પરમાત્મપુરાણમાં દર્શન અને જ્ઞાન-એ બેને અદ્ભુતરસમાં લીધા છે. ત્યાં કહ્યું છે કે આત્માની એક સમયની દર્શન અને જ્ઞાન એ બે પર્યાયમાંથી એક દર્શનની-દર્શનોપયોગની-પર્યાય લોકાલોકને અર્થાત્ આખા પૂર્ણ સત્ને ‘તે બધું અભેદ છે’ એમ દેખે છે. તેમાં ‘આ જીવ છે ને આ અજીવ છે’ એવો ભેદ પણ નથી. અરે, ‘આ છે’ એવો ભેદ પણ તેમાં નથી. જ્યારે બીજો એક સમયનો જ્ઞાનપર્યાય બધાને ભિન્ન-ભિન્ન કરીને ભેદથી જાણે છે. દ્રવ્યભેદ, ગુણભેદ, પર્યાયભેદ અને એક-એક પર્યાયમાં પણ અનંત ભેદ વગેરે બધાને ભિન્ન-ભિન્ન કરીને જ્ઞાન જાણે છે. આ રીતે, જે સમયે દર્શનનો પર્યાય બધાને ભિન્ન કર્યા વિના દેખે છે તે જ સમયે જ્ઞાનનો પર્યાય બધાને ભિન્ન-ભિન્ન કરીને જાણે છે. અને આ આત્માનો અદ્ભુત રસ છે. જ્યારે અહીંયા આત્મામાં કેવો અદ્ભુત વૈભવ છે તે કહેવું છે. તો, કહે છે કે,
‘अहो आत्मनः तद् इदम् सहजम् अद्भूतं वैभवम् અહો! આત્માનો તે આ સહજ અદ્ભુત વૈભવ છે કે- इतः अनेकतां गतम् એક તરફથી જોતાં તે અનેકતાને પામેલો છે.’ પર્યાયથી જોતાં આત્મા અનેકપણે દેખાય છે અને તે એવો છે પણ ખરો. લ્યો, આ પણ આત્માનો એક સ્વાભાવિક અદ્ભુત વૈભવ છે એમ કહે છે.
‘इतः सदा अपि एकताम् दधत् એક તરફથી જોતાં સદાય એકતાને ધારણ કરે છે.’ વસ્તુદ્રષ્ટિથી-દ્રવ્યદ્રષ્ટિથી જોતાં આત્મા એકરૂપ છે. અને આ પણ આત્માનો એક સહજ અદ્ભુત વૈભવ છે.
પ્રશ્નઃ– જગત તો આ બહારના પૈસાદિને વૈભવ કહે છે ને? સમાધાનઃ– ભાઈ! એ તો ધૂડનો વૈભવ છે. તે કયાં આત્મામાં હતો? તે એકેએક (દરેક) પરમાણુ તો તેનામાં-જડમાં છે. તેથી તે પૈસાદિ આત્માનો વૈભવ છે એમ કયાંથી આવ્યું?
અહીં તો આત્માનો વૈભવ એને કહે છે કે એક બાજુથી-પર્યાયદ્રષ્ટિથી-અનેકને જોવાની દ્રષ્ટિથી-જોઈએ તો પર્યાયમાં અનેકતા દેખાય છે અર્થાત્ અનંત પર્યાયો દેખાય છે. કેમકે અનંત ગુણોની અનંત પર્યાયો છે. અને એક બાજુથી-દ્રવ્યદ્રષ્ટિથી-વસ્તુદ્રષ્ટિથી-જોતાં આત્મા એકરૂપ દેખાય છે. જુઓ, આ અનેકતા પર્યાયમાં છે અને એકતા દ્રવ્યમાં છે એમ કહ્યું છે. તથા આત્મા સદાય एकताम् दधत्–એકતાને ધારણ કરે છે, ધારી રાખે છે એમ પણ કહ્યું છે.
‘इतः क्षण–विभङगुरम् એક તરફથી જોતાં ક્ષણભંગુર છે.’ એટલે? કે ક્રમે-ક્રમે થતી દશાની દ્રષ્ટિથી જોઈએ તો આત્મા ક્ષણભંગુર દેખાય છે.
રાજકોટમાં એક વેદાંતી બાવો હતો. તેણે એક વાર એવું સાંભળ્યું કે જૈનના એક સાધુ (પૂ. શ્રી કાનજીસ્વામી) અધ્યાત્મની બહુ ઊંચી વાત કરે છે. તેને તેથી થયું કે લાવ સાંભળવા જાઉં. તે સાંભળવા આવ્યો. પ્રવચનમાં ત્યારે એવું આવ્યું કે પર્યાયનો નાશ થાય છે માટે આત્મા પર્યાયથી અનિત્ય છે. તે બાવાને થયું કે શું આત્મા અનિત્ય હોય? આવો (અનિત્ય) આત્મા ન હોય, એ તો નિત્ય હોય. અવિનાશી આત્મા હોય તે બરાબર આત્મા છે. તેથી, ‘મારે આવું સાંભળવું નથી’ -એમ કહીને તે ચાલ્યો ગયો. પણ ભાઈ! પર્યાયથી આત્મા નાશવાન છે અને વસ્તુથી અવિનાશી છે. અને આ તો વસ્તુનું સ્વરૂપ છે.
પરંતુ આ તો જૈનનું છે? ભાઈ! જૈનનું એટલે કે વસ્તુનું આવું સ્વરૂપ છે. પરંતુ, જો વસ્તુમાં અનિત્યપણું ન જ હોય તો, કાર્ય તો અનિત્યપણામાં થાય છે? આ દ્રવ્ય ધ્રુવ છે, શુદ્ધ છે એવું (નિર્ણયરૂપી) કાર્ય તો પર્યાયમાં થાય છે? પ્રથમ પર્યાયમાં સાચું માન્યું નહોતું અને હવે તેને ફેરવીને (ટાળીને) સાચું માન્યું તો તે પર્યાયમાં મનાયું છે. અર્થાત્ અનિત્ય નિત્યનો નિર્ણય કરે છે. પણ કાંઈ નિત્ય નિત્યનો કે અનિત્યનો નિર્ણય કરતું નથી. કારણ કે એ નિત્ય તો નિત્ય જ છે. (તેમાં ફેરફાર થતો નથી.)
અહીં કહે છે કે એક તરફથી જોતાં પોતે પોતાથી ક્ષણભંગુર છે, ક્ષણે-ક્ષણે નાશ થવાવાળી ચીજ છે એમ દેખાય છે. જુઓ, પરને લઈને આત્મા ક્ષણભંગુર છે એમ નથી કહ્યું. તેમ જ પરવસ્તુની-કે જે ક્ષણભંગુર છે તેની- પણ