ચંદ્રની અંદર રાહુ આવે છે અને તે એક એક દિવસે એક એક કળાને રોકે છે; વળી ચંદ્ર વાદળોથી આચ્છાદિત થાય છે. ભગવાન આત્મામાં તેને રોકવાવાળો કોઈ રાહુ છે નહિ, તથા તે કોઈથી આચ્છાદિત થતો નથી. માટે ચંદ્રમાની ઉપમા તેને લાગુ પડતી નથી.
વળી, ‘समन्तात् ज्वलतु’ કહ્યું છે તે સર્વ ક્ષેત્રે તથા સર્વ કાળે પ્રકાશ કરવાનું જણાવે છે; ચંદ્રમા આવો નથી.
અહા! ત્રણ કાળ ત્રણ લોકને જાણે એવો આત્માનો પ્રકાશ છે; જ્યારે ચંદ્રનો પ્રકાશ તો થોડો કાળ અને થોડા ક્ષેત્રમાં જ હોય છે. આ પ્રમાણે ચંદ્ર સાથે ભગવાન આત્માની ઉપમા લાગુ પડતી નથી.
આ કાવ્યમાં ટીકાકાર આચાર્યદેવે ‘અમૃતચંદ્ર’ એવું પોતાનું નામ પણ જણાવ્યું છે. સમાસ પલટીને અર્થ કરતાં ‘અમૃતચંદ્ર’ના અને ‘અમૃતચંદ્રજ્યોતિ’ના અનેક અર્થો થાય છે તે યથાસંભવ જાણવા.
હવે શ્રીમાન અમૃતચંદ્ર આચાર્યદેવ બે કાવ્યો કહીને આ સમયસારશાસ્ત્રની આત્મખ્યાતિ નામની ટીકા પૂર્ણ કરે છે.
‘અજ્ઞાનદશામાં આત્મા સ્વરૂપને ભૂલીને રાગદ્વેષમાં વર્તતો હતો, પરદ્રવ્યની ક્રિયાનો કર્તા થતો હતો,– ક્રિયાના ફળનો ભોક્તા થતો હતો,–ઇત્યાદિ ભાવો કરતો હતો; પરંતુ હવે જ્ઞાનદશામાં તે ભાવો કાંઇ જ નથી જ એમ અનુભવાય છે.’–આવા અર્થનું કાવ્ય પ્રથમ કહે છેઃ–
रागद्वेषपरिग्रहे सति यतो जातं क्रियाकारकैः।
भुञ्जाना च यतोऽनुभूतिरखिलं खिन्ना क्रियायाः फलं
શ્લોકાર્થઃ– [यस्मात्] જેનાથી (અર્થાત્ જે પરસંયોગરૂપ બંધપર્યાયજનિત અજ્ઞાનથી) [पुरा] પ્રથમ [स्व–परयोः द्वैतम् अभूत्] પોતાનું અને પરનું દ્વૈત થયું (અર્થાત્ પોતાના અને પરના ભેળસેળપણારૂપ ભાવ થયો), [यतः अत्र अन्तरं भूतं] દ્વૈતપણું થતાં જેનાથી સ્વરૂપમાં અંતર પડયું (અર્થાત્ બંધપર્યાય જ પોતારૂપ જણાયો, [यतः राग–द्वेष–परिग्रहे सति] સ્વરૂપમાં અંતર પડતાં જેનાથી રાગદ્વેષનું ગ્રહણ થયું, [क्रिया–कारकैः जातं] રાગદ્વેષનું ગ્રહણ થતાં જેનાથી ક્રિયાના કારકો ઉત્પન્ન થયા (અર્થાત્ ક્રિયાનો અને કર્તા–કર્મ આદિ કારકોનો ભેદ પડયો), [यतः च अनुभूतिः क्रियायाः अखिलं फलं भुञ्जाना खिन्ना] કારકો ઉત્પન્ન થતાં જેનાથી અનુભૂતિ ક્રિયાના સમસ્ત ફળને ભોગવતી થકી ખિન્ન થઈ (–ખેદ પામી), [तत् विज्ञान–घन–ओघ–मग्नम्] તે અજ્ઞાન હવે વિજ્ઞાનઘનના ઓઘમાં મગ્ન થયું (અર્થાત્ જ્ઞાનરૂપે પરિણમ્યું) [अधुना किल किञ्चित् न किञ्चित्] તેથી હવે તે બધું ખરેખર કાંઈ જ નથી.
ભાવાર્થઃ– પરસંયોગથી જ્ઞાન જ અજ્ઞાનરૂપે પરિણમ્યું હતું, અજ્ઞાન કાંઈ જુદી વસ્તુ નહોતી; માટે હવે જ્યાં તે જ્ઞાનરૂપે પરિણમ્યું ત્યાં તે (અજ્ઞાન) કાંઈ જ ન રહ્યું, અજ્ઞાનના નિમિત્તે રાગ, દ્વેષ, ક્રિયાનું કર્તાપણું, ક્રિયાના ફળનું (–સુખદુઃખનું) ભોક્તાપણું ઇત્યાદિ ભાવો થતા હતા તે પણ વિલય પામ્યા; એક જ્ઞાન જ રહી ગયું. માટે હવે આત્મા સ્વ–પરના ત્રણકાળવર્તી ભાવોને જ્ઞાતા–દ્રષ્ટા થઈને જાણ્યા–દેખ્યા જ કરો. ૨૭૭.