Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4198 of 4199

 

કળશ-૨૭૮ઃ ૨૭૯
(હવે પં. જયચંદ્રજી ભાષાટીકા પૂર્ણ કરે છેઃ-)
‘કુંદકુંદમુનિ કિયો ગાથાબંધ પ્રાકૃત હૈ પ્રાભૃતસમય શુદ્ધ આતમ દિખાવનૂં,
સુધાચંદ્રસૂરિ કરી સંસ્કૃત ટીકાવર આત્મખ્યાતિ નામ યથાતથ્ય ભાવનૂં;
દેશકી વચનિકામેં લિખિ જયચંદ્ર પઢૈ સંક્ષેપ અર્થ અલ્પબુદ્ધિકૂં પાવનૂં,
પઢો સુનો મન લાય શુદ્ધ આતમા લખાય જ્ઞાનરૂપ ગહૌ ચિદાનંદ દરસાવનૂં.’ – ૧.
‘સમયસાર અવિકારકા, વર્ણન કર્ણ સુનંત;
દ્રવ્ય–ભાવ–નોકર્મ તજિ, આતમતત્ત્વ લખંત.’ –૨.

અહાહા...! ભરતક્ષેત્રમાં નિજ સાર વસ્તુ શુદ્ધાત્મા-પુણ્ય-પાપરહિત શુદ્ધ ચૈતન્યભાવ-તે દેખાડવા માટે આચાર્ય કુંદકુંદદેવે ગાથાબદ્ધ પ્રાકૃતમાં આ સમયસાર શાસ્ત્ર રચ્યું છે. આચાર્ય અમૃતચંદ્રદેવે એની આત્મખ્યાતિ નામની સંસ્કૃત ટીકા રચી છે. અહાહા...! જેવો ચૈતન્યદેવ પ્રભુ આત્મા છે તેવો વાણી દ્વારા પ્રસિદ્ધ કર્યો છે; તથા તેવી જ ભાવના ભાવી છે. તેનો જયચંદ્ર પંડિતે ચાલતી ભાષામાં બહુ ટુંકો અર્થ લખ્યો છે, જેથી અલ્પબુદ્ધિ જીવો પણ પામી શકે છે. તે તમે સાચા મનથી ભણો અને સાંભળો. એક જ્ઞાતા-દ્રષ્ટા એવો શુદ્ધ આત્મા-તેને ગ્રહો. તે જ્ઞાનસ્વરૂપી એક ચૈતન્યબિંબ છે. અહાહા...! જેમાં દેહ, મન, વાણી, વિકલ્પ નથી એવા શુદ્ધ ચિદાનંદ સ્વરૂપનો અનુભવ કરો-એમ કહે છે. -૧.

અવિકારી ભગવાન સમયસારનું અર્થાત્ સચ્ચિદાનંદ પ્રભુ આત્માનું વર્ણન સાંભળનાર દ્રવ્યકર્મ, ભાવકર્મ- પુણ્યપાપના ભાવ, અને નોકર્મ-શરીરાદિથી રહિત થઈ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ નિજ આત્મતત્ત્વને જાણે છે-અનુભવે છે. - ૨.

‘આ પ્રમાણે આ સમયપ્રાભૃત (અથવા સમયસાર) નામના શાસ્ત્રની આત્મખ્યાતિ નામની સંસ્કૃત ટીકાની દેશભાષામય વચનિકા લખી છે. તેમાં સંસ્કૃત ટીકાનો અર્થ લખ્યો છે અને અતિ સંક્ષિપ્ત ભાવાર્થ લખ્યો છે; વિસ્તાર કર્યો નથી. સંસ્કૃત ટીકામાં ન્યાયથી સિદ્ધ થયેલા પ્રયોગો છે. તેમનો વિસ્તાર કરવામાં આવે તો અનુમાનપ્રમાણનાં પાંચ અંગોપૂર્વક-(૧) પ્રતિજ્ઞા’ -એટલે શું કહેવા માગીએ છીએ એની પ્રતિજ્ઞા કરવી (૨) ‘હેતુ’ -હેતુ બતાવવો (૩) ‘ઉદાહરણ’ -દાખલો આપવો (૪) ‘ઉપનય’ -સંજ્ઞારૂપને મેળવવું અથવા નિર્ણય કરવો (પ) ‘અને નિગમનપૂર્વક’ -સરવાળો કરવો-એમા પાંચ બોલ છે. આ પાંચ અંગોનું ‘સ્પષ્ટતાથી’ -વિશેષ વિસ્તારથી ‘વ્યાખ્યાન લખતાં ગ્રંથ બહુ વધી જાય; તેથી આયુ, બુદ્ધિ, બળ અને સ્થિરતાની અલ્પતાને લીધે’ તેથી ઓછું આયુષ્ય, ઓછી બુદ્ધિ, બળ થોડું અને અલ્પ સ્થિરતાને લીધે ‘જેટલું બની શકયું તેટલું, સંક્ષેપથી પ્રયોજનમાત્ર લખ્યું છે. તે વાંચીને ભવ્ય જીવો પદાર્થને સમજજો. કોઈ અર્થમાં હીનાધિકતા હોય તો બુદ્ધિમાનો મૂળ ગ્રંથમાંથી જેમ હોય તેમ યથાર્થ સમજી લેજો. આ ગ્રંથના ગુરુસંપ્રદાયનો (ગુરુપરંપરાગત ઉપદેશનો) વ્યુચ્છેદ થઈ ગયો છે,’ અર્થાત્ અધ્યાત્મ સ્વરૂપ-અલૌકિક ચીજ-એની પરંપરા તૂટી ગઈ છે. ‘માટે જેટલો બની શકે તેટલો અભ્યાસ થઈ શકે છે. તોપણ જેઓ સ્યાદ્વાદમય જિનમતની આજ્ઞા માને છે, તેમને વિપરીત શ્રદ્ધાન થતું નથી. કયાંક અર્થનું અન્યથા સમજવું પણ થઈ જાય તો વિશેષ બુદ્ધિમાનનું નિમિત્ત મળ્‌યે યથાર્થ થઈ જાય છે. જિનમતની શ્રદ્ધાવાળાઓ હઠગ્રાહી હોતા નથી.’

હવે અંતમંગળને અર્થે પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરી શાસ્ત્ર સમાપ્ત કરીએ છીએ;-

મંગલ શ્રી અરહંત ઘાતિયા કર્મ નિવારે,
મંગલ સિદ્ધ મહંત કર્મ આઠોં પરજારે;
આચારજ ઉવજ્ઝાય મુની મંગલમય સારે,
દીક્ષા શિક્ષા દેય ભવ્યજીવનિકૂં તારે;
અઠવીસ મૂલગુણ ધાર જે સર્વસાધુ અણગાર હૈં,
મૈં નમું પંચગુરુચરણકૂં મંગલ હેતુ કરાર હૈં.– ૧.