૨૭૬ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧
અહાહા...! જ્ઞાનાનંદસ્વભાવથી ભરપુર પૂર્ણવિજ્ઞાનઘન પ્રભુ આત્મા છે. તેને અનુસરીને અનુભવ થયો તે અનુભવ કેવો છે? અહાહા...!
અહાહા...! સમ્યગ્દ્રષ્ટિ-જ્ઞાની હું પૂર્ણ પરમાત્મસ્વરૂપ છું એમ પોતાને અનુભવે છે, રાગવાળો, ને કર્મવાળો છું એમ અનુભવતો નથી. અરે, હું એક છું, શુદ્ધ છું-એવો વિકલ્પેય ત્યાં નથી. અહા! આવી નિર્વિકલ્પ અનુભૂતિ થઈ છે તે જ્ઞાની કહે છે-અહા! શબ્દોની રચના શબ્દોથી થઈ છે, એ ક્રિયા મારી છે, ને હું એનો કર્તા છું એમ મને ભાસતું નથી. મેં ભાષણ દીધું, ને ઉપદેશ આપ્યો, ને આ મારો ઉપદેશ-એમ માને એ તો મિથ્યાભાવ છે, મિથ્યા અભિમાન છે. ભાઈ, ઉપદેશની ભાષા કોણ કરે? શું આત્મા કરે? કદીય ના કરે. ભગવાનની દિવ્યધ્વનિ નીકળે છે તેના કર્તા ભગવાન નથી. વાણી પોતાથી પ્રમાણિક છે, પરથી પ્રમાણિક કહેવી એ તો વ્યવહાર છે.
અહીં આચાર્ય ભગવાન પોતાની વાત કહે છે કે-સમયસારની વ્યાખ્યા કરવાની ક્રિયા મારી નથી. લ્યો, આવી સરસ અલૌકિક ટીકા રચી, ને હવે આચાર્યદેવ કહે છે-આ વ્યાખ્યા-ટીકા મેં કરી છે, મારાથી થઈ છે-એમ નથી. હું તો આત્મા છું, સ્વરૂપગુપ્ત છું, ભાષાની ક્રિયા મારી છે એમ છે જ નહિ; શબ્દોની ગૂંથણી મેં કરી છે એમ છે જ નહિ. ગજબની વાત!
અહીં એક બીજી વાતઃ સુનય એને કહીએ જેને બીજા નયની અપેક્ષા હોય, અર્થાત્ સુનય સાપેક્ષ છે. સાપેક્ષતાનો અર્થ શું? કે પર્યાય, ભેદ ને રાગનું લક્ષ છોડવું, તેની ઉપેક્ષા કરવી. લ્યો, એ એની સાપેક્ષતા છે. જેમકે-સ્વભાવ સન્મુખ થતાં નિશ્ચયનય પ્રગટ થયો, તો નિશ્ચયનયને બીજા નયની અપેક્ષા હોવી જોઈએ કે નહિ? લ્યો, આવો પ્રશ્ન થાય તો સમાધાન એમ છે કે-પરની-રાગની-ભેદની ઉપેક્ષા તે અપેક્ષા છે. આ સુનયની વ્યાખ્યા કહી.
કુનયમાં બીજા અનેરા ધર્મની અપેક્ષા નથી. પ્રમાણમાં નિશ્ચયનયના વિષય ઉપરાંત વ્યવહારનયને પર્યાયને ભેળવવામાં આવે છે; દ્રવ્ય-પર્યાયસ્વરૂપનું જ્ઞાન કરાવવામાં આવે છે. હવે નિશ્ચયનયને વ્યવહારનયની અપેક્ષા શું? તો વ્યવહારનો વિષય જે ભેદ તેનું લક્ષ છોડવું, પર્યાયનું લક્ષ છોડવું તે એની સાપેક્ષતા છે. આવો મારગ અલૌકિક છે ભાઈ!
પ્રશ્નઃ– સ્વ-આશ્રયે નિશ્ચયનય તો પ્રગટયો, પણ સાથે બીજો નય ન હોય તો મિથ્યાનય થઈ જાય. ઉત્તરઃ– પણ બીજો નય હોય એનો અર્થ શું? એ જ કે તેના વિષયભૂત પર્યાયની ને ભેદની ઉપેક્ષા કરવી. લ્યો, આ એની સાપેક્ષતા છે. એનું લક્ષ છોડી ત્રિકાળી એક જ્ઞાયકમાં એકાગ્ર થવું તેનું નામ સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન છે.
અહાહા...! સમકિતીને જ્ઞાનની દશામાં પરની ક્રિયા પોતાની ભાસતી નથી. મતલબ કે પર્યાયમાં રાગ છે, લખતી વેળા વાણીના જલ્પનો વિકલ્પ છે, અને શબ્દો લખાય છે, પણ જેની દ્રષ્ટિમાં એક જ્ઞાયક વસ્યો છે તેને એ બધી પરની ક્રિયાઓ પોતાની છે, પોતે કરી છે એમ ભાસતું નથી. એને તો એ બધી ક્રિયાઓ પ્રતિ ઉદાસીનતા ને ઉપેક્ષા જ છે.
વળી એક બીજી વાતઃ નિયમસારની બીજી ગાથામાં આવે છે કે-શુદ્ધ રત્નત્રયાત્મક માર્ગ પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષનો ઉપાય છે. જુઓ, નિશ્ચય મોક્ષમાર્ગ પરમ નિરપેક્ષ છે, તેમાં વ્યવહારનું લક્ષ નથી, વ્યવહારની તેને અપેક્ષા નથી. આ રીતે નિશ્ચયને વ્યવહારની અપેક્ષા નથી. ભાઈ, આવો અંતરનો માર્ગ અનંત કાળમાં એણે સમજણમાં લીધો નથી. બહારમાં ક્રિયાકાંડ કરીને મરી ગયો પણ અંતરની ચીજ એણે લક્ષમાં લીધી નહિ. અરે, જે ઉપેક્ષાયોગ્ય છે તેની અપેક્ષા કીધા કરી, ને જેનું અંતરલક્ષ કરવાનું છે તેની એણે ઉપેક્ષા જ કીધે રાખી છે!
શુદ્ધ રત્નત્રયનો માર્ગ પરમ નિરપેક્ષ છે. જુઓ આ સંતોની વાણી! આ તો ભગવાનની વાણી ભાઈ! મળવી મહા મુશ્કેલ કહે છે-ભગવાન! તારા સ્વ-આશ્રયમાં પરની-રાગની ને ભેદની કોઈ અપેક્ષા નથી. જ્યાં વ્યવહારની અપેક્ષા કહી છે ત્યાં એની ઉપેક્ષા એ જ એની અપેક્ષા સમજવી. ગાથામાં આવે છે ને કે-