સુખો તો ઝેર છે, અને આ તો એકલું અમૃત છે, પરમ અમૃત છે. અહા! આ પરમ આનંદનો એક અંશ પણ જેને આવ્યો છે એવા સમકિતીને ઇન્દ્ર અને ઇન્દ્રાણીના ભોગો સડેલા મીંદડા જેવા તુચ્છ ભાસે છે. આવે છે ને કે-
કાગવિટ્ સમ ગિનત હૈ, સમ્યગ્દ્રષ્ટિ લોગ.
અહાહા...! અતીન્દ્રિય આનંદના સ્વભાવથી છલોછલ ભરેલો પ્રભુ ધ્રુવ વિરાજે છે, તેનો જેણે આશ્રય લીધો તેને પર્યાયમાં જે અતીન્દ્રિય આનંદ પ્રગટ થાય છે તેની આગળ ઇન્દ્રના ભોગો તુચ્છ ભાસે છે. પૂર્ણ આનંદ, પરમ-ઉત્કૃષ્ટ આનંદનું તો શું કહેવું?
અહીં કહે છે-આનંદમાં સુસ્થિત છે એવું એનું સદા અસ્ખલિત એક રૂપ છે. અહાહા...! પૂર્ણ આનંદની દશા જે પ્રગટ થઈ તે અસ્ખલિત છે, હવે એ કાંઈ ફરે એમ નથી; સાદિ અનંતકાળ એવો ને એવો જ આનંદ રહ્યા કરે છે. અહાહા...! ‘સાદિ અનંત અનંત સમાધિ સુખમાં’ સંસારનો અંત થઈને મોક્ષદશા થઈ તેમાં પૂર્ણ આનંદનું, એકલા આનંદનું, અનંત આનંદનું વેદન છે, તેમાં હવે કોઈ ફરક થાય નહિ એવું એ અસ્ખલિત છે. સમજાય છે કાંઈ...?
સિદ્ધમાં (સિદ્ધદશામાં) શું છે? તો કહે છે-ત્યાં સ્વરૂપ-લીનતાથી પ્રાપ્ત એકલા આનંદનું, અનંત આનંદનું વેદન છે. આ સિવાય બીજું કાંઈ જ નથી; બાગ-બંગલા, બગીચા, હીરા-મોતી-પન્ના કે કુટુંબ-પરિવાર કાંઈ જ નથી. અહાહા...! પૂર્ણાનંદના નાથને ભેટવાથી જે આનંદની-અનંત આનંદની દશા પ્રગટી છે તે કહે છે, ભગવાન સિદ્ધને અવિચલ-અસ્ખલિત એક રૂપ છે. આવી વાત!
વળી કહે છે- ‘च’ અને ‘अचल–अर्चिः’ અચળ જેની જ્યોત છે એવો ‘अयम् आत्मा उदयति’ આ આત્મા ઉદય પામે છે.
અહાહા...! અનંતવીર્યસ્વરૂપ પ્રભુ આત્મા છે; તેમાં લીન થઈ પરિણમતાં અનંત જ્ઞાન-દર્શન-સુખ ઇત્યાદિ સહિત નિજ સ્વરૂપની રચના કરે એવું અનંત બલ તેને પ્રગટ થાય છે. જે શક્તિમાં છે તે, તેનો આશ્રય લેતાં અચળ જ્યોતિરૂપ પ્રગટ થાય છે.
અહાહા...! આવું દિવ્ય સુપ્રભાત! સૂર્ય ઉગે અને આથમે એમાં તો સુપ્રભાત કાયમ રહેતું નથી, પરંતુ આ ચૈતન્યસૂર્ય તો ઉગ્યો તે ઉગ્યો, હવે તે આથમતો નથી. આવું દિવ્ય સુપ્રભાત સાદિઅનંત રહે એવો આ આત્મા ઉદય પામે છે.
અહીં ‘चित्पिंड’ ઇત્યાદિ વિશેષણથી અનંત દર્શનનું પ્રગટ થવું બતાવ્યું છે, ‘शुध्दप्रकाश’ ઇત્યાદિ વિશેષણથી અનંત જ્ઞાનનું પ્રગટ થવું બતાવ્યું છે, ‘आनन्दसुस्थित’ ઇત્યાદિ વિશેષણથી અનંત સુખનું પ્રગટ થવું બતાવ્યું છે. સુખધામ પ્રભુ આત્મા છે તેથી સુખ તો આત્મામાં ભરપુર ભર્યું હતું, તે અંતર-એકાગ્રતા વડે પર્યાયમાં વ્યક્તપણે પ્રગટ થયું એમ કહેવું છે. અહાહા...! મોક્ષસ્વરૂપ જ ભગવાન આત્મા છે; રાગની એકતા ટળી એટલે એનું ભાન થયું કે હું આવો છું, ને સ્વરૂપમાં જ્યાં એકાગ્રતા સિદ્ધ કરી ત્યાં રાગનો નાશ થયો, ને પર્યાયમાં મુક્તિ થઈ ગઈ, મોક્ષ થઈ ગયો. ‘अचलार्चि’ વિશેષણથી અનંત વીર્યનું પ્રગટ થવું બતાવ્યું છે. જુઓ, આમ ‘પૂર્વોક્ત ભૂમિનો’ -જ્ઞાનમાત્ર નિજભાવમયી ભૂમિનો ‘આશ્રય કરવાથી જ આવા આત્માનો ઉદય થાય છે.’