થયું છે. એને જ્ઞાનમાં ‘રાગ તે હું’ એમ ભાસ્યું ને! આ કારણે એને રાગની-વિકલ્પની પક્કડ થઈ ગઈ છે. સ્વરૂપની પક્કડને બદલે એને રાગની-બંધની પક્કડ થઈ ગઈ છે. ચિદાનંદઘન ચૈતન્યમય પોતાની ચીજ છે તે એને દૂર રહી ગઈ. રાગની-દુઃખની પક્કડમાં જ્ઞાનાનંદ પ્રભુ દૂર રહી ગયો.
અરે ભાઈ! ભગવાન કેવળી તો એમ કહે છે કે-અમારી સામે જો મા; કેમકે અમારી સામે જોવાથી તને રાગ ઉત્પન્ન થશે, દુઃખ થશે. માટે તું તારી સામે જો, સ્વસન્મુખ થા અને અંતરમાં જો. તેથી તને આનંદ પ્રગટશે. લ્યો, આ રીત છે. આ સિવાય એણે અનાદિથી સ્વ સાથે પરને ભેળવીને દ્વૈત જ ઊભું કર્યું છે; રાગને જ ગ્રહ્યો છે.
હવે કહે છે-‘यतः राग–द्वेष–परिग्रहे सति’ સ્વરૂપમાં અંતર પડતાં જેનાથી રાગદ્વેષનું ગ્રહણ થયું, ‘क्रिया– कारकैः जातं’ રાગદ્વેષનું ગ્રહણ થતાં જેનાથી ક્રિયાના કારકો ઉત્પન્ન થયા (અર્થાત્ ક્રિયાનો અને કર્તા-કર્મ આદિ કારકોનો ભેદ પડયો),...
અહાહા...! શું કહે છે? કે સ્વસ્વરૂપ આનંદકંદ પ્રભુ દૂર થઈ જતાં રાગદ્વેષનું ગ્રહણ થયું, અને રાગનું ગ્રહણ થતાં એને ક્રિયા નામ રાગની ક્રિયાના ષટ્કારકો ઉત્પન્ન થયા. રાગાદિનો હું કર્તા, રાગાદિ મારું કર્મ, રાગાદિનું હું કરણ, રાગાદિ જ મેં મને દીધાં ઇત્યાદિ અજ્ઞાનરૂપ રાગાદિ ક્રિયાના ષટ્કારકો પોતામાં ઉત્પન્ન થયા. અહા! ભૂલ કેમ થઈ, અને એનું પરિણામ શું? એ બતાવે છે.
અજ્ઞાનીને ભૂલની ખબર નથી. એ તો સમજે છે કે-દર્શનમોહનીયના ઉદયથી મિથ્યાત્વ થયું છે. અરે ભગવાન! આ તું શું લાવ્યો? દર્શનમોહનીયનો ઉદય તો જડ છે, અને જે વિકારના પરિણામ તારી દશામાં થાય છે એ તો ચિદાભાસ છે. બન્ને વચ્ચે અભાવ છે ત્યાં તે કર્મ શું કરે? કર્મનો ઉદય વિકૃતભાવને કરે એમ ત્રણકાળમાં છે નહિ. વિકૃતભાવ તારામાં તારાથી થાય છે, દ્રવ્યકર્મ વિકાર કરે છે એમ છે જ નહિ. તેં દ્રવ્યકર્મ સાથે સંબંધ માન્યો છે, પણ વાસ્તવમાં એમ છે નહિ. પરમાર્થે ભગવાન આત્મા અબદ્ધસ્પૃષ્ટ જ છે. ભાઈ! જૈનના નામે જ્યાં ત્યાં કર્મ રખડાવે છે એમ તું કહે છે, પણ કર્મ તો જડ છે બાપુ! એ તને શું રખડાવે?
વસ્તુ એમ છે કે-અનાદિથી જીવને દ્રવ્યની દ્રષ્ટિ છૂટી ગઈ છે. અનાદિથી તેને ઇન્દ્રિય-આધીન જ્ઞાન વર્તે છે; એટલે રાગને જાણતાં હું રાગ છું-એમ રાગની એને પકડ થઈ ગઈ છે. રાગ પોતાની ચીજમાં નહિ હોવા છતાં અજ્ઞાનને કારણે રાગની પકડ થઈ ગઈ છે. અને તેથી તેને રાગની ક્રિયાના ષટ્કારકો ઉત્પન્ન થયા છે. પર્યાયની ફેરણી તે ક્રિયા છે. આવે છે ને કે-
કિરિયા પરજયકી ફિરનિ, વસ્તુ એક ત્રય નામ.
અહા! ભ્રાંતિવશ એને રાગના ષટ્કારકો પેદા થયા છે.
પંચાસ્તિકાય ગાથા ૬૨માં લીધું છે કે-જે રાગ વા વિકાર થાય છે તેનો કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ-તે વિકાર-રાગ છે. એક સમયની રાગની ક્રિયાના ષટ્કારક તે તે પર્યાયમાં છે. કર્મ આદિ પરદ્રવ્યમાં નહિ, ને દ્રવ્ય-ગુણમાં પણ નહિ. દ્રવ્ય-ગુણ તો ત્રિકાળ શુદ્ધ જ છે; તે અશુદ્ધને કેમ કરે?
અહા! જેણે રાગનું ગ્રહણ કર્યું છે તેને આનંદકંદ પ્રભુ આત્માનું ગ્રહણ થયું નહિ, અને રાગનું ગ્રહણ થતાં તેને ક્રિયાના ષટ્કારકો ઉત્પન્ન થયા. અર્થાત્ કર્તા, કર્મ, કરણ ઇત્યાદિ કારકોના ભેદ પડી ગયા. તે પોતાની ચીજથી વિખુટો પડી ગયો. તેને કારકો ઉત્પન્ન થતાં રાગનો અનુભવ થયો અને રાગની અનુભૂતિ ના ફળપણે તેણે અનાદિથી દુઃખ જ ભોગવ્યું. અહા! અનાદિથી નિગોદથી માંડી જૈનનો દિગંબર સાધુ થઈ નવમી ગ્રૈવેયક ગયો ત્યાં પણ તેણે રાગનો જ અનુભવ કર્યો. ગાથા ૧૦૨માં આવી ગયું કે જે સમયે જે ભાવનો કર્તા થાય છે તે સમયે તેનો જ તે ભોક્તા થાય છે. સંયોગ મળે એ તો પછીની વાત છે. આ તો જે સમયે રાગ કરે તે જ સમયે તેનો તે ભોક્તા થાય છે.
હવે કહે છે- ‘यतः च अनुभूतिः क्रियायाः अखिलं फलं भुज्जाना खिन्ना’ કારકો ઉત્પન્ન થતાં જેનાથી અનુભૂતિ ક્રિયાના સમસ્ત ફળને ભોગવતી થકી ખિન્ન થઈ (-ખેદ પામી),.....
અહાહા...! જોયું? હું રાગ છું એમ રાગમાં એકતાબુદ્ધિ થવાથી રાગનું ફળ ભોગવતો ખેદખિન્ન થઈ ગયો. ભલે શુભરાગ હોય, તોય તે ખેદખિન્ન જ થઈ ગયો; તેણે ખેદને જ ભોગવ્યો એમ કહે છે.