૨૭૦ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧
‘અજ્ઞાનદશામાં આત્મા સ્વરૂપને ભૂલીને રાગદ્વેષમાં વર્તતો હતો, પરદ્રવ્યની ક્રિયાનો કર્તા થતો હતો, ક્રિયાના ફળનો ભોક્તા થતો હતો, -ઇત્યાદિ ભાવો કરતો હતો;...’
શું કહ્યું? પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપને જાણે નહિ, અને પુણ્ય-પાપને જાણ્યા કરે એ અજ્ઞાનદશા છે. અહા! આવી અજ્ઞાનદશામાં, નિજ જ્ઞાતા-દ્રષ્ટા સ્વરૂપને ભૂલીને રાગદ્વેષરૂપ પ્રવર્તવું તે મિથ્યાત્વ છે. અહાહા...! શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ પોતે છે એને ભૂલીને રાગદ્વેષરૂપ પ્રવર્તવું તે મિથ્યાદશા છે. અનંત કાળથી જીવ આવી મિથ્યાદશા વડે દુઃખી છે. ‘અપને કો આપ ભૂલકે હેરાન હો ગયા’. અહા! પોતાને ભૂલીને જીવ ચતુર્ગતિ-પરિભ્રમણ કરે છે.
અહા! પોતાને ભૂલીને તે પરદ્રવ્યની ક્રિયાનો કર્તા થતો હતો. શરીર, મન, વાણી તથા શુભાશુભ રાગ એ પુદ્ગલના પરિણામ છે, એ કાંઈ પોતાની ચીજ નથી, છતાં એનો હું કર્તા છું-એમ પ્રવર્તતો હતો. રાગાદિ ભાવોનો તે અજ્ઞાનદશામાં કર્તા ને ભોક્તા થતો હતો. અહા! એણે અનંત વાર મુનિવ્રત ધારણ કરીને, રાગની ક્રિયાઓ કરી કરીને, રાગથી ભિન્ન નિજ ચૈતન્યની દ્રષ્ટિના અભાવમાં એણે રાગનું ફળ જે દુઃખ તેનું જ વેદન કર્યું છે. સમજાય છે કાંઈ...?
‘પરંતુ હવે જ્ઞાનદશામાં તે ભાવો કાંઈ જ નથી એમ અનુભવાય છે.’ આવા અર્થનું કાવ્ય પ્રથમ કહે છેઃ-
‘यस्मात्’ જેનાથી (અર્થાત્ જે પરસંયોગરૂપ બંધપર્યાયજનિત અજ્ઞાનથી) ‘पुरा’ પ્રથમ ‘स्व–परयोः द्वैतम् अभूत्’ પોતાનું અને પરનું દ્વૈત થયું (અર્થાત્ પોતાના અને પરના ભેળસેળપણારૂપ ભાવ થયો)...
કળશ બહુ માર્મિક-મર્મભર્યો છે. કર્મના નિમિત્તે જે રાગદ્વેષમય પર્યાય ઉત્પન્ન થઈ તે બંધજનિત પર્યાય છે. ભાવબંધ એ બંધજનિત પર્યાય છે. એ પોતાની ચીજ નથી છતાં એને પોતાની માનવી તે અજ્ઞાન છે, મિથ્યાભાવ છે. આ બંધજનિત પર્યાય કર્મના કારણે ઉત્પન્ન થાય છે એમ નહિ, એ પોતાના કારણે ઉત્પન્ન થાય છે; એને કર્મજનિત કહેવી એ વ્યવહારનય છે. શાસ્ત્રમાં એવાં વ્યવહારનયનાં કથન આવે છે, ગોમટસારાદિમાં ઘણાં આવે છે. એને નિમિત્તનું જ્ઞાન કરાવવા માટેનું વ્યવહારનયનું કથન સમજવું જોઈએ.
અહાહા...! શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ પોતે છે. તેને ઘાત કરી જે વિકારી પર્યાય પોતામાં ઉત્પન્ન થાય તે પોતાથી પોતાના કારણે ઉત્પન્ન થાય છે. અહા! આ વિકારી દશાને નિજ ચૈતન્યમાં ભેળવવી-એનાથી એકતા કરવી તે દ્વૈત છે. અહાહા...! પોતાના અબંધસ્વભાવમાં બંધભાવને ભેળવવો તે દ્વૈત છે. શું કીધું? આ મહાવ્રતાદિનો કે ભક્તિનો વિકલ્પ થાય તે રાગ છે, વિભાવ છે, સંયોગીભાવ છે; તેને શુદ્ધ ચૈતન્યસ્વભાવ સાથે એકપણે માનવો તે દ્વૈત છે, વિસંવાદ છે. ગાથા ૩માં આવે છે કે-ભગવાન આત્માને પર-રાગ સાથે સંબંધ કહેવો એ વિસંવાદ ઉભો કરનારી કથા છે. દ્રવ્યસ્વભાવમાં એકત્વ પામવું તે બધે સુંદર છે, પણ આત્માને રાગથી એકપણાનો સંબંધ માનવો તે ક્લેશ ઉત્પન્ન કરનારું છે.
અહાહા...! જેના અસ્તિત્વ-હોવાપણામાં એકલો જ્ઞાનાનંદનો સ્વભાવ ભર્યો છે તે નિજ સત્તાની દ્રષ્ટિ વિના રાગ ઉપર લક્ષ જતાં અજ્ઞાન ઉત્પન્ન થાય છે. અહા! પોતાની ચીજ જે એક જ્ઞાયકભાવમય છે એમાં રાગને ભેળવવો, રાગને પોતાનો જાણવો ત્યાં, કહે છે, દ્વૈત ઊભું થાય છે. અહા! હું તો એક ચિન્માત્ર વસ્તુ છું, ને રાગ ભિન્ન છે એમ નહિ જાણતાં, હું અને રાગ એક છીએ એમ જાણતાં દ્વૈત ખડું થાય છે. અરે, અનાદિથી એને સ્વ-પરનું દ્વૈત જ ઊભું થયું છે. છે ને અંદર! ‘स्व–परयोः द्वैतम् अभूत’ અહા! આચાર્યની ઘણી-ગૂઢ શૈલી છે. ગાગરમાં સાગર ભર્યો છે. અહા! કેવળીના કેડાયતી દિગંબર સંતોની શી વાત! જ્ઞાનમાં રાગ નથી, ને રાગમાં જ્ઞાન નથી. અહા! આ પરમાર્થ સત્ય છે. છતાં અનાદિ નિગોદથી માંડીને એને સ્વપરની એકતાના અજ્ઞાનથી દ્વૈત ઊભું થયું છે. શુદ્ધ ચૈતન્ય તો અદ્વૈત એકલું છે, એમાં રાગને-પરને ભેળવતાં દ્વૈત થયું છે. ભાઈ! આચાર્ય તને જાગ્રત થવાનાં ગાણાં ગાય છે કે- જાગ નાથ! જાગ. આ રાગ સાથે ભળતાં તો દ્વૈત ઊભું થયું છે. અરેરે! એકમાં દ્વૈત થયું એ તો મહાદુઃખ છે. વિસંવાદ છે.
અહાહા...! ‘यतः अत्र अन्तरं भूत’ દ્વૈતપણું થતાં જેનાથી સ્વરૂપમાં અંતર પડયું,... આત્મદ્રવ્ય જ્ઞાન ને આનંદથી ભરેલો સાક્ષાત્ ભગવાન છે, એને પામર રાગ સાથે જોડી દેતાં સ્વરૂપનું અંતર પડી ગયું છે, સ્વરૂપની પ્રાપ્તિમાં વિઘ્ન