અહા! આવો વીતરાગનો મારગ! એટલે તો ગાથામાં (ગાથા ૧૧માં) વ્યવહારનયને અભૂતાર્થ નામ અસત્યાર્થ કહ્યો છે. એને અભૂતાર્થ જાણવો એનું નામ એની સાપેક્ષતા. સમજાણું કાંઈ...?
રીતે કહ્યું છે એવા શબ્દોએ ‘इयम् समयस्य व्याख्या’ આ સમયની વ્યાખ્યા (-આત્મવસ્તુનું વ્યાખ્યાન અથવા સમયપ્રાભૃત શાસ્ત્રની ટીકા) ‘कृता’ કરી છે; ‘स्वरुप गुप्तस्य अमृतचन्द्रसूरेः’ સ્વરૂપગુપ્ત (-અમૂર્તિક જ્ઞાનમાત્ર સ્વરૂપમાં ગુપ્ત) અમૃતચંદ્રસૂરિનું ‘किच्चित् एव कर्तव्यं न अस्ति’ (તેમાં) કાંઈ જ કર્તવ્ય નથી.
જુઓ, આચાર્યદેવ કહે છે-વસ્તુતત્ત્વને યથાર્થ કહેનારા આ સમયસાર શાસ્ત્રની વ્યાખ્યા શબ્દોથી રચાયેલી છે, મારાથી નહિ. અહા! શબ્દોની ગુંથણીની ક્રિયા શબ્દોએ જ કરી છે, મેં કરી છે એમ નથી. પોતાની શક્તિથી શબ્દોએ જ વસ્તુતત્ત્વ સારી રીતે કહ્યું છે. અહાહા...! શબ્દોમાં સ્વ-પરને કહેવાની પોતાની જ શક્તિ છે. જેમ સ્વ-પરને જાણવાની આત્માની સહજ જ શક્તિ છે, તેમ સ્વ-પરને કહેવાની શબ્દોની સહજ જ શક્તિ છે. કોઇ એમ કહે કે શબ્દોની રચના મેં કરી છે તો એની એ મૂઢતા છે, પાગલની દશા છે. અરે ભગવાન! શબ્દને તો આત્મા અડયોય નથી, ને શબ્દ આત્માનેય અડયો નથી. જગતનાં અનંત તત્ત્વો ભિન્ન ભિન્ન જ છે. આમ છે ત્યાં શબ્દોની ગૂંથણી આત્મા કરે એ વાત જ કયાં રહે છે?
પ્રશ્નઃ– તે પ્રકારનું જ્ઞાન કામ કરે ત્યારે શબ્દો નીકળે ને? ઉત્તરઃ– શબ્દો શબ્દોથી નીકળે છે, શબ્દો તો જડનો ભાવ છે, તેમાં જ્ઞાનનું શું કામ છે? જ્ઞાન જ્ઞાનનું કામ કરે, જ્ઞાનનું શબ્દોમાં કાંઈ જ કામ નથી. આત્મા શબ્દોની ક્રિયા ત્રણકાળમાં કરતો નથી.
ભગવાનને કેવળજ્ઞાન થતાં દિવ્ય વાણી નીકળી તે ત્રણકાળ ત્રણલોકને યથાર્થ જણાવે, એ જણાવવાની (કહેવાની) પરમાણુમાં સ્વયંની શક્તિ છે, ભગવાન નિમિત્ત હો, પણ એમાં ભગવાનનું કાંઈ જ કાર્ય નથી. શબ્દોમાં સ્વપરના વસ્તુસ્વરૂપને કહેવાની પોતાની જ શક્તિ છે, જ્ઞાનને લઈને છે એમ નથી. જ્ઞાનને લઈને વાણી ખરી એમ છે નહિ. વાણી તો જડ છે, તેમાં આત્માનું જ્ઞાન પેસતું નથી. (પેસી શકતું નથી). અહો! કેટલી સ્પષ્ટ વાત! આ સમયસારની વ્યાખ્યા શબ્દોએ કરી છે, મેં અમૃતચંદ્રે નહિ. અહા! જ્યાં વાણીના વિકલ્પનો કર્તા આત્મા નથી, તો વાણીનો કર્તા કેમ હોય?
ત્યારે કોઈ કહે છે-આચાર્યદેવે સમયપ્રાભૃતની વ્યાખ્યા તો ખરેખર કરી છે, પણ આમાં એમણે પોતાની નિરભિમાનતા બતાવી છે, તેથી કહે છે-મેં કાંઈ કર્યું નથી.
અરે ભાઈ! શબ્દો તો જડ પુદ્ગલની પર્યાય છે, પુદ્ગલથી જુદો આત્મા વાણીને કેમ રચે? આચાર્યદેવ કહે છે -હું તો સ્વરૂપગુપ્ત છું. શબ્દો ને શરીરથી ભિન્ન ચૈતન્યના આનંદમાં મશગુલ-લીન છું, જ્ઞાનસ્વભાવમાં રહ્યો છું, વાણીની પર્યાય એના પરમાણુથી થઈ છે, મારે એનાથી શું છે? હું તો એને અડયોય નથી. સમજાય છે કાંઈ...?
એ તો એમ કહેવાય કે-કુંદકુંદાચાર્યદેવે આ શાસ્ત્ર રચ્યું, ને અમૃતચંદ્રદેવે ટીકા રચી, પરંતુ એ તો નિમિત્ત કોણ હતું એનું એમાં જ્ઞાન કરાવ્યું છે, બાકી એની રચના શબ્દોએ જ કરી છે, આચાર્યદેવે નહિ. આ શબ્દોની ગૂંથણી મેં કરી નથી એમ કહ્યું એમાં આચાર્યદેવે વસ્તુસ્થિતિ બતાવી છે. કોઈ દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્યનું કામ કરે નહિ એ વસ્તુનો પોકાર છે બાપુ! અને એમ જ જાણ્યું છે તે આચાર્યની નિરભિમાનતા છે. ખરેખર કરે અને મેં કર્યું નથી એમ કહે એમાં શું નિર્માનતા છે? એ તો છલ છે. પણ આચાર્યદેવે તો સ્પષ્ટ વસ્તુસ્થિતિ અને પોતાની આત્મસ્થિતિ આ કળશમાં ખુલ્લી કરી છે. અહાહા...! આચાર્યદેવ કહે છે-
હું જીવ છું, શબ્દો અજીવ છેઃ હું ચૈતન્ય છું, શબ્દો જડ છે; હું અમૂર્તિક-અરૂપી છું, શબ્દો મૂર્તિક-રૂપી છે. હું તો જ્ઞાનમાત્ર સ્વભાવમાં ગુપ્ત છું, જ્યાં છું ત્યાં છું, શબ્દોમાં ગયો જ નથી; પછી વાણીની રચના કેમ કરું? આ વાણીની રચનામાં મારું કાંઈ જ કર્તવ્ય નથી. જુઓ આ વસ્તુસ્થિતિ કહી. આચાર્યદેવે આવી જ વસ્તુસ્થિતિ જાણી