Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4172 of 4199

 

કળશ-૨૭૨ઃ ૨પ૩
શ્લોકાર્થઃ– (જ્ઞાની કહે છેઃ) [मम तत्त्वं सहजम् एव] મારા તત્ત્વનો એવો સ્વભાવ જ છે કે [क्वचित्

मेचकं लसति] કોઈ વાર તો તે (આત્મતત્ત્વ) મેચક (–અનેકાકાર, અશુદ્ધ) દેખાય છે, [क्वचित् मेचक–अमेचकं] કોઈ વાર મેચક–અમેચક (બન્નેરૂપ) દેખાય છે [पुनः क्वचित् अमेचकं] અને વળી કોઈ વાર અમેચક (–એકાકાર, શુદ્ધ) દેખાય છે; [तथापि] તોપણ [परस्पर–सुसंहत–प्रकट–शक्ति–चक्रं स्फुरत् तत्] પરસ્પર સુસંહત (– સુમિલિત, સુગ્રથિત, સારી રીતે ગૂંથાયેલી) પ્રગટ શક્તિઓના સમૂહરૂપે સ્ફુરાયમાન તે આત્મતત્ત્વ [अलम–मेधसां मनः] નિર્મળ બુદ્ધિવાળાઓના મનને [न विमोहयति] વિમોહિત કરતું નથી (–ભ્રમિત કરતું નથી, મૂંઝવતું નથી).

ભાવાર્થઃ– આત્મતત્ત્વ અનેક શક્તિઓવાળું હોવાથી કોઈ અવસ્થામાં કર્મના ઉદયના નિમિત્તથી અનેકાકાર

અનુભવાય છે, કોઈ અવસ્થામાં શુદ્ધ એકાકાર અનુભવાય છે અને કોઈ અવસ્થામાં શુદ્ધાશુદ્ધ અનુભવાય છે; તોપણ યથાર્થ જ્ઞાની સ્યાદ્વાદના બળથી ભ્રમિત થતો નથી, જેવું છે તેવું જ માને છે, જ્ઞાનમાત્રથી ચ્યુત થતો નથી. ૨૭૨.

* કળશ ૨૭૨ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *
(જ્ઞાની કહે છેઃ) ‘मम तत्त्वम् सहजम् एव’ મારા તત્ત્વનો એવો સ્વભાવ જ છે કે ‘क्वचित् मेचकं लसति’

કોઈ વાર તો તે (આત્મતત્ત્વ) મેચક (-અનેકાકાર, અશુદ્ધ) દેખાય છે, ‘क्वचित् मेचक–अमेचकं’ કોઈ વાર મેચક- અમેચક (બન્નેરૂપ) દેખાય છે ‘पुनः क्वचित् अमेचकं’ અને વળી કોઈ વાર અમેચક (-એકાકાર, શુદ્ધ) દેખાય છે...

અહાહા...! શુદ્ધ ચિદાનંદઘન એક ચિન્માત્ર વસ્તુ હું આત્મા છું એવી જેને અંતર્દ્રષ્ટિ થઈ છે તે સમ્યગ્જ્ઞાની છે. અહા! તે સમ્યગ્જ્ઞાની પોતાના તત્ત્વને કેવું જાણે છે તેની આ સરસ વાત છે. કહે છે-કોઈ વાર મેચક અર્થાત્ પર્યાયમાં અશુદ્ધતા-મલિનતા-દુઃખ છે એમ જ્ઞાની જાણે છે. મલિનતા-દુઃખ પરના-નિમિત્તના કારણે છે એમ નહિ, પણ પોતાનું જ (પોતાથી) એવું પરિણમન છે એમ જ્ઞાની જાણે છે. પ્રવચનસાર, ૪૭ નયના અધિકારમાં કર્તા અને ભોક્તા નયની વાત લીધી છે. ત્યાં કહ્યું છે કે-જ્ઞાનીની પર્યાયમાં પોતાની કમજોરીથી રાગનું પરિણમન છે, રાગ કરવા લાયક છે એમ નહિ, છતાં તેને રાગનું પરિણમન છે તે અપેક્ષાએ રાગનો કર્તા-ભોક્તા હું છું એમ જ્ઞાની યથાર્થ જાણે છે. દ્રષ્ટિ રાગને સ્વીકારતી નથી, કેમકે દ્રષ્ટિનો વિષય એક અભેદ ચિન્માત્ર આત્મા છે, પણ સાથે સમ્યગ્જ્ઞાન જે વર્તે છે તે એમ જાણે છે કે મારી દશામાં મેચકપણું-રાગાદિભાવરૂપ મલિનતા છે. જ્ઞાન સ્વપરપ્રકાશક છે ને? તો સ્વની સાથે પર્યાયમાં જે રાગ છે તેને તે જાણે છે. ગણધરાદિ ક્ષાયિક સમકિતી હોય તે પણ આવું જાણે છે. સમજાય છે કાંઈ...?

જુઓ, આચાર્ય અમૃતચંદ્ર દેવે આ સમયસાર શાસ્ત્રની ‘આત્મખ્યાતિ’ નામની સંસ્કૃતમાં ટીકા લખી. મહાન ટીકા છે. અન્યમાં તો શું જૈનમાં પણ આવી ટીકા બીજે નથી. તેઓ છઠ્ઠે-સાતમે ગુણસ્થાને પ્રચુર આનંદના ઝુલે ઝુલતા સંત-મુનિવર હતા. તેઓ ત્રીજા કળશમાં પોતાની સ્થિતિ બતાવતાં કહે છેઃ

દ્રવ્યદ્રષ્ટિથી (હું) શુદ્ધ ચૈતન્યમાત્ર મૂર્તિ છું, તોપણ મારી પરિણતિ રાગાદિ પરિણામોની વ્યાપ્તિ છે તેનાથી નિરંતર કલ્માષિત (મેલી) છે. કહે છે-મારી દ્રષ્ટિ નિરંતર ચિન્માત્ર દ્રવ્ય-વસ્તુ ઉપર હોવા છતાં પર્યાયમાં મલિનતા છે એમ મારું જ્ઞાન જાણે છે. જ્યાં સુધી રાગની-કર્મની પૂર્ણ નિવૃત્તિ ન થાય ત્યાં સુધી જ્ઞાનીને જ્ઞાનધારા અને કર્મધારા-બન્ને એક સાથે ચાલે છે. જેટલો રાગ છે એટલી કર્મધારા છે, ને તે છે એમ જ્ઞાની યથાર્થ જાણે છે.

તો સમકિતીને આસ્રવ-મલિનતા નથી, તે નિરાસ્રવ છે-એમ શાસ્ત્રમાં આવે છે ને? હા, આવે છે. તે દ્રષ્ટિ અપેક્ષાએ વાત છે. વળી તેને અનંતાનુબંધી કષાય નથી એમ સૂચવવા માટેની વાત છે. સમયસાર ગાથા ૭પ, કર્તાકર્મ અધિકારમાં લીધું છે કે-શુદ્ધ ચૈતન્યમૂર્તિ આત્માની દ્રષ્ટિ થઈ છે તેને આત્મા વ્યાપક થઈ શુદ્ધ પર્યાયનો વિસ્તાર કરે છે, અર્થાત્ શુદ્ધ પર્યાય તેનું વ્યાપ્ય છે, અશુદ્ધ પર્યાય તેનું વ્યાપ્ય કર્મ નથી. આ દ્રષ્ટિ અપેક્ષાએ વાત છે. બાકી જ્ઞાનીને દ્રષ્ટિ સાથે જે જ્ઞાન વર્તે છે તે યથાસ્થિત જાણે છે કે પર્યાયમાં કિંચિત્ કલુષિતતા- મલિનતા છે.

એક બાજુ એમ કહે કે ચોથા ગુણસ્થાનથી શુદ્ધત્વ પરિણમન છે, અને બીજી બાજુથી એમ કહે કે છઠ્ઠે ગુણસ્થાને પણ મલિનતા છે-આ કેવું?

ભાઈ, જ્યાં જે અપેક્ષા હોય તે બરાબર જાણવી જોઈએ. એકાંત તાણવું ન જોઈએ. યથાખ્યાત ચારિત્ર ન હોય