Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4180 of 4199

 

કળશ-૨૭૩ઃ ૨૬૧

એક સાથે રહે છે. (તેથી, આ બોલમાં ગુણદ્રષ્ટિ લીધી છે.)

અહા! બધી પર્યાય એક સાથે ન હોય. એક સમયે-એક સાથે એક સમયની એક જ પર્યાય હોય છે. અને તે કારણે તે દ્રષ્ટિથી જોતાં આત્મા ક્ષણભંગુર છે. અને ગુણો એક સાથે જ સદાય હોય છે. તે કારણે તે દ્રષ્ટિથી જોતાં આત્મા ધ્રુવ છે. અહા! સૂક્ષ્મ તો છે ભાઈ! કેમકે આ મારગ જ આવો છે. ને પરમ સત્ય જ આવું છે. તેથી આકરું લાગે કે ન લાગે, તેણે આ રીતે જાણવું જોઈશે. સંસારના દાવાનળથી છુટવું હોય તો તેણે આત્માનો આવો સ્વભાવ છે એમ બરાબર અંતર અનુભવથી નિર્ણય લેવો પડશે. (કરવો પડશે.)

જુઓને, વ્હાલામાં વ્હાલો એકનો એક દીકરો મરી જાય તો બાપ ગાંડો થઈ જાય છે. પણ એ તો એ સમયનો જીવનો પર્યાય બદલાવાનો જ હતો તો બદલાય છે. તે કાંઈ બીજાના કારણે બદલાતો નથી. આ શરીરાદિ તો દૂર રહ્યા પરંતુ આ તો જીવની પર્યાય બદલાય છે તેની વાત છે. તો કહે છે કે આ ભવનો પર્યાય છૂટી બીજા સમયે બીજા ભવનો પર્યાય થવાનો જ હતો તો થયો છે. અરે! ગતિ તરીકે કયા આ મનુષ્યપણાની પર્યાય ને કયાં બીજે સમયે સીધો બીજો ભવ. અને અજ્ઞાનીના તો મમતામાં-બહિર્લક્ષી દ્રષ્ટિમાં-દેહ છૂટે છે, પર્યાય બદલાય છે.

અહીં કહે છે કે આ મનુષ્યપણાની પર્યાયનો નાશ થઈને બીજે સમયે બીજી ગતિની પર્યાય ઉત્પન્ન થાય એવો તેની પર્યાયનો ક્ષણભંગુર સ્વભાવ છે. અને સહભાવી ગુણદ્રષ્ટિથી જોઈએ તો તે ધ્રુવ દેખાય છે. સહભાવી એટલે કે બધા ગુણો એક સાથે હોય છે. જ્યારે બધી પર્યાયો એક સાથે ન હોય. હા, અનંત ગુણની વર્તમાન અનંત પર્યાયો એક સાથે હોય છે. પરંતુ એક ગુણની એક પર્યાય સાથે તે જ ગુણની બીજી પર્યાય ન હોય.

‘જ્ઞાનની અપેક્ષાવાળી સર્વગત દ્રષ્ટિથી જોતાં પરમ વિસ્તારને પામેલો દેખાય છે.’ જ્ઞાનની અપેક્ષાએ જુઓ તો લોકાલોક જાણે કે જ્ઞાનની પર્યાયમાં આવી ગયા હોય એમ દેખાય છે. અર્થાત્ તે સર્વગત છે, બધુંય જાણે છે. અરે! અલોકનો અંત નથી છતાં તેનું જ્ઞાનમાં ભાન થઈ જાય છે એમ કહે છે. તો, કહ્યું કે લોકાલોકનો વિસ્તાર જ્ઞાનની પર્યાય જાણી જાય છે તેથી જાણે કે આત્મા તેટલો વિસ્તૃત છે એમ દેખાય છે. અને આવો જ આત્માનો અદ્ભુત વૈભવ છે.

‘પ્રદેશોની અપેક્ષાવાળી દ્રષ્ટિથી જોતાં પોતાના પ્રદેશોમાં જ વ્યાપેલો દેખાય છે’ આત્મા તેમ જ તેની જ્ઞાનપર્યાય પોતાના અસંખ્ય પ્રદેશોમાં જ છે. તે કાંઈ બીજાના પ્રદેશોમાં કે બીજાની પર્યાયપણે થઈને રહ્યા નથી.

જુઓ, હવે બધાનો સરવાળો લે છે કે ‘આવો દ્રવ્યપર્યાયાત્મક અનંતધર્મવાળો વસ્તુનો સ્વભાવ છે.’ સંપ્રદાયના અમારા ગુરુભાઈ જૈનના બેરિસ્ટર કહેવાતા. છતાં તે એવું કહેતા કે ધર્માસ્તિકાયમાં બે જ ગુણ હોય- અરૂપી ને ગતિહેતુત્વ. ત્રીજો કોઈ ગુણ હોય તો લાવો, બતાવો. માટે તેમાં અનંત ગુણ કેવા? પણ ભાઈ! બીજાં ગુણો ન કહ્યા હોય તોપણ તે દ્રવ્ય છે તો તેમાં અનંત ગુણ હોય જ. અને તેથી તો અહીંયા કહે છે કે દ્રવ્યપર્યાયાત્મક અનંતધર્મવાળો વસ્તુનો સ્વભાવ છે. દ્રવ્ય એટલે વસ્તુ, પર્યાય એટલે અવસ્થા ને આત્મક એટલે સ્વરૂપ.

હવે અજ્ઞાની ને જ્ઞાનીની વાત કરે છેઃ ‘તે (સ્વભાવ) અજ્ઞાનીઓના જ્ઞાનમાં આશ્ચર્ય ઉપજાવે છે કે આ તો અસંભવિત જેવી વાત છે!’ અજ્ઞાનીઓના જ્ઞાનમાં આશ્ચર્ય ઉપજે છે કે આ શું કહે છે?

(૧) તેની તે વસ્તુ અનેક ને તેની તે વસ્તુ એક; (૨) તેની તે વસ્તુ ક્ષણભંગુર ને તેની તે વસ્તુ ધ્રુવ; (૩) તેની તે વસ્તુ સર્વવ્યાપક ને તેની તે વસ્તુ સ્વક્ષેત્રમાં રહે. -આ શું કહે છે? આ તો અસંભવિત જેવી વાત લાગે છે. આવું સંભવે નહીં, અમને કાંઈ આ વાત બેસતી નથી- એમ અજ્ઞાનીઓના જ્ઞાનમાં આશ્ચર્ય ઉપજે છે. પણ ભાઈ! તને ખબર નથી બાપુ! કે વસ્તુનું સ્વરૂપ જ આવું છે. અને તે જ યોગ્ય છે.

આ રીતે અજ્ઞાનીને એકલું આશ્ચર્ય થાય છે જ્યારે ‘જ્ઞાનીઓને જોકે વસ્તુસ્વભાવમાં આશ્ચર્ય નથી’ કેમકે વસ્તુનો સ્વભાવ જ એવો છે. ‘તોપણ તેમને પૂર્વે કદી નહોતો થયો એવો અદ્ભુત પરમ આનંદ થાય છે, અને તેથી આશ્ચર્ય પણ થાય છે.’ જ્ઞાનીને આશ્ચર્ય થાય છે કે અહો! આ કેવી અદ્ભુત વસ્તુ છે.