૨૩૦ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧ ખુલાસો કર્યો છે કે-લૌકિક જન તથા અન્યમતી કોઈ કહે છે કે-પુજાદિક શુભ ક્રિયાઓમાં તથા વ્રતક્રિયા સહિત છે તે જૈન ધર્મ છે, પરંતુ એમ નથી. જિનમતમાં જિન ભગવાને એમ કહ્યું છે કે-પૂજાદિકમાં તથા વ્રતસહિત હોવું તે તો ‘પુણ્ય’ છે. એમાં પૂજા તથા આદિ શબ્દથી ભક્તિ, વંદના, વૈયાવૃત્ય આદિ સમજવું. એનું ફળ સ્વર્ગાદિક ભોગોની પ્રાપ્તિ છે, તે જૈનધર્મ નથી. જુઓ આ જૈનશાસનનું રહસ્ય!
આવી ચોખ્ખી વાત છે તો પણ વ્યવહારવાદીઓનું શલ્ય મટતું નથી એ તીવ્ર મોહનો જ મહિમા છે. સમયસાર ગાથા ૧પમાં કહ્યું છે કે-જે આ અબદ્ધસ્પૃષ્ટાદિ પાંચ ભાવોસ્વરૂપ નિજ આત્માને અંતરમાં દેખે છે તે સકલ જૈનશાસનને દેખે છે. જૈન શાસન એ તો વીતરાગ પરિણતિ છે ભાઈ! વ્યવહાર-રાગ એ જૈનશાસન નથી. વ્યવહાર હો ભલે, હોય છે એટલે એનું કથન પણ છે, પણ એ જૈનશાસન નથી. માર્ગ તો આવો છે ભાઈ! ચૈતન્ય રત્નાકર પ્રભુ પોતે છે તેમાં ઉંડા ઉતરી તેને જ ધ્યાનનું ધ્યેય બનાવતાં તે પોતે જ શ્રદ્ધા-જ્ઞાન-આનંદપણે પરિણમે છે તેને જ અહીં ઉપાય કહેવામાં આવે છે, અને તેટલું જૈનશાસન છે. સમજાણું કાંઈ...?
ભાઈ, આવું માંડ મનુષ્યપણું મળ્યું એ તો વીજળીનો ઝબકારો છે. આ વીજળીના જબકારે સમ્યગ્જ્ઞાનરૂપી દોરો પરોવી લે તો પરોવી લે, દોરો ના પરોવ્યો તો, દોરા વિનાની સોય જેમ કયાંય ખોવાઈ જાય તેમ સમ્યગ્જ્ઞાનરૂપી દોરા વિના, આ દેહ છૂટતાં, ભગવાન! તું કયાંય સંસારમાં ખોવાઈ જઈશ, પત્તોય નહિ લાગે. સમ્યગ્જ્ઞાનરૂપી દોરો પરોવ્યો હશે તો પોતે ખોવાશે નહિ, અલ્પકાળમાં મોક્ષધામ પહોંચી જશે.
અહા! પોતે સ્વનો આશ્રય કરે એનાથી જ ધર્મ અને એનાથી જ મુક્તિ થાય છે. આ સ્વનો આશ્રય તે નિશ્ચય છે, ને તેમાં વ્યવહારનયની ઉપેક્ષા છે. સ્વના આશ્રયમાં વ્યવહારની ઉપેક્ષા તે જ તેની અપેક્ષા-સાપેક્ષતા છે. વ્યવહારનો આશ્રય તે સાપેક્ષતા-એમ નહિ, પણ નિશ્ચયનો આશ્રય લેવો તેમાં વ્યવહારની ઉપેક્ષા તે તેની સાપેક્ષતા છે. સ્વના આશ્રયમાં વ્યવહારનયની (એના વિષયની) ઉપેક્ષા જ હોય છે. પ્રમાણજ્ઞાનમાં બન્નેનું (દ્રવ્ય-પર્યાયનું) જ્ઞાન વર્તે છે, પણ આશ્રય તો એક સ્વદ્રવ્યનો જ હોય છે અને તેમાં વ્યવહારની ઉપેક્ષા જ હોય છે, અને તે જ તેની સાપેક્ષતા છે. સમજાણું કાંઈ...?
મોક્ષમાર્ગ પ્રકાશકમાં (સાતમા અધિકારમાં) આવે છે કે-‘જે જીવો જૈન છે, તથા જિન આજ્ઞાને માને છે, તેમને પણ મિથ્યાત્વ રહે છે, તેનું અહીં વર્ણન કરીએ છીએ. કારણ કે એ મિથ્યાત્વ શત્રુનો અંશ પણ બૂરો છે, તેથી એ સૂક્ષ્મ મિથ્યાત્વ પણ ત્યાગવા યોગ્ય છે.’ તેમાં જ વળી આગળ કહ્યું છે કે-‘જિનાગમમાં નિશ્ચય-વ્યવહારરૂપ વર્ણન છે, તેમાં યથાર્થનું નામ નિશ્ચય તથા ઉપચારનું નામ વ્યવહાર છે. તેના સ્વરૂપને નહિ જાણતાં અન્યથા પ્રવર્ત છે, તે અહીં કહીએ છીએ.’ ભાઈ, જરા ધીરા થઈને આ સમજવું જોઈએ. (નયવિવક્ષા યથાર્થ જાણવી જોઈએ.) મેં આમ માન્યું છે માટે આમ જ સાબિત થાય એમ ન હોય; જેવી વસ્તુ છે તેવી જ લક્ષમાં ને અભિપ્રાયમાં આવવી જોઈએ. આવો ભવ કે દિ’ મળે બાપુ! હમણાં જ આના સંસ્કાર નાખી લે.
અહીં કહે છે-મોક્ષમાર્ગમાં (ઉપાયમાં), ને મોક્ષમાં (ઉપેયમાં) જ્ઞાનમાત્રનું એટલે કે આત્માનું જ અનન્યપણું છે. વ્યવહાર-રાગ તો એનાથી ભિન્ન જ રહી જાય છે. હવે આમ છે ત્યાં એની (-રાગની) શી અપેક્ષા? અહા! પોતે શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ છે, ને એના આશ્રયે રાગ રહિત વીતરાગી નિર્મળ રત્નત્રયની આનંદમય દશા પ્રગટ થાય છે તે ઉપાય છે, અને તે ઉપાયની પરિણતિ અતિ ઉગ્ર થઈ પરમ પ્રકર્ષતાને પામી ઉપેયપણે થાય છે ત્યારે આત્મા પોતે જ સિદ્ધપણાને પામે છે. આમ જીવની જ આ બે-નિર્મળ ને પૂર્ણ નિર્મળ અવસ્થાઓ છે.
હા, પણ એનું કોઈ સાધન તો હશે ને? સાધન? સાધન ગુણ વડે આત્મા પોતે જ સાધન થઈને સાધકપણે અને સિદ્ધપણે પરિણમે છે. સાધન વસ્તુની જ શક્તિ છે ત્યાં એને બીજા સાધનની શું અપેક્ષા છે? ભાઈ, આવો અલૌકિક મારગ છે. આ સમજ્યા વિના ભલે અહીં લાખો-કરોડોના બંગલામાં પડયો હોય, પણ મરીને કયાંય ઢોરમાં-કાગડે-કૂતરે-કંથવે ચાલ્યા જશે. આવી સ્થિતિ છે.
આ રીતે ઉપાય તેમજ ઉપેયમાં આત્માનું અનન્યપણું છે, રાગ તેમાં અનન્ય નથી, માટે કહે છે-‘માટે સદાય અસ્ખલિત એક વસ્તુનું (-જ્ઞાનમાત્ર આત્મવસ્તુનું-) નિષ્કંપ ગ્રહણ કરવાથી, મુમુક્ષુઓને કે જેમને અનાદિ સંસારથી ભૂમિકાની પ્રાપ્તિ ન થઈ હોય તેમને પણ, તત્ક્ષણ જ ભૂમિકાની પ્રાપ્તિ થાય છે.’