટયું તે હવે જાય નહિ, અર્થાત્ હવે તે હેઠે ઉતરે નહિ પણ વ્યવહાર છોડીને અંદરમાં જાય. આવો વ્યવહાર બીજે (બીજા કોઈ ગુણસ્થાનકે) નથી. નિશ્ચય તો અંદર છે, ને વ્યવહારને ઓળંગીને સાતમા અપ્રમત્ત ગુણસ્થાનમાં જશે-આમાં એમ કહેવું છે. સમજાણું કાંઈ...? સાધુ છે ને? સ્વરૂપથી ચ્યુત હતો તે સ્વરૂપમાં આવ્યો- ચઢયો. પહેલાં પાંચમા ગુણસ્થાનેથી ધ્યાનમાં પહેલું સાતમું ગુણસ્થાન આવે છે, પણ એ વાત અહીં નથી; અહીં તો છઠ્ઠે ગુણસ્થાને શુભ વિકલ્પ આવે છે તેને ઓળંગી જઈને સ્વરૂપમાં જવાની-ચઢવાની વાત છે. અહો! દિગંબર સંતોએ સૂરજની જેમ માર્ગ સ્પષ્ટ પ્રકાશ્યો છે. દ્રષ્ટિ વિના લોકોને હાથ ન આવે તેથી શું માર્ગ બીજો થઈ જાય? ન થાય.
લ્યો, હવે કોઈ કહે છે-તમે વ્યવહારનો લોપ કરો છો. પણ જે તે ગુણસ્થાને જે વ્યવહાર (વ્યવહારરત્નત્રયનો વિકલ્પ) હોય છે તેનો કોણ લોપ કરે? તે તે ગુણસ્થાને તો તે છે જ; અહીં તો તેને ઓળંગીને આગળ જવાની-ચઢવાની વાત છે. ધર્મીને યથાસંભવ વ્યવહારનો વિકલ્પ હોય છે, પણ તેમાં તેને ઉપાદેયબુદ્ધિ અને સ્વામિત્વ હોતાં નથી; અને એના બળે જ તે ઉંચે-ઉંચે આરોહણ કરે છે. સમજાણું કાંઈ...?
‘તે સુનિશ્ચળપણે ગ્રહણ કરેલાં વ્યવહારસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની વૃદ્ધિની પરંપરા વડે’... લ્યો, હવે વ્યવહાર- સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર-વ્યવહારરત્નત્રય એ તો શુભ વિકલ્પ-રાગ છે; તેની વૃદ્ધિની પરંપરા વડે એટલે શું? એટલે રાગની વૃદ્ધિની પરંપરા વડે-એમ અર્થ નથી, કેમકે વ્યવહારનો-રાગનો તો ક્રમશઃ (આગળ આગળ) અભાવ થતો જાય છે, અને અંદર શુદ્ધિ વધતી જાય છે. આ તો શુદ્ધિ વધતી જાય છે તેનો આરોપ વ્યવહાર ઉપર કરી ‘વ્યવહારની વૃદ્ધિ વડે’-એમ કહ્યું છે. ‘વ્યવહારરત્નત્રયની વૃદ્ધિની પરંપરા વડે’ એમ કહ્યું એ તો વ્યવહારનયનું કથન છે. વ્યવહાર નયનાં કથન આવાં જ હોય છે તેને જેમ છે તેમ સમજવાં જોઈએ. વાસ્તવમાં રાગ તૂટતો જાય છે, ને અંદર શુદ્ધિ વધતી જાય છે તે વડે અનુક્રમે સ્વરૂપનો અનુભવ જ્યારથી કરે ત્યારથી જ્ઞાન નામ આત્મા સાધક રૂપે પરિણમે છે. આવી વાત!
‘અનુક્રમે સ્વરૂપનો અનુભવ જ્યારથી કરે ત્યારથી જ્ઞાન સાધકરૂપે પરિણમે છે’-આમ કહ્યું એમાં આત્મા પોતે સાધકરૂપે થાય છે, વ્યવહાર સાધક રૂપે થાય છે એમ નહિ. અહાહા...! ભગવાન પૂર્ણાનંદનો નાથ અંદર છે એનાં દ્રષ્ટિ-જ્ઞાન ને રમણતાં થયાં છે એનો ઉપયોગ જ્યારે નિર્વિકલ્પ થયો, શુદ્ધોપયોગરૂપ પરિણત થયો, અર્થાત્ ઉપયોગ નિર્વિકલ્પ જ્ઞાનની ભૂમિકામાં આવ્યો ત્યારથી તે આત્મા સાધકપણે પરિણમ્યો. એમાં સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર એવા ભેદો અંતર્ભૂત છે. ભેદો છે ખરા, પણ મોક્ષમાર્ગની પરિણતિમાં ત્રણે અભેદ એકરૂપ છે. હવે મોક્ષમાર્ગની પરિણતિમાં ત્રણ ભેદોનું પણ લક્ષ નથી ત્યાં વ્યવહારની-રાગની શું કથા? રાગનો તો એમાં અભાવ જ છે. સમજાણું કાંઈ...?
જુઓ, સાધકદશા ચોથેથી બારમા ગુણસ્થાન સુધીની છે. સ્વરૂપનો અનુભવ જ્યારથી કરે ત્યારથી આત્મા શુદ્ધ દર્શન-જ્ઞાન-ચારિત્રની એક્તારૂપે પોતે પરિણમે છે. તે સાધકપણે પરિણમે એમાં એને બહારમાં વ્યવહારનાં સાધન છે તેથી પરિણમે છે એમ નથી. વ્યવહાર હોય છે તેને જણાવ્યો છે, પરંતુ એને લઈને સાધકપણે પરિણમે છે એમ નથી, એકલો જ્ઞાનસ્વભાવી આત્મા જ ઉપાય-ઉપેયભાવે પરિણમે છે. અહા! પર સાધન વિના જ, વ્યવહારના સાધન વિના જ, ચૈતન્ય જેનું સર્વસ્વ છે એવી આત્મવસ્તુ પોતે જ પોતાથી સાધકપણે અને સાધ્યપણે પરિણમે છે. ત્યારે કોઈ કહે છે-
શું આ એકાંત નથી? હા, એકાંત છે, પણ સમ્યક્ એકાંત છે; કેમકે સ્વ તરફ ઢળેલી નિશ્ચયસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની દશા-તે જ એકાંતે નિશ્ચય સાધક છે; વચ્ચે વ્યવહારરત્નત્રયના વિકલ્પ આવે ખરા, પણ તે નિશ્ચય સાધક નથી, ખરેખર તો એ બાધક છે; તેમને સાધક વ્યવહારનયથી કહેવામાં આવે છે, પણ એ તો ઉપચારમાત્ર છે.