Pravachan Ratnakar (Gujarati). Kalash: 269.

< Previous Page   Next Page >


PDF/HTML Page 4161 of 4199

 

૨૪૨ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧

કળશ – ૨૬૯
એવો જ આત્મસ્વભાવ અમને પ્રગટ હો એમ હવે કહે છેઃ-
(वसन्ततिलका)
स्याद्वाददीपितलसन्महसि प्रकाशे
शुध्दस्वभावमहिमन्युदिते
मयीति ।
किं बन्धमोक्षपथपातिभिरन्यभावै–
र्नित्योदयः
परमयं स्फुरतु
स्वभावः।। २६९।।

શ્લોકાર્થઃ– [स्याद्वाद–दीपित–लसत्–महसि] સ્યાદ્વાદ વડે પ્રદીપ્ત કરવામાં આવેલું લસલસતું (- ઝગઝગાટ કરતું) જેનું તેજ છે અને [शुध्द–स्वभाव–महिमनि] જેમાં શુદ્ધસ્વભાવરૂપ મહિમા છે એવો [प्रकाशे उदिते मयि इति] આ પ્રકાશ (જ્ઞાનપ્રકાશ) જ્યાં મારામાં ઉદય પામ્યો છે, ત્યાં [बन्ध–मोक्ष–पथ–पातिभिः अन्य– भावैः किम्] બંધ-મોક્ષના માર્ગમાં પડનારા અન્ય ભાવોથી મારે શું પ્રયોજન છે? [नित्य–उदयः परम् अयं स्वभावः स्फुरतु] નિત્ય જેનો ઉદય રહે છે એવો કેવળ આ (અનંત ચતુષ્ટયરૂપ) સ્વભાવ જ મને સ્ફુરાયમાન હો.

ભાવાર્થઃ– સ્યાદ્વાદથી યથાર્થ આત્મજ્ઞાન થયા પછી એનું ફળ પૂર્ણ આત્માનું પ્રગટ થવું તે છે. માટે મોક્ષનો ઇચ્છક પુરુષ એ જ પ્રાર્થના કરે છે કે-મારો પૂર્ણસ્વભાવ આત્મા મને પ્રગટ થાઓ; બંધમોક્ષમાર્ગમાં પડતા અન્ય ભાવોનું મારે શું કામ છે? ૨૬૯.

* કળશ ૨૬૯ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

અહાહા...! આ કળશમાં એકલું માખણ ભર્યું છે. લસલસતો શીરો નથી કહેતા? ઘી અને સાકર નાખેલો લચપચતો ઉનોઉનો શીરો થાય છે ને? તેમ પુણ્ય-પાપના વિકલ્પથી રહિત જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ હું છું એમ જ્યાં અંતર્દ્રષ્ટિ થઈ ત્યાં અંદરમાં ચૈતન્યના તેજનો ઝગમગાટ કરતો પ્રકાશ પ્રગટ થયો છે, અનુભવમાં આવ્યો છે. હવે અમારે બીજી ચીજથી શું કામ છે? લ્યો, આચાર્ય આવી ભાવના ભાવે છે. કહે છે-

‘स्याद्वाद–दीपित–लसत्–महसि’ સ્યાદ્વાદ વડે પ્રદીપ્ત કરવામાં આવેલું લસલસતું (-ઝગઝગાટ કરતું) જેનું તેજ છે અને ‘शुध्द–स्वभाव–महिमनि’ જેમાં શુદ્ધસ્વભાવરૂપ મહિમા છે એવો ‘प्रकाशे उदिते मयि इति’ આ પ્રકાશ (જ્ઞાનપ્રકાશ) જ્યાં મારામાં ઉદય પામ્યો છે, ત્યાં...

‘સ્યાદ્વાદ વડે’ એટલે શું? કે વિકાર અને પરથી ભિન્ન એવો જ્ઞાન, આનંદ આદિ અનંત ગુણથી ભરપુર ભરેલો પૂર્ણ આનંદઘન-ચિદાનંદઘન પ્રભુ હું આત્મા છું એવી સ્વસ્વરૂપની અનેકાંત દ્રષ્ટિ વડે, કહે છે, ચૈતન્યનું લસલસતું-ઝગઝગાટ તેજ પ્રગટ થયું છે. અહાહા...! ચૈતન્યના આ પ્રગટ તેજ આગળ મોહાંધકાર અને રાગ વિલય પામી ગયાં છે. અહાહા...! ચૈતન્યસ્વભાવના આશ્રય વડે આત્માનું ઝગઝગાટ કરતું અજ્ઞાનને દૂર કરતું એવું ચૈતન્યતેજ-સમ્યગ્જ્ઞાનરૂપી તેજ પ્રગટ થયું છે. લ્યો, આનું નામ ધર્મ, બાકી પુણ્ય-પાપની વાસના એ તો અધર્મ છે. પુણ્ય ભલું છે એવી વાસના અધર્મ છે. સમજાણું કાંઈ...? આ તો સ્વભાવના આશ્રયે પ્રગટ ઝગઝગતું સમ્યગ્જ્ઞાનરૂપી તેજ એવું છે કે તેની સાથે મિથ્યાવાસનારૂપી અંધકાર રહી શકતો નથી, વિલીન થઈ જાય છે.

અરે, એને પોતાની ચીજ કેવી અને કેવડી છે તેની ખબર નથી. તેને સંતો કહે છે-ભગવાન! એક વાર જાગ પ્રભુ! રાગ અને સંયોગ-કોઈ તારી ચીજમાં નથી. તારી ચીજમાં તો અનંત જ્ઞાન ને આનંદ ભર્યાં છે. તું સચ્ચિદાનંદ પ્રભુ છો ને! અહાહા...! જેમ પીપરમાં ચોસઠ પહોરી તીખાશ અને લીલો રંગ ભર્યો છે જે ઘુંટતાં બહાર આવે છે, તેમ ભગવાન! તારી ચીજમાં પૂર્ણ જ્ઞાન ને આનંદ ભર્યાં છે જે તેનો આશ્રય કરતાં પર્યાયમાં પ્રગટ વ્યક્ત થાય છે. બાકી બહારમાં તું અબજોપતિ હોય તોય કાંઈ નથી; એ તો બધી ચીજ ધૂળ છે બાપુ! અને એના લક્ષે તો અનંતકાળમાં દુઃખ