૨૭૮ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧ તે તેમની નિર્માનતા છે. બાકી લોકમાં તો એક-બે પુસ્તક લખે ત્યાં તો ‘આ અમે લખ્યું છે’ -એમ ફૂલીને ફાળકો થઈ જાય; અને વળી બીજાને કહે કે અમારી કિંમત કરવી જોઈએ. હવે શું કિંમત કરે? જડનો કર્તા થયો એ જ કિંમત થઈ ગઈ; એ કિંમતમાં ચાર ગતિમાં રખડશે. સમજાણું કાંઈ...?
‘શબ્દો છે તે તો પુદ્ગલ છે. તેઓ પુરુષના નિમિત્તથી વર્ણ-પદ-વાકયરૂપે પરિણમે છે; તેથી તેમનામાં વસ્તુના સ્વરૂપને કહેવાની શક્તિ સ્વયમેવ છે, કારણ કે શબ્દનો અને અર્થનો વાચ્યવાચક સંબંધ છે.’
જોયું? ‘પુરુષના નિમિત્તથી’ -એમ કહ્યું; પણ એનો અર્થ શું? એ જ કે શબ્દોની પદ-વાકયરૂપ રચના શબ્દોથી થાય છે, નિમિત્તથી નહિ. એમાં જ નિમિત્ત નિમિત્ત રહ્યું. નિમિત્તથી થાય-કરાય તો નિમિત્ત કયાં રહ્યું? ‘નિમિત્તથી’ એમ કહેવાય એ તો નિમિત્તપરક ભાષા છે, બાકી નિમિત્ત ઉપાદાનમાં કાંઈ જ કરતું નથી.
જુઓ, શબ્દ વાચક છે, ને વસ્તુ વાચ્ય છે. આમ હોતાં શબ્દોમાં વસ્તુના સ્વરૂપને કહેવાની શક્તિ સ્વયમેવ છે. વાચક શબ્દ વાચ્યના કારણે છે, કે વાચ્ય વાચકને લઈને છે એમ નથી, ને કહેનારો હોંશિયાર છે તો વાચક શબ્દો છે એમ પણ નથી. કેવળી ભગવાનને દિવ્યધ્વનિ નીકળે છે માટે એમાં કેવળજ્ઞાનની કાંઈ અસર છે એમ નથી. ભાઈ, જૈન તત્ત્વજ્ઞાન બહુ સૂક્ષ્મ ને ગહન છે. હવે કહે છે-
‘આ રીતે દ્રવ્યશ્રુતની રચના શબ્દોએ કરી છે એ વાત જ યથાર્થ છે. આત્મા તો અમૂર્તિક છે, જ્ઞાનસ્વરૂપ છે, તેથી તે મૂર્તિક પુદ્ગલની રચના કેમ કરી શકે? માટે જ આચાર્યદેવે કહ્યું છે કે “આ સમયપ્રાભૃતની ટીકા શબ્દોએ કરી છે, હું તો સ્વરૂપમાં લીન છું, મારું કર્તવ્ય તેમાં (-ટીકા કરવામાં) કાંઈ જ નથી.” આ કથન આચાર્યદેવની નિર્માનતા પણ બતાવે છે.’
જુઓ આ વસ્તુસ્થિતિ! અમૂર્તિક જ્ઞાનસ્વરૂપી પ્રભુ આત્મા, કહે છે, રૂપી જડ પુદ્ગલોને કેમ કરી રચે? ન રચે. માટે સમયપ્રાભૃતની ટીકા શબ્દોએ રચી છે, અમૃતચંદ્રે નહિ-આ સિદ્ધાંત છે, આ વસ્તુસ્થિતિ છે. હું તો સ્વરૂપગુપ્ત છું એમ કહીને આચાર્યદેવે પોતાની અંતરદશા ખુલ્લી કરી છે. આ કથનથી આચાર્યદેવે પોતાની નિર્માનતા પણ પ્રગટ કરી છે. હવે વ્યવહાર કહે છે-
‘હવે જો નિમિત્તનૈમિત્તિક વ્યવહારથી કહીએ તો એમ પણ કહેવાય છે જ કે અમુક કાર્ય અમુક પુરુષે કર્યું.’ જુઓ, આ તો નિમિત્ત કોણ હતું એ બતાવવા નિમિત્તની મુખ્યતાથી આમ કહેવાય છે. આવો કહેવાનો વ્યવહાર છે, પણ કાર્ય નિમિત્તથી થયું છે એમ છે નહિ. આત્મા-પુરુષ જડનું કામ કરે એમ છે નહિ. હવે કહે છે-
‘આ ન્યાયે આ આત્મખ્યાતિ નામની ટીકા પણ અમૃતચંદ્રાચાર્યકૃત છે જ.’ જુઓ આ નિમિત્તનું કથન! વ્યવહારથી આમ કહેવાય, પણ ખરેખર અમૃતચંદ્રાચાર્ય ટીકાના રચયિતા નથી, નિમિત્ત છે બસ. શબ્દની રચનાથી શાસ્ત્ર બન્યું છે, અમૃતચંદ્ર તો નિમિત્તમાત્ર છે. જડ પરમાણુઓ અક્ષર-પદ-વાકયપણે થયા છે, આત્મા એને કરી શકતો નથી. વ્યવહારે અમૃતચંદ્રકૃત કહ્યું એનો એવો અર્થ નથી કે જડની અવસ્થા જડ પરમાણુઓએય કરી ને અમૃતચંદ્રે પણ કરી. વાસ્તવમાં જડની અવસ્થા જડ જ કરે, આત્મા નહિ-આવી જ વસ્તુવ્યવસ્થા છે. છતાં આત્માએ- પુરુષે કર્યું એવું કથન કરવાનો વ્યવહાર છે. હવે કહે છે-
‘તેથી તેને વાંચનારા તથા સાંભળનારાઓએ તેમનો ઉપકાર માનવો પણ યુક્ત છે; કારણ કે તેને વાંચવા તથા સાંભળવાથી પારમાર્થિક આત્માનું સ્વરૂપ જણાય છે, તેનું શ્રદ્ધાન તથા આચરણ થાય છે, મિથ્યા જ્ઞાન, શ્રદ્ધાન તથા આચરણ દૂર થાય છે અને પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થાય છે. મુમુક્ષુઓએ આનો નિરંતર અભ્યાસ કરવાયોગ્ય છે.’
જુઓ, બહારમાં મુમુક્ષુઓમાં આવો વ્યવહાર હોવાયોગ્ય છે. શાસ્ત્રનું પઠન-મનન, અને દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રતિ વિનય-ભક્તિરૂપ પ્રવર્તન મુમુક્ષુઓમાં અવશ્ય હોવાયોગ્ય છે એમ અહીં વ્યવહાર દર્શાવ્યો છે. સ્વ-આશ્રય તે નિશ્ચય છે. સ્વરૂપની લગની લાગે તેને બહારમાં આવો વ્યવહાર હોય છે.
‘આમ શ્રી સમયસારની (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર પરમાગમની) શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકા સમાપ્ત થઈ.