Pravachan Ratnakar (Gujarati). End.

< Previous Page  


PDF/HTML Page 4199 of 4199

 

૨૮૦ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧

અહાહા...! ચાર ઘાતિકર્મનો નાશ કરી જેઓએ પરમાત્મપદ પ્રાપ્ત કર્યું છે તે ભગવાન અનંતચતુષ્ટયધારી અરિહંત છે. અહાહા...! આત્માની હીણી દશામાં નિમિત્ત જે કર્મ તેને જેણે દૂર કર્યાં છે, અર્થાત્ જે શરીર રહિત થઈને એકલા પૂર્ણ આનંદમૂર્તિ-જ્ઞાનમૂર્તિ આત્માપણે થયા છે, ને જેણે સર્વ પરાશ્રયનો નાશ કર્યો છે તે ભગવાન સિદ્ધ છે. વીતરાગી સંત, આત્માના આનંદના સાધક એવા આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ-આ ત્રણેય મંગલમય છે. આચાર્ય દીક્ષા-શિક્ષા દઈ ભવ્ય જીવોને તારે છે. અઠ્ઠાવીસ મુલગુણને ધરનાર એવા સર્વ સાધુ અણગાર છે. મંગળના હેતુના કરનાર હોવાથી હું એ પંચગુરુના ચરણકમળમાં નમસ્કાર કરું છું. પાપનો નાશ અને પવિત્રતાની પ્રાપ્તિમાં જે નિમિત્ત છે એવા પંચ પરમેષ્ઠીને અહીં મંગળ કહ્યા છે.

હવે પં. જયચંદ્રજી પોતાની વાત કહે છેઃ-

જૈપુર નગરમાંહિ તેરાપંથ શૈલી બડી
બડે બડે ગુની જહાં પઢૈ ગ્રંથ સાર હૈ,
જયચંદ્ર નામ મૈં હૂં તિનિમેં અભ્યાસ કિછૂ
કિયો બુદ્ધિસારુ ધર્મરાગતેં વિચારે હૈ;
સમયસાર ગ્રંથ તાકી દેશકે વચનરૂપ
ભાષા કરિ પઢો સુનૂં કરો નિરધાર હૈ,
આપાપર ભેદ જાનિ હેય ત્યાગિ ઉપાદેય
ગહો શુદ્ધ આતમકૂં, યહૈ બાત સાર હૈ. –૨.

જયપુર નગરમાં જૈનોની મોટી વસ્તી છે, મંદિરો છે. મોટા મોટા ગુણીજનો ગ્રંથના સારનો અભ્યાસ કરે છે. એમાં જયચંદ્ર નામે હું એક થયો. મને કાંઈક થોડો અભ્યાસ છે. મારી બુદ્ધિ પ્રમાણે ધર્માનુરાગથી મેં આ સમયસાર ગ્રંથનો દેશી-ચાલતી ભાષામાં અર્થ કર્યો છે. તેને જાણો, સાંભળો, ને નિર્ણય કરો. સાંભળ્‌યું કયારે કહેવાય? કે કહ્યા પ્રમાણે સમજી અંતરમાં સ્વસંવેદન કરે; અંદર આનંદની અનુભૂતિ પ્રગટ કરે ત્યારે સાંભળ્‌યું કહેવાય. માટે સ્વપરનો ભેદ જાણી હેયને ત્યાગીને શુદ્ધ આત્માને ગ્રહણ કરો. લ્યો, આટલો જ સાર છે. આ વિના બધું થોથાં છે એમ કહે છે.

સંવત્સર વિક્રમ તણૂં, અષ્ટાદશ શત ઔર;
ચૌસઠિ કાતિક વદિ દશૈ, પૂરણ ગ્રંથ સુઠૌર. –૩.

સંવત અઢારસો ચોસઠ, કારતક વદી દસમને દિને આ ગ્રંથની વચનિકા પૂર્ણ થઈ. આમ શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત સમયપ્રાભૃત નામના પ્રાકૃતગાથાબદ્ધ પરમાગમની શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની સંસ્કૃત ટીકા અનુસાર પંડિત જયચંદ્રજીકૃત સંક્ષેપભાવાર્થમાત્ર દેશભાષામય વચનિકા ઉપરનાં પરમોપકારી આત્મજ્ઞ સંત શ્રી કાનજીસ્વામીનાં સારગર્ભિત મનોજ્ઞ પ્રવચનો સમાપ્ત થયાં.

* ઇતિ સમાપ્તિ *