ગાથા ૩૨ ] [ ૧૪૧ આત્મામાં નહિ. અહાહા! પરને કારણે બીજામાં કાંઈ થાય એવું જૈનધર્મમાં છે જ નહિ. ગુણોની પર્યાય થાય છે તેમાં પોતે જ કારણ છે, કારણ કે પોતે જ કર્મનું અનુસરણ કરે છે. પોતે જેટલે દરજ્જે (અંશે) નિમિત્તનું અનુસરણ છોડી, સ્વભાવ જે સાક્ષાત્ વીતરાગસ્વરૂપ છે તેને અનુસરી વીતરાગ પર્યાય પ્રગટ કરે છે તેટલે અંશે ભાવ્યભાવક- સંકરદોષ ટળે છે.
અહો! આ તો વીતરાગના અલૌકિક ન્યાય છે. જેમ પેંથીએ પેંથીએ તેલ નાખે તેમ આચાર્યોએ વીતરાગ ભગવાનનો માર્ગ સ્પષ્ટ કર્યો છે. કુંદકુંદાચાર્યનાં શાસ્ત્રો અને અમૃતચંદ્રાચાર્યની ટીકા અગાધ છે. સંતોએ તો હૃદય ખુલ્લાં કર્યાં છે. જેવી રીતે દ્રવ્યકર્મ જીતાય છે તેમ નોકર્મને અનુસરીને જે વિકારી ભાવ થાય છે તેને છોડી સ્વભાવને અનુસરતાં નોકર્મનું જીતવું થાય છે. વળી મનના નિમિત્તે જે કંપન છે તેને અનુસરીને યોગપણે થવાની યોગ્યતા પોતાનીછે. તે ભાવ્ય-ભાવકસંકરદોષ જેટલા અંશે સ્વભાવને અનુસરવામાં આવે તેટલા અંશે ટળી જાય છે. આ શાસ્ત્રમાં આસ્રવ અધિકારમાં ગાથા ૧૭૩ થી ૧૭૬ ના ભાવાર્થમાં પંડિત જયચંદજીએ લખ્યું છે કેઃ- ‘ક્ષાયિક સમ્યગ્દ્રષ્ટિને સત્તામાંથી મિથ્યાત્વનો ક્ષય થતી વખતે જ અનંતાનુબંધી કષાયનો તથા તે સંબંધી અવિરતિ અને યોગભાવનો પણ ક્ષય થઈ ગયો હોય છે તેથી તેને તે પ્રકારનો બંધ થતો નથી.’ તેથી શ્રીમદ્ રાજચંદ્રે ‘સર્વગુણાંશ તે સમ્યક્ત્વ’ અને પંડિત શ્રી ટોડરમલજીએ રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં ‘જ્ઞાનાદિ ગુણો એકદેશ ચતુર્થ ગુણસ્થાન થતાં પ્રગટ થાય છે’ એમ કહ્યું છે.
જેમ ઉપર મન લીધું તેમ વચન, કાય અને પાંચ ઇન્દ્રિયો પણ લેવી. ઇન્દ્રિયોને અનુસરીને જે હીણી દશા થાય છે તે ભાવ્ય છે. તે ભાવ્યને અનિન્દ્રિય સ્વભાવનો આશ્રય લઈને ટાળવું તે જીતેન્દ્રિયપણું છે.
આમ સમય સમયના પરિણામ પોતાથી સ્વતંત્રપણે છે એમ સિદ્ધ કરે છે. પરિણામ ઉગ્રરૂપ પરિણમે કે ઉગ્રરૂપ ન પરિણમે, તે પોતાના કારણે છે, એમાં નિમિત્તની જરાય ડખલ નથી. આત્માવલોકનમાં આવે છે કે-જે દ્રવ્યની પર્યાય જે સમયે જે પ્રકારે થવાની છે તે પોતાના કારણે જ થાય છે અને તે નિશ્ચય છે.
આ રીતે મોહની જગ્યાએ રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નોકર્મ, મન, વચન, કાયા અને પાંચ ઇન્દ્રિયો-એ સોળ પદ મૂકીને વર્ણન કર્યું. આ સિવાયના અસંખ્ય પ્રકારના શુભાશુભ ભાવો છે તે અને અનંત પ્રકારની અંશોની હીનતા અને ઉગ્રતા થાય છે તે પણ વિચારવી.
ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યઘન છે. દ્રવ્યેન્દ્રિયો, ભાવેન્દ્રિય, અને ઇન્દ્રિય-વિષયો એ ત્રણેય જ્ઞેય છે. એ પોતાની ચીજ નથી એમ જાણવું એને સર્વજ્ઞ પરમાત્મા કેવળીની