૨૩૨ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧ ક્રમરૂપ-અક્રમરૂપ પ્રવર્તતા... , અહાહા...! ભાષા તો જુઓ, સાધક ચોથે, પાંચમે, છટ્ઠે વગેરેમાં પોતાના જ જ્ઞાનાનંદસ્વરૂપમાં લીન પ્રવર્તે છે, વ્યવહારમાં કે નિમિત્તમાં લીન થઈ પ્રવર્તતા નથી. વળી નિષ્કંપપણે આત્માને ગ્રહણ કરતાં નિર્મળ રત્નત્રયની -અનાકુળ આનંદની ધારા (પ્રવાહ) જે ક્રમે ક્રમે પ્રગટ થઈ રહી છે તે પોતાથી જ થઈ છે, ને અક્રમે ગુણો રહેલા છે તેય પોતાથી જ રહેલા છે-આ રીતે મુમુક્ષુઓ પોતાથી જ ક્રમરૂપ-અક્રમરૂપ પ્રવર્તતા તે અનેક ધર્મની મૂર્તિઓ છે. અહાહા...! અક્રમે પ્રવર્તતા અનંત ગુણ અને ક્રમે પ્રવર્તતી તેની નિર્મળ નિર્મળ પર્યાયો-તે રૂપ પોતાથી જ થતા તે મુમુક્ષુઓ, કહે છે, અનેક ધર્મની મૂર્તિઓ છે. ગજબ વાત છે ભાઈ! અહાહા...! તેઓ સાધકભાવથી-નિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ભાવથી ઉત્પન્ન થતી પરમ પ્રકર્ષની કોટિરૂપ, એટલે કે ઉંચામાં ઉંચી-ઉત્કૃષ્ટ દશારૂપ સિદ્ધિભાવનું ભાજન થાય છે; એટલે કે તેઓ સાદિ-અનંત એવા સિદ્ધપદને પાત્ર થાય છે; હવે તેમને ફરીને સંસાર હશે નહિ. આવી વાત!
અહાહા...! જેને અંતરમાં નિષ્કંપ નિરાકુળ આનંદની લહેર પ્રગટ થઈ તે જીવ સ્વરૂપની મોજ કરતો કરતો સ્વરૂપમાં જ લીનપણે સ્થિતિ કરીને અનંતકાળે નહિ પ્રાપ્ત થયેલ એવા સિદ્ધપદને પ્રાપ્ત કરી લે છે. જેમાં અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય ઇત્યાદિ પ્રગટ છે એવા સિદ્ધપદને તે પ્રાપ્ત કરી લે છે. જુઓ આ સ્વ- આશ્રયની કમાલ! સ્વ-આશ્રયે જ સાધકપણું ને સ્વ-આશ્રયે જ સિદ્ધપદ પ્રાપ્ત થાય છે. આ સમ્યક્ એકાંત છે. એનો નિષેધ ના કર ભાઈ! ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ-એની અંતર-એકાગ્રતા તે માર્ગ છે, એમાં દ્રવ્યાંતરનો સ્પર્શ નથી, વ્યવહાર એય અનેરું (બીજું, પર) દ્રવ્ય છે, એનો એમાં સ્પર્શ નથી. આવી વાત!
આમ ઉપાય-ઉપેયની વાત કરી. હવે કહે છે-‘પરંતુ જેમાં અનેક અંત અર્થાત્ ધર્મ ગર્ભિત છે એવા એક જ્ઞાનમાત્ર ભાવરૂપ આ ભૂમિને જેઓ પ્રાપ્ત કરતા નથી, તેઓ સદા અજ્ઞાની વર્તતા થકા, જ્ઞાનમાત્ર ભાવનું સ્વરૂપથી અભવન અને પરરૂપથી ભવન દેખતા (-શ્રદ્ધતા) થકા, જાણતા થકા અને આચરતા થકા, મિથ્યાદ્રષ્ટિ, મિથ્યાજ્ઞાની અને મિથ્યાચારિત્રી વર્તતા થકા, ઉપાય-ઉપેયભાવથી અત્યંત ભ્રષ્ટ વર્તતા થકા સંસારમાં પરિભ્રમણ જ કરે છે.’
અહાહા...! જ્ઞાન, દર્શન, આનંદ ઇત્યાદિ અનંત ધર્મ જેના પેટમાં પડયા છે એવા ત્રિકાળી ધ્રુવ નિજ જ્ઞાનાનંદસ્વરૂપને જેઓ પ્રાપ્ત કરતા નથી તેઓ અજ્ઞાનમાં વર્તનારા છે. અહાહા...! રાગના પરિણામમાં એકત્વ કરીને વર્તતા તે મૂઢ જીવો સદા અજ્ઞાનરૂપ વર્તે છે. અહા! જેની દ્રષ્ટિમાં પોતાનો ધ્રુવ ચિદાનંદ ભગવાન આવ્યો નથી, જેને અંતરમાં અનાકુળ આનંદનો સ્વાદ આવ્યો નથી એવા જીવો અજ્ઞાનરૂપ પ્રવર્તે છે. બહારમાં ભલે હજારો રાણીઓ છોડીને નગ્ન દિગંબર થાય, પંચ મહાવ્રતનું પાલન કરે, તપ કરે, જંગલમાં વસે, પણ વાસ્તવમાં રાગમાં વસનારા તેઓ અજ્ઞાની જ છે. અહા! આવા જીવો ક્લેશ કરો તો કરો, પણ નિજાનંદ-સચ્ચિદાનંદ-સ્વરૂપના ભાન વિના તેમની મુક્તિ થતી નથી, તેઓ સંસારને ઓળંગતા નથી. એમનાં સઘળાં વ્રત ને તપ બાળવ્રત ને બાળતપ જ છે, ફોગટ જ છે.
તેઓ જ્ઞાનમાત્ર ભાવનું સ્વરૂપથી અભવન અને પરરૂપથી ભવન દેખનારા-શ્રદ્ધનારા છે. એટલે શું? કે પોતાનો જ્ઞાનાનંદ સ્વભાવ છે તેનું પોતાથી -સ્વ-આશ્રયથી ભવન-પરિણમન થાય એમ નહિ, પણ પરથી-રાગની ક્રિયાથી એનું ભવન-પ્રગટવું થાય છે એમ તેઓ માને છે, એમ તેઓ જાણે છે, ને આચરણ પણ એમ જ કરે છે. અહા! આમ વર્તતા તેઓ પ્રથમ ભૂમિકા જે સમ્યગ્દર્શન તેને પ્રાપ્ત કરતા નથી; અહા! રાગમાં જેઓ વર્તે છે તેમને સ્વભાવનું ભવન થતું નથી; તેમને અજ્ઞાનનું જ ભવન થાય છે. અહા! પોતે રાગરૂપે પરિણમે અને માને કે મને ધર્મ થાય છે, વા વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થશે, કાંઈ એમ ને એમ અદ્ધરથી ધર્મ ન થઈ જાય-અહા! આવી માન્યતાવાળા મૂઢ જીવો રાગનું જ જ્ઞાન-શ્રદ્ધાન-આચરણ કરતા થકા મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્રપણે જ પરિણમી રહ્યા છે; તેમને સાધકભાવના અંકુર પ્રગટતા નથી.
બાપુ! આ તો વીતરાગનો માર્ગ છે, આ કોઈ પક્ષ કે વાડો નથી. અહાહા...! સ્વરૂપથી જ ભગવાન! તું જિનસ્વરૂપ છો. આવી પોતાની ચીજ નિર્વિકલ્પ દ્રષ્ટિ ને જ્ઞાનમાં પ્રાપ્ત થાય છે. પણ તેને બદલે તું રાગની ક્રિયાથી પ્રાપ્તિ થવાનું માની રાગમાં જ રચ્યો રહે છે તો તને સ્વભાવનું અભવન-અપ્રાપ્તિ જ છે, ને અજ્ઞાનનું ભવન-પ્રાપ્તિ થાય છે. અમે મુનિ છીએ, જંગલમાં રહીએ છીએ, અમારે કયાં વેપાર-ધંધાનાં પાપ છે? અમે તો બધું છોડયું છે. તેને કહીએ-શું છોડયું છે? ધૂળેય છોડયું નથી સાંભળને. મિથ્યાત્વનું મહાપાપ તો ઊભું છે, પછી શું છોડયું?