જ થયું છે. પરનો-જડનો મહિમા કરી કરીને ભગવાન! તું દુઃખી જ થયો છો.
ભાઈ! આ પૈસા તો જડ માટી-ધૂળ છે. પૈસા કયાં તારા થઈને રહ્યા છે? એ તો એનાપણે રહ્યા છે. તારાપણે થઈને રહે તો એ અરૂપી થઈ જાય, અને જો તું એને તારાપણે માને તો તું અજીવ થઈ જાય. પણ એમ તો થતું નથી. માટે પોતાનો મહિમા મટાડીને, પરનો મહિમા કરે એ તો બધું અજ્ઞાન અને મૂઢતા છે. આચાર્ય કહે છે- નિજ જ્ઞાનાનંદસ્વભાવના આશ્રયે અમને ચૈતન્યનું લસલસતું એવું તેજ પ્રગટ થયું છે જેથી અજ્ઞાન અને મૂઢતા વિલીન થઈ ગયાં છે, નાશ પામી ગયાં છે.
અહા! પોતાની ચૈતન્યવસ્તુ તો અનાદિથી છે, પણ તેને ભૂલીને અનાદિ કાળથી એ ચાર ગતિમાં નર્ક- નિગોદાદિમાં અવતાર કરી કરીને દુઃખી થઈ રહ્યો છે. અહા! નર્ક ને તિર્યંચના એણે અનંત અનંત અવતાર કર્યા છે. કોઈ પુણ્ય યોગે માંડ મનુષ્ય થયો ને કાંઈક ધન મળ્યું તો અભિમાનમાં ચઢી ગયો ને જાણે ‘હું પહોળો અને શેરી સાંકડી,’ એને સંતો કહે છે-ભાઈ, જરા સાંભળ. જેના વડે તું અભિમાનમાં ચઢયો છે તે ચીજ તારી નથી. પુણ્યના ફળમાં શેઠાઈ વગેરે મળી જાય પણ એ તો ધૂળ છે. એ ધૂળનાં પદ બાપુ! એ ચૈતન્યનાં પદ નહિ. અમે તો અનેક વાર કહીએ છીએ કે વર્ષે જે દસ હજાર માગે તે નાનો માગણ, લાખ માગે તે મોટો માગણ, ને ક્રોડ માગે તે એનાથી મોટો માગણ-ભિખારો છે. પોતાની અનંત ચૈતન્યસંપદાને ઓળખ્યા-અનુભવ્યા વિના આ શેઠિયા ક્રોડપતિઓ બધા ભિખારા છે. આવી વાત જરા કડક લાગે પણ આ સત્ય વાત છે. પુણ્ય માગે તે બધા ભિખારા જ છે.
અહા! અંતરમાં આનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ પોતે છે. જેમ હીરામાં પાસા (પહેલ) પાડતાં પ્રકાશ વડે ઝગઝગાટ ચમકે છે, તેમ ભગવાન આત્માનો અંતરમાં સ્વીકાર કરતાં ચૈતન્યનું લસલસતું તેજ પ્રગટ થાય છે. જેમ હીરામાં ચમક ભરી છે તેમ ભગવાન આત્મામાં જ્ઞાન ને આનંદનું પુર્ણ ભરપુર તેજ ભર્યું છે. તેમાં અંતર-એકાગ્ર થતાં સમ્યગ્જ્ઞાનનું તેજ પ્રગટ થાય છે; અર્થાત્ શુદ્ધ સ્વભાવ જેનો મહિમા છે એવો શુદ્ધ, બુદ્ધ ભગવાન આત્મા ઝગઝગાટ પ્રકાશે છે. આ સમ્યગ્જ્ઞાનનો પ્રકાશ થતાં પરનો મહિમા મટીને નિજ સ્વભાવનો મહિમા પ્રગટ થાય છે.
આ દેહમાં વાત, પિત્ત ને કફ જ્યારે વકરે ત્યારે સન્નિપાત થાય છે. સન્નિપાત થતાં માણસ ગાંડો-પાગલ થઈ બહારની ચીજો જોઈ હસવા લાગે છે. એ કાંઈ હરખનું હસવું નથી, એ તો સન્નિપાત બાપુ! પાગલની દશા ભાઈ! તેમ મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન ને મિથ્યા આચરણ વકરે ત્યારે જીવ પાગલ-બેસુધ થઈ જાય છે. પોતાની અંદર અનંતી જ્ઞાન અને આનંદની સંપદા ભરી છે છતાં, આ શરીર મારું, આ ધન મારું, આ બાયડી-છોકરાં મારાં, આ ગામ મારું, આ દેશ મારો-એમ બધે મારાપણું કરી કરીને ગાંડો-પાગલ મૂઢ જેવો થઈ જાય છે. સંતો કહે છે-ભાઈ! જેમ કરવત વડે લાકડાના બે કટકા જુદા કરે છે તેમ ભેદજ્ઞાન વડે સ્વ અને પરને જુદા કર. જ્ઞાનાનંદ સ્વરૂપ તે હું, અને જડ દેહાદિ હું નહિ-એમ બેને જુદા પાડ. અહો! આચાર્ય ભગવાન પોતાની વાત કરીને જગતને સમજાવે છે કે- રાગથી ભિન્ન પડીને સ્વભાવમાં એકાગ્ર થતાં મને લસલસતો જ્ઞાનપ્રકાશ ઉદય પામ્યો છે. આવી વાત!
હવે કહે છે-જ્ઞાનપ્રકાશ જ્યાં મારામાં ઉદય પામ્યો છે ત્યાં ‘बन्ध–मोक्ष–पथ–पातिभिः अन्य–भावैः किम्’ બંધ-મોક્ષના માર્ગમાં પડનારા અન્ય ભાવોથી મારે શું પ્રયોજન છે? ‘नित्यउदयः परम् अयम् स्वभावःस्फुरतु’ નિત્ય જેનો ઉદય રહે છે એવો કેવળ આ (અનંત ચતુષ્ટયરૂપ) સ્વભાવ જ મને સ્ફુરાયમાન હો.
અહાહા...! લ્યો, આચાર્યદેવ કહે છે-મારામાં જ્ઞાનપ્રકાશ જ્યાં ઉદય પામ્યો છે ત્યાં હવે બંધ-મોક્ષના માર્ગમાં પડનારા અન્ય ભાવોથી મારે શું પ્રયોજન છે? અહાહા...! મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્ર તે બંધમાર્ગ છે, ને સમ્યગ્દર્શન- જ્ઞાન-ચારિત્ર તે મોક્ષમાર્ગ છે. પણ એ બંધ-મોક્ષના વિકલ્પથી મારે શું કામ છે? ભગવાન એક જ્ઞાયકના આશ્રયે, જે સ્વભાવ અંદર હતો તે ઝગઝગાટ કરતો પ્રગટ થયો છે, તો હવે બંધ-મોક્ષના માર્ગમાં આવતા અનેક દુર્વિકલ્પથી અમારે શું કામ છે? અમે તો અમારા સ્વરૂપના નિજાનંદરસમાં વિરાજ્યા છીએ. અમને હવે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય-એવી અનંત ચતુષ્ટયની દશા પ્રગટ થાઓ; અમારે બીજું કાંઈ જોઈતું નથી. જુઓ આ ધર્મીની ભાવના!
અહાહા...! આચાર્યદેવ કહે છે-અનાદિ કાળથી પુણ્ય-પાપ ને દેહની ક્રિયા મારી એવી ભ્રમણા વડે સંસારમાં ભમતા હતા. પણ હવે અમને અમારા ભગવાન-ચિદાનંદઘન પ્રભુનો દ્રષ્ટિ અને જ્ઞાન દ્વારા ભેટો થયો છે. આ સ્થિતિમાં હવે અમને પૂર્ણ પ્રકાશ-કેવળજ્ઞાન પ્રકાશ પ્રાપ્ત થાય એ જ ભાવના છે. હવે અમને પૂર્ણ આનંદના ભોગની ભાવના