૧૪૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨ કરતાં રાગને દાબ્યો, રાગનો ઉપશમ કર્યો. આ ઉપશમશ્રેણી છે. એ બીજા પ્રકારની સ્તુતિ છે. આ ઉપશમશ્રેણી ૮ મા ગુણસ્થાને શરૂ થાય છે. પછી ૧૧ મા ગુણસ્થાને ઉપશમભાવ થાય છે, પણ ત્યાં ક્ષાયિકભાવ થતો નથી. તેથી ત્યાંથી પાછા હઠીને સાતમા ગુણસ્થાને આવીને ફરી પુરુષાર્થની અતિ ઉગ્રતાથી રાગનો નાશ કરવામાં આવે છે તે ત્રીજી સ્તુતિ છે. રાગ ઉપશમ પામે કે ક્ષય પામે કામ તો પુરુષાર્થનું જ છે.
મુનિએ પહેલાં પોતાના બળથી બીજી સ્તુતિરૂપ ઉપશમભાવ વડે મોહને જીત્યો હતો, પરંતુ નાશ કર્યો ન હતો. તે ફરીને પોતાના મહા સામર્થ્યથી અર્થાત્ અપ્રતિહતસ્વરૂપ વસ્તુ છે તેના તરફના અપ્રતિહત પુરુષાર્થથી મોહનો નાશ કર્યો. આ પણ ઉપદેશનું કથન છે. બાકી તો ઉગ્ર પુરુષાર્થને કાળે મોહ પોતાના કારણે નાશ પામે છે. પરંતુ ભાષામાં તો એમ જ આવે કે મોહનો પુરુષાર્થથી નાશ કર્યો.
આ આત્મા પરમાત્મા છે. તે એક સમયની પર્યાય વિનાની પરિપૂર્ણ વીતરાગ સર્વજ્ઞસ્વભાવી પરમભાવસ્વરૂપ વસ્તુ છે. તેમાં ઉગ્ર અપ્રતિહત પુરુષાર્થ દ્વારા સ્થિર થઈ મુનિરાજ મોહનો અત્યંત નાશ કરે છે અને ત્યારે જ્ઞાનસ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત થાય છે. (તેને ક્ષીણમોહ જિન કહે છે.) બારમા ગુણસ્થાનને પ્રાપ્ત પૂર્ણ વીતરાગ ક્ષીણમોહ જિન છે. તે ત્રીજા પ્રકારની ઉત્કૃષ્ટ સ્તુતિ છે. આ ઉત્કૃષ્ટ સ્તુતિનું ફળ ૧૩ મું ગુણસ્થાન- કેવળજ્ઞાન છે. આમ જે કેવળજ્ઞાનસ્વભાવી પોતાનો આત્મા જ્ઞાતા-દ્રષ્ટાસ્વરૂપ છે તેના તરફના સંપૂર્ણ ઝુકાવ અને સત્કારથી પર્યાયમાં રાગનો અને તેના ભાવક કર્મનો સત્તામાંથી નાશ થાય છે તેને ત્રીજા પ્રકારની કેવળીની ઉત્કૃષ્ટ સ્તુતિ કહે છે. અહાહા! પોતાની પૂર્ણ સત્તાનો જે અનાદર હતો તે છોડીને, તેનો સ્વીકાર અને સંભાળ કરવાથી રાગની અને કર્મની સત્તાનો નાશ થાય છે, અને ત્યારે તે ક્ષીણમોહ જિન થાય છે.
હવે અહીં આ નિશ્ચય-વ્યવહાર સ્તુતિના અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
‘कायात्मनोः व्यवहारतः एकत्वं’ શરીરને અને આત્માને વ્યવહારનયથી એકપણું છે. અહીં શરીર કહેતાં બાહ્ય શરીર, કર્મ અને રાગ એ બધું લઈ લેવું. આત્મા અને શરીર એક ક્ષેત્રે રહેવાથી અને બન્ને વચ્ચે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ હોવાથી તેઓ એક છે એમ વ્યવહારનય કહે છે. ‘न तु पुनः निश्चयात्’ પરંતુ નિશ્ચયનયથી એકપણું નથી. નિશ્ચયથી તેઓ એક નથી. ચૈતન્ય ભગવાન જડ રજકણોનો પિંડ એવા શરીરથી જુદો છે. જેમ પાણીનો કળશ હોય છે તેમાં પાણી કળશથી અને કળશ પાણીથી ભિન્ન છે- તેમ અંદર જ્ઞાનજળરૂપી ભગવાન આત્મા અને એનો આકાર શરીર અને તેના આકારથી ભિન્ન છે. શરીર અને આત્માને વ્યવહારથી એક કહ્યા હતા પણ નિશ્ચયથી એટલે ખરેખર તેઓ એક નથી પણ ભિન્ન છે.