૨પ૮ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧ અહીંયા વાત નથી. એટલે કે પૈસા ને શરીરાદિ ક્ષણભંગુર છે એ વાત અત્યારે નથી. પરંતુ વસ્તુની (આત્માની) અવસ્થા એક સમય રહે છે ને બીજે સમયે તેનો નાશ થાય છે તેથી ક્રમવર્તી દશાથી જોતાં આત્મા જ ક્ષણભંગુર દેખાય છે એમ કહેવું છે.
અહા! પહેલાં એમ વાત કરી હતી કે એક તરફથી-પર્યાયદ્રષ્ટિથી જોતાં આત્મામાં અનેકતા દેખાય છે અને એક તરફથી-દ્રવ્યદ્રષ્ટિથી જોતાં તેમાં એકતા દેખાય છે. -બસ, એટલી વાત હતી. જ્યારે હવે કહે છે કે એક તરફથી જોતાં ક્ષણે ક્ષણે નાશવાનપણું દેખાય છે. પર્યાય ઉત્પન્ન થઈને નાશ પામે છે. તેથી તે દ્રષ્ટિથી જોઈએ તો પર્યાયમાં- આત્મામાં ક્ષણભંગુરતા છે, આત્માની પર્યાય ક્ષણભંગુર છે. મતલબ કે પર્યાય ક્રમસર થાય છે તે અપેક્ષાએ આત્માને ક્ષણભંગુર કહેવામાં આવે છે. અને આને પોતાનો સ્વાભાવિક વૈભવ કહ્યો છે.
અહા! એક-એક શ્લોકમાં કેટલું ભરી દીધું છે! પણ જો શાંતિથી પોતાના આત્મા માટે થોડો સ્વાધ્યાય કરે તો ખબર પડે કે અહો! આવી ચીજ બીજે છે નહીં અને વસ્તુ આવી જ હોય. અરે! આવા નિજ આત્મા તરફના વિચાર, મનન, મંથન કરે તો તેનો શુભભાવ પણ બીજી જાતનો હોય છે. પરંતુ તે તો બહારમાં અટકયો છે.
જુઓ, પૈસા આદિને લઈને આત્મા અનેક છે એમ નહીં. પરંતુ પર્યાયમાં અનેકપણું છે તેથી તે અનેક છે. તથા પૈસા ને શરીરાદિ નાશવાન છે માટે આત્મા ક્ષણભંગુર છે એમ પણ નહીં. પરંતુ તેની પર્યાય જ નાશવાન હોવાથી તે ક્ષણભંગુર છે એમ કહે છે. લ્યો, આવી ચીજ છે.
‘इतः सदा एव उदयात् ध्रुवम् એક તરફથી જોતાં સદાય તેનો ઉદય હોવાથી ધ્રુવ છે.’ જુઓ, સદાય ને ધ્રુવ-એ બે શબ્દો એક સાથે કહ્યા છે. તો કહે છે કે એક તરફથી જોતાં સદાય નામ ત્રણે કાળ આત્માનો ઉદય હોવાથી ધ્રુવ છે. એટલે કે એ તો છે તેવો છે-ત્રણે કાળ ધ્રુવ છે... ધ્રુવ છે... ધ્રુવ છે. અને તેથી ક્ષણે ક્ષણે નાશ થવું એ તેમાં નથી. પર્યાય ક્ષણભંગુર છે ને? તેથી તેની સામે કહે છે કે આત્મા ત્રિકાળ એકરૂપ રહેનાર છે. લ્યો, આ આત્માનો વૈભવ બતાવાય છે.
અહાહા! એક તરફથી જોતાં આત્મા સદાય એક જ પ્રકારે-ધ્રુવપણે રહે છે. પર્યાય બદલતી રહે છે પણ ધ્રુવ બદલતું નથી. અને આવો તેનો સ્વભાવ છે. અહીં તો પ્રમાણજ્ઞાનનો વિષય બતાવે છે ને! આત્માનું-પોતાનું અસ્તિત્વ કેટલામાં છે તેનું જ્ઞાન કરાવે છે ને! તેથી ભલે પર્યાય ક્ષણભંગુર હો-ક્ષણે ક્ષણે નાશ પામતી હો-તોપણ તે છે તો આત્માનો વૈભવ એમ કહે છે. અર્થાત્ પોતાનામાં પોતાને લઈને પર્યાય છે પણ પરને લઈને તે છે નહીં. અહા! મૂળ ચીજને પહોંચવા માટે તો અનેક પ્રકારના પુરુષાર્થની ઉગ્ર ગતિ જોઈએ.
અહીં કહે છે કે ભગવાન આત્મા, એક તરફથી જોતાં, ત્રિકાળ ધ્રુવ-એકરૂપ છે. મતલબ કે તે છે... છે... ને છે. અને એક બાજુથી જોતાં તે છે... છે... ને છે એમ નહીં પણ તે છે ને નાશ પામે છે, છે ને નાશ પામે છે. એટલે કે આત્મા દ્રવ્યે સદા ધ્રુવ, એકરૂપ ને સદૃશ છે. અને પર્યાયે ક્ષણભંગુર, વિસદૃશ છે. પર્યાય ક્ષણે ક્ષણે ઉત્પન્ન થઈને જાય, ઉત્પન્ન થઈને જાય છે; તેનાં સૃષ્ટિ ને નાશ, સૃષ્ટિ ને નાશ થાય છે; તેનાં જન્મ ને મરણ, જન્મ ને મરણ થાય છે. જન્મ નામ ઉપજવું, સૃષ્ટિ થવી, ઉત્પત્તિ થવી. અને મરણ નામ નાશ થવું. એક સમયની પર્યાયની ઉત્પત્તિ થવી તે તેનો જન્મ છે અને બીજે સમયે તે ક્ષણભંગુર પર્યાયનો નાશ થવો તે તેનું મરણ છે. લ્યો, આ રીતે પર્યાયમાં જન્મ-મરણ છે. અર્થાત્ તેના ઉત્પત્તિ ને વ્યય; સૃષ્ટિ ને નાશ; જન્મ ને મરણ તો પર્યાયમાં છે. અહા! આત્મતત્ત્વના સહજ વૈભવનું સ્વરૂપ આવું છે. અને તેને દ્રષ્ટિપૂર્વક જ્ઞાનમાં બરાબર લેવું જોઈએ.
-આ રીતે પર્યાયમાં (૧) અનેકતા ને (૨) ક્ષણભંગુરતા તથા દ્રવ્યમાં (૧) એકતા ને (૨) ધ્રુવતા છે એમ વર્ણવ્યું. હવે (ત્રીજા બોલમાં) ક્ષેત્રથી વર્ણવે છે.
‘इतः परम–विस्तृतम् એક તરફથી જોતાં પરમ વિસ્તૃત છે.’ એક તરફથી જોતાં આત્મા એક સમયમાં લોકાલોકને જાણે છે તેથી જાણે કે તેટલો વ્યાપક હોય એમ દેખાય છે. વસ્તુ આત્મા એક સમયમાં એક સાથે જાણે ત્રણ કાળ ને ત્રણ લોકમાં વ્યાપી જાય છે એટલે કે તેનું જ્ઞાન સર્વગત થઈ જાય છે-સર્વને જાણી લે છે તેથી જાણે કે તે તેટલો વિશાળ છે એમ દેખાય છે. આત્મા અત્યારે પણ આવો છે હો. જો કે અહીં તો અત્યારે સાધકજીવની વાત છે. તો, સાધકજીવનો પણ એક સમયનો જ્ઞાનપર્યાય લોકાલોકને-જેટલા અનંત સિદ્ધો આદિ છ દ્રવ્યો છે તે બધાને- જાણે છે. માટે, એક બાજુથી જુએ-જાણે તો એમ જણાય કે જાણવાની અપેક્ષાએ આત્માનો ક્ષેત્રથી તેટલો વિસ્તાર છે. કારણ