Pravachan Ratnakar (Gujarati). Kalash: 273.

< Previous Page   Next Page >


PDF/HTML Page 4175 of 4199

 

૨પ૬ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧ સારથીને હુકમ કર્યો કે-સીતાજીને જ્યાં સિંહ ને વાઘ હોય એવા જંગલમાં લઈ જાઓ, અને ત્યાં છોડી દો. અરરર! આવા પરિણામ! સારથી પણ સ્તબ્ધ થઈ ગયો, પણ શું કરે? એક બાજુ નોકરી ને બીજી બાજુ રામચંદ્રનો હુકમ. સારથીએ સીતાજીને જંગલમાં છોડયાં તો પ્રથમ એકદમ આઘાત થયો, એમ કે આ શું? આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. થોડી વારમાં શાંત થયા પછી સીતાજીએ સારથીને કહ્યું કે-“રામચંદ્રજીને કહેજો કે હું ધર્માત્મા છું એમ જાણવા છતાં લોકાપવાદથી તમે મને તજી તો ભલે, પણ લોકાપવાદથી ધર્મ મા છોડશો; સમકિત ને આત્મશાંતિની દશાને મા છોડશો.” જુઓ, એ વખતે પણ આ અવાજ! પર્યાયમાં રાગ છે, આર્ત પરિણામ છે એનું ભાન છે, અને સ્વભાવથી હું રાગ રહિત છું એનું પણ ભાન છે. આમ ધર્મી સમકિતી પુરુષ ભ્રમિત થતો નથી, પરંતુ જેમ છે તેમ માને છે.

જુઓ, રામચંદ્રજી પણ પુરુષોત્તમ સમકિતી હતા. એમને પણ (પર્યાયમાં) શુદ્ધતા અને રૌદ્રતા-બે ભાવ એક સાથે હોવા છતાં પોતાના સ્વભાવથી ચ્યુત થયા નહિ. આ રીતે સ્યાદ્વાદના બળથી ધર્મી સ્વભાવથી ચ્યુત થતા નથી. આવી વાત! સમજાણું કાંઈ...?

કળશ–૨૭૩

આત્માનો અનેકાંતસ્વરૂપ (–અનેક ધર્મસ્વરૂપ) વૈભવ અદ્ભુત (આશ્ચર્યકારક) છે–એવા અર્થનું કાવ્ય હવે કહે છેઃ–

(पृथ्वी)
इतो गतमनेकतां दधदितः सदाप्येकता–
मितः क्षणविभङ्गुरं ध्रुवमितः सदैवोदयात्।
इतः परमविस्तृतं धृतमितः प्रदेशैर्निजै–
रहो
सहजमात्मनस्तदिदमद्भुतं वैभवम् ।। २७३।।

શ્લોકાર્થઃ– [अहो आत्मनः तद् इदम् सहजम् अद्भुतं वैभवम्] અહો! આત્માનો તે આ સહજ અદ્ભુત વૈભવ છે કે–[इतः अनेकतां गतम्] એક તરફથી જોતાં તે અનેકતાને પામેલો છે અને [इतः सदा अपि एकताम् दधत्] એક તરફથી જોતાં સદાય એકતાને ધારણ કરે છે, [ इतः क्षणः विभङ्गुरम्] એક તરફથી જોતાં ક્ષણભંગુર છે અને [इतः सदा एव उदयात् ध्रुवम्] એક તરફથી જોતાં સદાય તેનો ઉદય હોવાથી ધ્રુવ છે, [इतः परम– विस्तृतम्] એક તરફથી જોતાં પરમ વિસ્તૃત છે અને [इतः निजैः प्रदेशैः धृतम्] એક તરફથી જોતાં પોતાના પ્રદેશોથી જ ધારણ કરી રખાયેલો છે.

ભાવાર્થઃ– પર્યાયદ્રષ્ટિથી જોતાં આત્મા અનેકરૂપ દેખાય છે અને દ્રવ્યદ્રષ્ટિથી જોતાં એકરૂપ દેેખાય છે; ક્રમભાવી પર્યાયદ્રષ્ટિથી જોતાં ક્ષણભંગુર દેખાય છે અને સહભાવી ગુણદ્રષ્ટિથી જોતાં ધ્રુવ દેખાય છે; જ્ઞાનની અપેક્ષાવાળી સર્વગત દ્રષ્ટિથી જોતાં પરમ વિસ્તારને પામેલો દેખાય છે અને પ્રદેશોની અપેક્ષાવાળી દ્રષ્ટિથી જોતાં પોતાના પ્રદેશોમાં જ વ્યાપેલો દેખાય છે. આવો દ્રવ્યપર્યાયાત્મક અનંતધર્મવાળો વસ્તુનો સ્વભાવ છે. તે (સ્વભાવ) અજ્ઞાનીઓના જ્ઞાનમાં આશ્ચર્ય ઉપજાવે છે કે આ તો અસંભવિત જેવી વાત છે! જ્ઞાનીઓને જોકે વસ્તુસ્વભાવમાં આશ્ચર્ય નથી તોપણ તેમને પૂર્વે કદી નહોતો થયો એવો અદ્ભુત પરમ આનંદ થાય છે, અને તેથી આશ્ચર્ય પણ થાય છે. ૨૭૩.